હૃષીકેશ પાસે આવેલું આનંદા સ્પા ભલે રિસૉર્ટ હોય, પણ અસલમાં તો એ હેરિટેજ પ્રૉપર્ટી છે અને ભવ્ય રાજમહેલનું હોટેલમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. એના ઇતિહાસ અને પહેલી અનુભૂતિમાં ડૂબકી મારીએ
વાઇસ રીગલ પૅલેસ, આનંદા સ્પા રિસૉર્ટ, હૃષીકેશ
આનંદા સ્પા રિસૉર્ટ્સ - હૃષીકેશ.
વાચકમિત્રો, ચોંકી ન જતા. ધ ગ્રેટ હેરિટેજ સિરીઝમાં આ સ્પા રિસૉર્ટનો ઉલ્લેખ કોઈ ભૂલ નથી. અત્યારે ભલે આ સ્પા રિસૉર્ટ છે, પરંતુ અસલમાં તો આ એક હેરિટેજ પ્રૉપર્ટી જ છે. ભવ્ય રાજમહેલ છે, જેનું હોટેલ તથા સ્પા રિસૉર્ટમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. બીજી હેરિટેજ પ્રૉપર્ટીની જેમ જ આને પણ પરિવર્તિત કરી નાખી છે, કાયાપલટ કરી નાખી છે. આ કદાચ કોઈ પણ હેરિટેજ પ્રૉપર્ટીનો મોટામાં મોટો વિસ્તાર હશે. ચાલો, થોડો ઇતિહાસ જોઈએ.
ADVERTISEMENT
ભારતના હોટેલ ઉદ્યોગના ભીષ્મપિતામહ રાયબહાદુર મોહનસિંહ ઑબેરૉયના નામથી કોણ પરિચિત નથી? ઑબેરૉય અને ટ્રાયડન્ટ બ્રૅન્ડ્સથી પૂરી દુનિયામાં ભારતને પ્રસ્થાપિત કરનારા પદ્મશ્રી આ ઑબેરૉયસાહેબના દૌહિત્ર અશોક ખન્ના જ્યારે પોતાના અનોખા ઔદ્યોગિક સાહસ માટે જગ્યાઓ જોઈને કંટાળી ગયા હતા ત્યારે તેમના પિતાશ્રી ગૌતમ ખન્નાએ તેમને તત્કાલીન તેહરી ગઢવાલના રાજા માનવેન્દ્ર શાહ સાહેબનો મહેલ, જે બિસ્માર હાલતમાં હતો એ જોઈ આવવાનું સૂચન કર્યું. માનવેન્દ્ર શાહસાહેબનો પોતાનો પણ ગજબનો ઇતિહાસ છે. સ્વતંત્ર ભારતના સંસદસભ્ય તરીકે તેમનો સૌથી દીર્ઘ કાર્યકાળ રહ્યો છે. પહેલાં રાજવી અને પછી સંસદસભ્ય તરીકે આ મહાનુભાવ અજોડ હતા. ઈસવી સન ૧૯૪૬માં તેઓ રાજવી તરીકે સત્તારૂઢ થયા અને પછી છેક ઈસવી સન ૨૦૦૭ એટલે કે તેમના નિધન વખતે પણ તેઓ સંસદસભ્ય હતા. કુલ અલગ-અલગ સમયે તેઓ આઠ વખત લોકસભાના સંસદસભ્ય રહ્યા હતા.
એક સમયે એટલે કે ૨૦મી સદીની શરૂઆત સુધી તેહરી ગઢવાલના તત્કાલીન રાજવીઓ ઉનાળા દરમ્યાન તેમની રાજધાની તેહરીથી નરેન્દ્રનગર જે ‘ઓડાથાલી’ તરીકે પણ પ્રખ્યાત હતું ત્યાં ખસેડી લેતા હતા. આ માનવેન્દ્ર શાહસાહેબના પિતાશ્રી મહારાજા નરેન્દ્ર શાહસાહેબે તેહરીથી રાજધાની ફેરવીને અહીં કાયમી રાજધાની સ્થાપી દીધી. ઓડાથાલી હવે નરેન્દ્રનગર તરીકે ઓળખાવા લાગ્યું. રાજવી નરેન્દ્ર શાહની રાજધાની નરેન્દ્રનગર. આ રાજધાની એટલી બધી પ્રખ્યાત થઈ કે વાઇસરૉયસાહેબે પણ અહીં આવવાનું નક્કી કર્યું અને તેમને આવકારવા કહો કે સત્કારવા રાજમહેલને લાગીને જ એક નવો મહેલ બાંધી નાખ્યો, જે અત્યારે વાઇસ રીગલ પૅલેસ તરીકે ઓળખાય છે.
