દેશમાં જ અસેમ્બલ થયેલા પ્રથમ C-295 મિલિટરી ઍરક્રાફ્ટનું સફળ પરીક્ષણ : વડોદરાની તાતા-ઍરબસ ફૅસિલિટીમાં તૈયાર થઈ રહ્યાં છે આવાં ૪૦ વિમાન : ૨૧,૯૩૫ કરોડ રૂપિયામાં થઈ છે ડીલ
મેડ ઇન ઇન્ડિયા C295એ સફળ ઉડ્ડયન કર્યું એની તસવીર ઇન્ડિયન ઍર ફોર્સ દ્વારા ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરવામાં આવી હતી.
સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભર ભારત અભિયાનને આજે વધુ એક મોટી અને અભૂતપૂર્વ સફળતા મળી છે. દેશમાં જ અસેમ્બલ કરવામાં આવેલા પ્રથમ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટે બુધવારે પોતાની પ્રથમ ટેસ્ટ ઉડાન સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. ઇન્ડિયન ઍરફોર્સે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ ઐતિહાસિક ઉપલબ્ધિની માહિતી શૅર કરીને સમગ્ર ટીમને બિરદાવી છે.
ભારતીય વાયુસેના પોતાના સૈન્યની તાકાત વધારવા માટે કુલ ૫૬ C-295 વિમાનો ખરીદી રહી છે, જેની કુલ કિંમત આશરે ૨૧,૯૩૫ કરોડ રૂપિયા છે. આ વિમાનો સેનાના જવાનોને અને યુદ્ધના ભારે સામાનને દુર્ગમ સરહદી વિસ્તારો સુધી ઝડપથી પહોંચાડવામાં સક્ષમ છે. આ સંરક્ષણસોદાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે ૫૬માંથી ૪૦ વિમાનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે.
વડોદરા ખાતે આ ઍરક્રાફ્ટ્સ માટે ખાસ પ્રોડક્શન ફૅસિલિટી સ્થાપવામાં આવી છે, જ્યાં વૈશ્વિક એવિયેશન કંપની ઍરબસના ટેક્નિકલ સહયોગથી તાતા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા આ વિમાનો અસેમ્બલ કરવામાં આવી રહ્યાં છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટની સફળતાથી ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતા તો મજબૂત થશે જ, સાથે દેશ ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે ગ્લોબલ હબ બનવા તરફ આગળ વધશે.
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા યુવાશક્તિ જ મુખ્ય આધાર
ADVERTISEMENT
નીતિ આયોગની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર-રાજ્યો વચ્ચે સહકારી સંઘવાદ પર આપ્યો ભાર, MSMEs માટે FTAsનો ભરપૂર ફાયદો ઉઠાવવા કરી અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે નવી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. એમાં નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સશક્ત બનાવવાને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણાવીને કહ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પાછળ યુવાશક્તિ જ મુખ્ય ચાલક બળ બનશે. તેમણે ક્વૉલિટી એજ્યુકેશન, ડિમાન્ડ-ડ્રિવન સ્કિલિંગ અને રોજગારીની તકો દ્વારા યુવાનો માટે એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. આ વર્ષની બેઠકની થીમ ‘વિકસિત ભારત @૨૦૪૭ માટે સર્વસમાવેશી માનવવિકાસ’ રાખવામાં આવી છે, જે અંતર્ગત દરેક નાગરિકના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી સંઘવાદની ભાવનાથી સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો. આ દરમ્યાન તેમણે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ્સ (FTAs)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ કરારો માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs)ને વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં અને નિકાસ વધારવામાં મોટી મદદ કરશે.
