કેન્દ્ર સરકારને રાજ્યસભામાંથી આ બિલ પસાર કરવા માટે બીજેપી કે આપના સપોર્ટની જરૂર પડશે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર યુનિફૉર્મ સિવિલ કોડને લઈને સંસદના મૉન્સૂન સેશનમાં બિલ લાવવાની તૈયારીમાં છે. લોકસભામાં બીજેપી પોતાના જ બળે એને પસાર કરી શકે એવી સ્થિતિમાં છે. લોકસભામાં નંબર-ગેમ બીજેપીની તરફેણમાં છે. એટલે નીચલા ગૃહમાંથી કોઈ અડચણ વિના આ બિલ પસાર થઈ શકે છે, પરંતુ રાજ્યસભાની નંબર-ગેમ શું છે? સંસદનાં બન્ને ગૃહો-લોકસભા અને રાજ્યસભામાં યુનિફૉર્મ સિવિલ કોડને સંબંધિત બિલ પર વોટિંગ થશે તો ગણિત કેવું રહેશે?
લોકસભામાં એકલી બીજેપીના જ ૩૦૦થી વધુ સંસદસભ્યો છે. જોકે રાજ્યસભામાં આવું ચિત્ર નથી. રાજ્ય સભામાં નંબર-ગેમની વાત કરીએ તો અત્યારે ઉપલા ગૃહની આઠ બેઠકો ખાલી છે અને કુલ સભ્ય સંખ્યા ૨૩૭ છે. એવામાં અત્યારના સંખ્યાબળને આધારે રાજ્યસભામાંથી બિલ પસાર કરાવવા માટે ૧૧૯ સભ્યોના સપોર્ટની જરૂર પડશે.
ADVERTISEMENT
બીજેપીના સંસદસભ્ય હરદ્વાર દુબેનું રિસન્ટ્લી જ નિધન થયું હતું. જેના પછી પાર્ટીની પાસે રાજ્યસભામાં ૯૧ સંસદસભ્યો છે. બીજેપીને સપોર્ટ આપનારી પાર્ટીઓની સીટ્સ પણ સામેલ કરીએ તો સંખ્યા ૧૦૮ સુધી પહોંચે છે. એટલે રાજ્યસભામાંથી બિલ પસાર કરાવવા માટે બીજેપીને વધુ અગિયાર સંસદસભ્યોના સપોર્ટની જરૂર પડશે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં ૧૦ સંસદસભ્યો છે અને પાર્ટીએ યુનિફૉર્મ સિવિલ કોડને સપોર્ટ આપવાની જાહેરાત પણ કરી છે. જો આમ આદમી પાર્ટી એનું સ્ટૅન્ડ બદલશે તો એવી સ્થિતિમાં બીજું જનતા દળ અને વાયએસઆર કૉન્ગ્રેસનો સપોર્ટ બીજેપી માટે જરૂરી બની જશે. આ પાર્ટીઓએ હજી સુધી એમનો નિર્ણય જાહેર કર્યો નથી. બીજું, જનતા દળ અને વાયએસઆર કૉન્ગ્રેસ બન્ને ન્યૂટ્રલ પાર્ટી છે. બન્નેના રાજ્યસભામાં નવ-નવ સભ્યો છે. જો આ બન્ને પાર્ટી બીજેપીને સપોર્ટ આપશે તો યુનિફૉર્મ સિવિલ કોડને સ્મૂધલી રાજ્ય સભામાંથી પસાર કરી શકાશે. જોકે કેટલાક રિપોર્ટ્સ અનુસાર વાયએસઆર કૉન્ગ્રેસ કદાચ બીજેપીને યુનિફૉર્મ સિવિલ કોડ પસાર કરવામાં મદદ નહીં કરે.
રાજ્યસભામાં ચૂંટણીથી સમીકરણો બદલાશે?
રાજ્યસભાની ચૂંટણીઓ ૨૪મી જુલાઈએ યોજાવાની છે. પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ગોવાની ૧૦ બેઠકો પર આ ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓમાં બીજેપી પશ્ચિમ બંગાળમાં કૉન્ગ્રેસના ભોગે વધુ એક સીટ જીતે એવી શક્યતા છે. જેના પછી બીજેપી બીજું જનતા દળ કે આપ બેમાંથી કોઈ એકના પણ સપોર્ટથી રાજ્યસભામાંથી યુનિફૉર્મ સિવિલ કોડ સ્મૂધલી પસાર કરી શકશે.


