૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાં ધાર્મિક અત્યાચારોને લીધે ભારતમાં આવેલા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકોને પાસપોર્ટ વગર પણ દેશમાં રહેવાની પરવાનગી આપી કેન્દ્રીય ગૃહમંત્રાલયે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યું છે કે ૨૦૨૪ની ૩૧ ડિસેમ્બર સુધીમાં પાડોશી દેશો અફઘાનિસ્તાન, બંગલાદેશ અને પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને તેમના દેશોમાં ધાર્મિક આધાર પર અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા લઘુમતી સમુદાયના સભ્યોને પાસપોર્ટ કે અન્ય દસ્તાવેજો વિના ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ આદેશથી ત્રણ ઇસ્લામિક દેશોના મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકોને રાહત મળશે, જેમાં પાકિસ્તાનના હિન્દુઓનો પણ સમાવેશ થાય છે જેઓ ૨૦૧૪ પછી ભારત આવ્યા હતા અને તેમના ભાવિ વિશે ચિંતિત હતા.
ગયા વર્ષે અમલમાં આવેલા દેશના સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ (CAA) અનુસાર ૨૦૧૪ની ૩૧ ડિસેમ્બર સુધી ભારત આવેલા આ ત્રણ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવે છે, પણ હવે ગૃહમંત્રાલયના નવા નિર્ણય સાથે ૧૦ વર્ષ પછી આવેલા આ દેશોના લઘુમતીઓને પણ હાલમાં ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગૃહમંત્રાલયના આદેશ મુજબ અફઘાનિસ્તાન, બંગલાદેશ અને પાકિસ્તાનના કોઈ પણ લઘુમતી સમુદાય (હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)ની વ્યક્તિને ધાર્મિક ઉત્પીડન અથવા ધાર્મિક ઉત્પીડનના ભયને કારણે ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને ૨૦૨૪ની ૩૧ ડિસેમ્બર સુધીમાં પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો જેવા માન્ય દસ્તાવેજો વિના અથવા પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો સહિત માન્ય દસ્તાવેજો ધરાવતા હોય અને આવા દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય તેમને માન્ય પાસપોર્ટ અને વીઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.
કયા દેશના નાગરિકોને છૂટ?
નેપાલ અને ભુતાનના નાગરિકો તેમ જ આ બે પાડોશી દેશોમાંથી જમીન કે હવાઈમાર્ગે ભારતમાં પ્રવેશતા ભારતીય નાગરિકોને પહેલાંની જેમ પાસપોર્ટ અથવા વીઝા રજૂ કરવાની જરૂર રહેશે નહીં. આ જોગવાઈ એવા તિબેટી લોકોને પણ લાગુ પડશે જેઓ પહેલેથી જ ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને દેશમાં રહે છે. આ નિયમ ૨૦૧૫ની ૯ જાન્યુઆરી સુધી ભારતમાં આશ્રય લીધેલા નોંધાયેલા શ્રીલંકાના તામિલ નાગરિકોને લાગુ પડશે નહીં.