જ્યારે અશોક ખન્નાસાહેબે અહીંની મુલાકાત લેવાનું નક્કી કર્યું ત્યારે એટલે કે ૨૦મી સદીના અંતમાં ઈસવી સન ૧૯૯૦ની આજુબાજુ, ત્યારે આ માનવેન્દ્ર શાહસાહેબની એટલે કે રાજવી પરિવારની જ મિલકત હતી. અશોક ખન્ના અને તેમનાં ધર્મપત્ની નીલમબહેન પરંપરાગત ભારતીય ચિકિત્સાનાં પ્રખર અભ્યાસુ અને હિમાયતી હતાં એટલે તેમના મગજમાં કાંઈક અનોખો વિચાર આકાર લઈ રહ્યો હતો. તેમને આયુર્વેદ, યોગ અને માલિશના સદીઓ જૂના ભારતીય અમૂલ્ય વારસાને ફરી ધમાકેદાર રીતે પ્રસ્થાપિત કરવો હતો. એક એવું સરનામું જે આખા વિશ્વમાં ભારતીય પરંપરાગત ચિકિત્સાનો પર્યાય બની રહે અને અનેરાં કીર્તિમાન સ્થાપિત કરે. આ સપનું સાકાર થવાનું જ હશે એટલે ઘણાં વર્ષોની રઝળપાટ પછી જ્યારે અશોકજીએ આ મહેલ અને એનો પરિસર જોયો ત્યારે તેઓ ભાનસાન ભૂલી ગયા. ૧૦૦ એકરનો વિશાળ વિસ્તાર, ભવ્ય મહેલાતો, એક બાજુ હિમાલયની પર્વતમાળા, એક બાજુ હૃષીકેશ અને ખળખળ વહેતી લોકમાતા ગંગા. ખન્નાજી માટે આ એક સાક્ષાત્કારની ક્ષણ હશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
ચાર વર્ષ સુધી તેમણે મહારાજાને સમજાવ્યા, મનાવ્યા, પટાવ્યા અને આખરે તેમના આ પવિત્ર નિર્ધારની જીત થઈ. મહારાજાસાહેબ માની ગયા, પરંતુ હજી આ તો ફક્ત શરૂઆત હતી. ૧૦૦ એકરનો વિસ્તાર એટલે ખ્યાલ આવે છે? ખાલી નિર્ધારથી ન ચાલે. ખિસ્સામાં ઊંડાણ અને તાકાત પણ એટલી જ જરૂરી છે. એક પછી એક બધા જોડાતા ગયા. આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નામ ઉમેરાતાં ગયાં. ખન્ના યુગલનું સપનું આકાર થવા લાગ્યું, સાકાર થતું ગયું અને ઈસવી સન ૨૦૦૦માં ભારતનું પ્રથમ સ્પા રિસૉર્ટ અસ્તિત્વમાં આવ્યું. આ રિસૉર્ટના નામનો ઇતિહાસ પણ ખાસ્સો રસપ્રદ છે. તેહરી ગઢવાલનો રાજવી પરિવાર મહાન આત્મા આનંદમયી માતાને જ સર્વસ્વ માનતો હતો. હૃષીકેશમાં રહેતાં મા આનંદમયી અવારનવાર રાજવી પરિવારને તેમના સત્સંગનો લાભ આપતાં. મહેલની મુલાકાત લેતાં રહેતાં. ૨૦મી સદીની શરૂઆતમાં એટલે કે મહારાજા નરેન્દ્ર શાહસાહેબના શાસનકાળમાં રાજધાની નરેન્દ્રનગર ખાતે ખસેડાઈ અને રાજવી પરિવારે અહીં મહેલમાં રહેવાનું શરૂ કર્યું ત્યારે જ રાજ પરિવારે માસાહેબને અહીં મહેલમાં જ રહેવાનો આગ્રહ કર્યો હતો.
