વર્લ્ડ બૅન્કના રિપોર્ટ મુજબ અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા ૩૪.૪૪ કરોડથી ઘટીને ૭.૫૨ કરોડ થઈ
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ બૅન્કના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક દાયકામાં ભારતના અત્યંત ગરીબીના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે અને એ સાડાપાંચ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. છેલ્લાં ૧૧ વર્ષમાં લગભગ ૨૭ કરોડ દેશવાસીઓ અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા ૩૪.૪૪ કરોડથી ઘટીને ૭.૫૨ કરોડ થઈ ગઈ છે. ૨૦૧૧-’૧૨માં અત્યંત ગરીબીદર ૨૭.૧ ટકા હતો એ ઘટીને ૨૦૨૨-’૨૩માં માત્ર ૫.૩ ટકા થઈ ગયો છે.
ગ્રામીણ વિસ્તારોમાં ભારે ગરીબીનો દર ૧૮.૪ ટકાથી ઘટીને ૨.૮ ટકા થયો છે. શહેરી વિસ્તારોમાં ભારે ગરીબીનો દર ૧૦.૭ ટકાથી ઘટીને માત્ર ૧.૧ ટકા થઈ ગયો છે. ગ્રામીણ-શહેરી તફાવત ૭.૭ ટકાથી ઘટીને માત્ર ૧.૭ ટકા રહ્યો છે.
ADVERTISEMENT
મોટાં પાંચ રાજ્યોનો બે-તૃતીયાંશ ફાળો
ભારતમાં ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં મુખ્ય રાજ્યો ગરીબી ઘટાડવા અને સમાવેશી વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. ૨૦૧૧-’૧૨માં દેશનાં પાંચ મોટાં રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ૬૫ ટકા લોકો અત્યંત ગરીબ હતા. ૨૦૨૨-’૨૩ સુધીમાં ગરીબી ઘટાડવામાં આ પાંચ રાજ્યોએ જ બે-તૃતીયાંશ ફાળો આપ્યો છે.
કેવી રીતે ગરીબો ઓછા થયા?
૨૦૧૭ના ભાવ મુજબ ૨.૧૫ ડૉલર એટલે ૧૮૫ રૂપિયા પ્રતિદિન ખર્ચ કરતા લોકોને ગરીબીરેખા હેઠળ માનવામાં આવતા હતા, પરંતુ વર્લ્ડ બૅન્કના રિપોર્ટ મુજબ હવે રોજના ૩ ડૉલર એટલે કે લગભગ ૨૫૦ રૂપિયાથી ઓછો ખર્ચ કરનારા લોકોને જ ખૂબ ગરીબ માનવામાં આવશે. વર્લ્ડ બૅન્કે આંતરરાષ્ટ્રીય ગરીબીરેખામાં મહત્ત્વપૂર્ણ સંશોધનો કરીને આ આંકડો નિશ્ચિત કર્યો છે. જો આ બદલાવ ન થાય તો વૈશ્વિક સ્તર પર ગરીબીરેખા હેઠળ જીવતા લોકોની સંખ્યામાં ૨૨.૬ કરોડનો વધારો થયો હોત.
૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચેના ભારતના ફુગાવાનો દર ૨૦૨૧ના ભાવની મર્યાદા કરતાં ૧૫ ટકા વધારે હોવાથી ગરીબીદર ઘટ્યો છે. આ નવા દર મુજબ ૨૦૧૧-’૧૨માં ગરીબીરેખા હેઠળના ૩૪ કરોડની સંખ્યા ૨૦૨૨-’૨૩માં ઘટીને માત્ર ૭.૫૨ કરોડ રહી ગઈ છે.
રોજગારમાં વધારો
વર્લ્ડ બૅન્કના અહેવાલ મુજબ ભારતમાં ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં રોજગારમાં નોંધપાત્ર સુધારો થયો છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ડિજિટલ સમાવેશ અને મજબૂત ગ્રામીણ માળખાગત સુવિધાઓએ પારદર્શિતા અને છેલ્લા માણસ સુધી લાભોની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરી છે. આનાથી ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબી દૂર કરવામાં મદદ મળી છે.

