થાણેના વાગળે એસ્ટેટનો બનાવ, પોલીસે અપહરણના બે કેસ નોંધીને તપાસ શરૂ કરી : બન્ને એક જ કૉલેજમાં ભણે છે, પણ એકબીજાને ઓળખતી નથી : બન્ને મોબાઇલ ઘરે મૂકીને ગઈ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની બે કિશોરીઓ રવિવારે બપોરથી અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે થાણેના શ્રીનગર પોલીસે બે અલગ-અલગ અપહરણના કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બન્ને કિશોરીઓ થાણેની એક જાણીતી કૉલેજમાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. રવિવારે બપોરે ‘નીચે જઈને આવું છું’ એમ કહીને બન્ને ઘરેથી નીકળી હતી, પરંતુ ત્યાર બાદ પાછી ફરી નથી. હાલમાં પોલીસ દ્વારા બન્ને કિશોરીઓને શોધવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે અને તેઓ ક્યાં અને કેવી રીતે ગઈ એની માહિતી મેળવવા વાગળે એસ્ટેટના વિવિધ વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
શ્રીનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાગળે એસ્ટેટના રૂપાદેવી પાડા વિસ્તારની અલગ-અલગ સોસાયટીમાં રહેતી બે યુવતીઓ રવિવારે બપોરથી ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં બે સેપરેટ અપહરણના કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. બન્ને કિશોરીઓ એકબીજાને ઓળખતી નહોતી, પણ એક જ કૉલેજમાં અભ્યાસ કરતી હતી. તેમની કૉલેજ પાસેથી પણ બન્ને કિશોરીઓની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. બન્ને કિશોરી પોતાની સાથે મોબાઇલ ફોન લઈ ગઈ નથી એટલે તેમને શોધવી અમારા માટે એક ચૅલેન્જ સાબિત થઈ રહ્યું છે. હાલમાં અમે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે તેઓ ક્યાં ગઈ એના રૂટ તપાસી રહ્યા છીએ.’