હૃષીકેશ તો ફક્ત ૧૫ કિલોમીટરના અંતરે જ હોવાથી તેમણે માને મનાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ મા ન જ માન્યાં. અંતે હારીને રાજવી પરિવારે મા માટે એક અલાયદો ખંડ મહેલની અગાસીમાં જે અત્યારે વાઇસ રીગલ ટેરેસ તરીકે ઓળખાય છે એમાં ફાળવ્યો, જે પૂજ્ય માના હંગામી રહેઠાણ તરીકે વપરાય. એટલે જ માની કૃપા સતત વરસતી રહે, સૂક્ષ્મ રીતે આશીર્વાદ મળતા રહે એ માટે ખન્ના દંપતીએ નામ રાખ્યું આનંદા અને ખરેખર નામ ફળ્યું. સાત્ત્વિક વિચારો ક્યારેય નિષ્ફળ જતા નથી એનો એક વધુ પુરાવો. આનંદા પ્રખ્યાત થતું ચાલ્યું. ભૌગોલિક સ્થાનનો પણ મહત્તમ ફાયદો મળ્યો. દેહરાદૂન ઍરપોર્ટ ફક્ત ૨૫ કિલોમીટર, આપણા મહાન દેશ ભારતનાં આધ્યાત્મિક વારસાનાં છડીદારો હૃષીકેશ ફક્ત ૧૬ કિલોમીટર અને હરિદ્વાર ફક્ત ૪૬ કિલોમીટરના અંતરે આવલાં હોવાથી આનંદા લોકપ્રિય થઈ ચાલ્યું. જગતના શ્રેષ્ઠતમ સ્પા રિસૉર્ટ તરીકે અનેક વર્ષો સુધી આનંદા ટોચ પર રહ્યું છે. આ બધામાં પર્વતાધિરાજ હિમાલય, લોકમાતા ગંગા અને સમગ્ર પ્રદેશનાં આધ્યાત્મિક સ્પંદનોએ પણ પૂરેપૂરો ભાગ ભજવ્યો એમ કહી શકાય.
આનંદા વિશે ઘણી વખત ઘણું વાંચ્યું હતું, મુલાકાત લેવાની ઇચ્છા પણ હતી અને આખરે ઈસવી સન ૨૦૧૬માં એ મોકો મળી ગયો. મસૂરી, હરિદ્વારના પ્રવાસની તૈયારી શરૂ કરી અને અનાયાસ કહો કે માની કૃપાથી આનંદાનો મેળ પણ બેસી ગયો. પાંચ દિવસ અહીં વિતાવીને પછી મસૂરી લગભગ ૬ દિવસ રોકાઈશું એમ નક્કી કર્યું. એક આદત મુજબ જેમ-જેમ વાંચતો ગયો એમ જિજ્ઞાસા વધતી ગઈ, કુતૂહલ વધતું ગયું. અત્યાર સુધી મગજમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું, કક્ષાનું કોઈ રિસૉર્ટ હશે એમ માનતો હતો, પરંતુ ઉપર લખેલો ઇતિહાસ વાંચ્યો. ઇન્ટરનેટ પર ફોટો જોયા અને ઇતિહાસનો જીવ અહીં જવા તલપાપડ થઈ ગયો. ભલે ફરવાનો, રખડવાનો કાર્યક્રમ હતો, પરંતુ આ આધ્યાત્મિક રખડપટ્ટીનો રોમાંચ અમને ઘેરી વળ્યો. પહેરવા પર પાબંદી, ખાવા-પીવા પર પાબંદી હતી, પરંતુ આ કોઈ બંધન નહોતાં. શિસ્ત હતી જે તમારા શરીરના, મનના શુદ્ધીકરણ માટે બેહદ જરૂરી હોય છે. દૈનિક કાર્યક્રમમાં ભાગ લેવું ફરજિયાત હતું, પરંતુ થોડા દિવસ આટલા સરસ આયોજકોની મરજી પ્રમાણે ન રહેવાય? એક અલગ અનુભવ માટે તૈયાર થઈ ગયા.
