ICICI બૅન્કે તોતિંગ મિનિમમ બૅલૅન્સ રાખવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો : HDFCએ પણ વધારો કર્યો, હવે ૨૫,૦૦૦ રૂપિયા મિનિમમ બૅલૅન્સ રાખવું પડશે
પ્રતીકાત્મક તસવીર
ભારે વિવાદ પછી ICICI બૅન્કે ગઈ કાલે મેટ્રો શહેરોમાં સેવિંગ્સ અકાઉન્ટ્સ માટે ૫૦,૦૦૦ રૂપિયાના મિનિમમ બૅલૅન્સના નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. નવા નિયમ મુજબ હવે ૧૫,૦૦૦ રૂપિયાનું જ મિનિમમ બૅલૅન્સ રાખવું પડશે, જ્યારે સેમી-અર્બન લોકેશનમાં મિનિમમ બૅલૅન્સની રકમ ૭૫૦૦ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં ૨૫૦૦ રૂપિયા રહેશે એવી ICICI બૅન્કે ગઈ કાલે જાહેરાત કરી હતી.
જોકે મિનિમમ બૅલૅન્સની ભારે ચર્ચા વચ્ચે ગઈ કાલે HDFC બૅન્કે પણ એનાં નવાં સેવિંગ્સ અકાઉન્ટ્સ માટે મિનિમમ બૅલૅન્સની જરૂરિયાતમાં મોટો વધારો જાહેર કર્યો હતો. આ નવો નિયમ પહેલી ઑગસ્ટથી અમલમાં આવ્યો છે. હવે HDFCમાં નવાં સેવિંગ્સ અકાઉન્ટ્સ ખોલવા પર માસિક મિનિમમ બૅલૅન્સ ૨૫,૦૦૦ રૂપિયા રાખવાની જરૂર પડશે. પહેલાં HDFC બૅન્કના સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ બૅલૅન્સ ૧૦,૦૦૦ રૂપિયા હતું. જોકે આ નવો નિયમ માત્ર નવાં સેવિંગ્સ અકાઉન્ટ્સ પર લાગુ પડશે. જૂનાં સેવિંગ્સ અકાઉન્ટ્સને એની અસર નહીં પડે.


