સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) વિશે ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં યુસીસીના અમલીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
તસવીર: પીટીઆઈ
સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) વિશે ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં યુસીસીના અમલીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની શકે છે, જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે. આ કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સોમવારે મોડી રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને અમિત શાહના ઘરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ ધામી ઉપરાંત ઉત્તરાખંડ યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરપર્સન જસ્ટિસ રંજના દેસાઈ પણ હાજર હતા. જોકે, હજુ સુધી આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
જસ્ટિસ દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી
નોંધનીય છે કે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે તેઓ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. આ પછી એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ ઉત્તરાખંડના લોકો પાસેથી સૂચનો માગ્યા હતા. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ પાસેથી પણ સૂચનો મગાવવામાં આવ્યા હતા. સમિતિએ ઑનલાઈન પોર્ટલ બનાવીને સૂચનો પણ માગ્યા હતા. યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સરકારે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી. નિવૃત્ત ન્યાયાધીશ રંજન પ્રસાદ દેસાઈને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સમિતિને લગભગ 20 લાખ સૂચનો મળ્યા હતા.
હરીશ રાવતે ધામીની ટીકા કરી
UCC અંગે સીએમ ધામીએ પહેલા જ દાવો કર્યો છે કે આ કાયદાથી તમામ નાગરિકોને ફાયદો થશે. જોકે પૂર્વ સીએમ હરીશ રાવતે ધામીની ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે યુસીસીને નૈતિકતાના આધારે લાવવામાં આવવી જોઈએ અને તેના પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. હરીશ રાવતે કહ્યું હતું કે, તમામ ધર્મોની પોતાની સમસ્યાઓ છે. આ સાથે જમીન અને પરિવારને લઈને અલગ-અલગ કાયદા છે. રાવતે દાવો કર્યો હતો કે ઘણા મંદિરોમાં દલિતો અને મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ પણ UCC માં ધ્યાનમાં લેવું જોઈએ. રાવતે આરોપ લગાવ્યો કે ભાજપ UCCને માત્ર મુસ્લિમ એજન્ડા હેઠળ લાવવા માગે છે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
યુનિફોર્મ સિવિલ કોડનો સીધો અર્થ એક દેશ-એક કાયદો છે. અત્યારે બધા ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, ઉત્તરાધિકાર, મિલકતો સંબંધિત બાબતો માટે અલગ-અલગ કાયદા છે. જો યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે એક જ કાયદો હશે.