દેહરાદૂન ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે વાતાવરણ ખાસ્સું આહલાદક હતું. થોડી ભીનાશ પણ લાગી. દેહરાદૂનની ઊંચાઈ લગભગ ૧૮૦૦ ફુટ તો છે જ, અમારે વધુ ૧૨૦૦ ફુટ ઉપર જવાનું હતું. નરેન્દ્રનગર એટલે કે આનંદા લગભગ ૩૧૦૦ ફુટની ઊંચાઈએ આવેલું છે. હિમાલયની ગોદમાં, ગંગામાની સોડમાં લપાયેલું આ નગર જોવાની, માણવાની ઉત્કંઠા જોર પકડી રહી હતી. અમે ગાડીમાં ગોઠવાયા અને ગાડી પહોંચી ત્યારે ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ખૂબ સુંદર ભવ્ય પ્રવેશદ્વાર વટાવ્યું અને નજર સામે રાજમહેલ. આબોહવામાં આવલા બદલાવને કારણે નીચે ઊતરી આવેલાં વાદળોમાં તરી રહેલી કોઈક અજાયબી જોઈ લો. મહેલને બહારથી ઝીણવટપૂર્વક નિહાળ્યો. ફલકનુમા પૅલેસની પ્રતિકૃતિ જોઈ લો જાણે. થોડી સાંકડી પ્રતિકૃતિ, પરંતુ મૂળભૂત ડિઝાઇન લગભગ ઘણે અંશે એકબીજાને મળતી આવે ખરી, પણ અહીં ઊતરવાનું નહોતું. પૅલેસની બરોબર સામે આવેલા ફુવારાને ગોળ ફરીને, બારીમાંથી જ જોતાં-જોતાં મહેલને વટાવી ગયા. પચાસેક મીટરનો સીધો રસ્તો વટાવીને પહોંચ્યા વાઇસરૉય માટે ખાસ યુદ્ધના ધોરણે તૈયાર કરેલા વાઇસ રીગલ પૅલેસના આંગણે એના પ્રવેશદ્વાર પર. અહીં ઊતરવાનું હતું. વાંસળીના ફેલાતા સૂર વાતાવરણની આધ્યાત્મિકતામાં વધારો કરી રહ્યા હતા. સાત્ત્વિકતા ચારે તરફ છવાયેલી હતી. વિચારોની, હલનચલનની ગતિ આપોઆપ મંદ થઈ ગઈ. એક સંવાદિતા રચાઈ રહી હતી, એકરૂપતા અનુભવાઈ રહી હતી. બધું જ એક તાલમાં, એકદમ જ લયબદ્ધ. પવિત્ર દીવાની આરતીથી અપાઈ રહેલો આવકાર, લલાટે તિલક અને લાંબી રુદ્રાક્ષની લાલ ફુમતાવાળી માળા... બધું જ પવિત્ર, જડબેસલાક. આવિર્ભાવ ન જન્મે તો જ નવાઈ. અભિભૂત ન થઈએ તો નવાઈ. સાત્ત્વિકતા ન સ્પંદી શકો તો નવાઈ. શાલીન, સરળ, સહજ વાતાવરણ અને મહોરી ઊઠેલા તમે. પરમ શાંતિ, પરમ આનંદ. અખંડ આનંદ. તેમનું ખાસ તૈયાર કરેલું પીણું પીતાં-પીતાં, કેટકેટલા વિચાર ઊમટી પડ્યા હતા.
પ્રવેશ્યાને કદાચ ૧૦ મિનિટ માંડ થઈ હશે એટલામાં તો બહારની દુનિયાથી જાણે છૂટા પડી ગયા, અલિપ્ત થઈ ગયા. વાતાવરણ અને પરિસરની સાત્ત્વિકતા આમ જુઓ તો કુદરતી પરિબળોને જ આભારી. હિમાલય, લીલાંછમ વૃક્ષો, ઝરમર વરસાદ, ટપકી રહેલા વરસાદનો અલૌકિક નિનાદ, મંદ-મંદ રેલાઈ રહેલો પવન. આ પરિબળો ૮૦ ટકા કામ તો પહેલાં જ પતાવી લે છે. બાકીના ૨૦ ટકા સંગીત, દીવો અને બીજાં માનવીય પરિબળોને આભારી છે. ટૂંકમાં કહેવાનું કે મા પ્રકૃતિના સંગમાં પણ આવા જ, કદાચ આનાથી વિશેષ અનુભવો માણી શકાય. એને માટે આનંદા જેવા ફાઇવસ્ટાર રિસૉર્ટની કોઈ ખાસ જરૂર નથી. મહત્ત્વનું એ છે કે તમે નીકળો. બહાર નીકળો. મા પ્રકૃતિની શરણમાં, કુદરતને ખોળે, પરમને ચરણે. ચાલો આગળ વધીએ. અહીં આનંદાની લૉબીમાં કંઈક અલગ જ માહોલ હતો. કેટલા માણસો હાજર હતા, પરંતુ હાજરી નહીંવત્. બધા જ શાંતિથી લયબદ્ધ રીતે કામ કરી રહ્યા હતા. બધી જરૂરી વિધિ પતાવીને વધુ એક પીણું પીધું અને રૂમ તરફ સિધાવ્યા. ગાડી અહીં છોડી દેવાની. આખા પરિસરમાં ઇલેક્ટ્રિક ગાડીમાં જ ફરવાનું. ૧૦૦ એકર્સ! વાહ ભારતમાં જવલ્લે જ કોઈ હેરિટેજ પ્રૉપર્ટી આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી જોવા મળે.
અમે ઇલેક્ટ્રિક બગીમાં ગોઠવાયા અને... આ રિસૉર્ટની રચના વિશે શું લખું? સૌથી ઉત્તમ પાસું એ છે કે મહેમાનો માટેનાં રહેઠાણો છેક બીજા છેડે આવેલાં છે. ૧૦૦ એકર્સ તો આમ જ અહીંથી ત્યાં પહોંચતા સુધી જોઈ લેવાય. મહેમાનોને આખા પરિસરનો અંદાજ આવે અને એક છેડેથી બીજે છેડે પહોંચતા સુધી પૂર્ણ આનંદ, લહાવો લૂંટી શકાય એટલા માટે જ કદાચ આવી રીતે આ ગૂંથણી કરી હશે. ચારે બાજુ ડાફોળિયા મારતાં-મારતાં, કુદરતી સૌંદર્યને નિહાળતાં-નિહાળતાં, પચાવતાં અમે સામા છેડે પહોંચ્યા. વરસાદ બંધ થઈ ગયો હતો, પણ વાતાવરણમાં એક અનેરી તાજગી હતી, આહલાદકતા હતી.
અમે જાણીબૂજીને ભોંયતળિયે આવેલી ગાર્ડન સ્વીટ રૂમ લીધી હતી અને એ પણ એકદમ છેવાડાની, જેથી કોઈ ખલેલ ન પહોંચે અને કુદરતના સાંનિધ્યમાં વધુ રહી શકાય. રૂમમાં પ્રવેશતાવેંત જ સૂચનાપત્ર પર નજર પડી. વાંચવા લીધું અને પહેલી જ સૂચના, તમારાં આણેલાં, પહેરેલાં કપડાંનો ત્યાગ કરીને અહીંના કબાટમાં ટિંગાડેલા ઝભ્ભા-પાયજામો પહેરી લેવા. આ જ આગલા પાંચ દિવસ સુધી તમારું પરિધાન રહેશે, પહેરવેશ. રોજની દિનચર્યા પણ લખેલી હતી. બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. સમયસર પહોંચી જવું વગેરે વગેરે. આખો દિવસ પ્રવૃત્ત. બચી રહેલા સમયમાં તમારે જે કરવું હોય એ કરો અને જોતજોતામાં આ સમયપત્રકની બાજુમાં મારું પોતાનું સમયપત્રક પણ બની ગયું. ગોઠવી નાખ્યું. અહીં ચોક્કસપણે નિરાંત રહેવાની હતી. ૨૪ કલાક પૂરેપૂરા મળવાના હતા. માણી લો તમતમારે સંપૂર્ણપણે. બૅગ ખોલ્યા વગર જ બાજુમાં મૂકી દીધી. નાહી લીધું અને અલમારી ખોલીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં. આગલા પાંચ દિવસની તૈયારી, પોતાના અસ્તિત્વને ખોળવાની કવાયત, પોતાની જાત સાથે ગોઠડી માંડવાના દિવસો, સહચર સાથેના સંવાદની અમૂલ્ય ક્ષણો, અંત:યાત્રાની શરૂઆત; જે પણ હશે, જે પણ હોય, પણ એક વસ્તુ નક્કી હતી કે આ પાંચ દિવસ અતિમહત્ત્વના હતા. એક પણ ક્ષણ વેડફવી નહોતી. આ સમય રચનાત્મક, સકારાત્મક બની રહે એવી પૂરેપૂરી કોશિશ કરી લેવી હતી. આ બધું વિચારતાં-વિચારતાં કૅમેરાબૅગ ખોલી. કૅમેરા કાઢ્યો. પંપાળ્યો. બીનાએ પડદા હટાવીને પાછળનો દરવાજો ખોલ્યો. અમે તાજી ધસી આવેલી હવાને એક ઊંડો શ્વાસ લઈને ફેફસાંમાં ભરી લીધી. બધું જ હળવું ભાસી રહ્યું હતું.
અમે હળવેકથી પાછળના ગાર્ડનમાં પ્રવેશ્યા. ત્યાં ગોઠવાયેલી ખુરસીઓ પર ગોઠવાયા અને સામે દેખાઈ રહેલા જંગલને, લીલોતરીને આંખોમાં આંજવા નજર ચોમેર ફેરવી. ત્યાં તો સામે દેખાઈ રહેલી આઠ આંખોએ અમારું હૃદય હરી લીધું. કોણ કોને આવકારી રહ્યું હતું? બેશક, એ તગતગી રહેલી આંખો જ અમને આવકારી રહી હતી. આનંદામાં તમારું સ્વાગત છે. ભલે પધાર્યા. હરણાંઓ કૂદ્યાં અને એક ક્ષણમાં જ પાછળની ઝાડીઓમાં અલોપ થઈ ગયાં. કેવો મીઠો આવકાર! કૅમેરા યાદ જ ન આવ્યો. એક વાત નક્કી. હરણાંઓ માટે આ અજાણ્યું નહોતું. એમની દિનચર્યાનો એક ભાગ અહીંની મુલાકાતનો પણ હશે એ સમજાયું. ત્યાં જ વળી પાછળના ઝાડ પર સળવળાટ સંભળાયો અને વાનરોની એક નાની ટોળકી દેખાઈ, અચ્છા! અમે એ લોકોની દુનિયામાં પ્રવેશી ગયા હતા. સાલનાં જંગલો ચોમેર ફેલાયેલાં હતાં. મકાનના ઉપરના માળેથી નઝારો ભવ્ય જ હશે, પરંતુ અહીં ભોંયતળિયે? અમે જ નઝારો હતા. અમે જ કુદરત હતા, કુદરતી સાંકળની એક કડી. પ્રવેશ્યાના બે કલાકમાં જ અમને મા પ્રકૃતિએ ખોળે લઈ લીધા હતા. ખુરસીઓ ભુલાઈ ગઈ. ઘાસમાં જ બેસી પડ્યા. બેસી રહ્યા. કેટકેટલાં પક્ષીઓના અવાજ સંભળાઈ રહ્યા હતા. પવનનો સરસરાટ કર્ણપટલ પર અથડાઈ રહ્યો હતો. આંખો બંધ કરીને અમે બેઠા રહ્યા, પરમના સાંનિધ્યમાં મા પ્રકૃતિને ખોળે. આંખો બંધ હતી, પરંતુ ચક્ષુ ખૂલી
રહ્યાં હતાં. આજ તો ધ્યાન હતું, સાધના હતી, પરમનું ગીત હતું, કુદરતનું સંગીત હતું. ચોમેર, રોમેરોમ.... એક જ ગુંજારવ. એક જ ઉદ્ઘોષ... શ્રી કુદરત શરણમ્ મમ.
આનંદા અને પૅલેસની અનોખી વાતો લઈને મળીશું આવતા અઠવાડિયે.


