સીએએના મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે ફોડ પાડ્યો...
અમિત શાહ
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ)ના અમલની આસપાસના વિવાદ બાબતે ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે ફોડ પાડીને વાત કરી હતી. સીએએ હેઠળ હિન્દુ, જૈન, પારસી, સિખ, બૌદ્ધ અને ક્રિશ્ચિયનો શા માટે પાત્ર છે અને મુસ્લિમો શા માટે અપાત્ર છે એ બાબતે તેમણે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંથી ૨૦૧૪ની ૩૧ ડિસેમ્બર પૂર્વે ભારતમાં આવેલા લઘુમતી કોમના પીડિત લોકોને નાગરિકતા આપવાનો સીએએનો ઉદ્દેશ છે.
ભાગલાના સમયે પાકિસ્તાનમાં ૨૩ ટકા હિન્દુઓ હતા અને આજે આ પ્રમાણ ઘટીને ૩.૨ ટકા થયું છે. તેઓ ક્યાં જાય? બંગલાદેશમાં ૧૯૫૧ની વસ્તીમાં બાવીસ ટકા હિન્દુઓ હતા જે ૨૦૧૧માં ઘટીને માત્ર ૧૦ ટકા હતા. તેઓ ક્યાં જાય? અફઘાનિસ્તાનમાં ૧૯૯૨માં બે લાખ સિખો હતા, હવે માત્ર ૫૦૦ બચ્યા છે. તેમની ધાર્મિક માન્યતા અનુસાર તેમને જીવવાનો અધિકાર નથી?’
એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘ભારતમાં નહીં જન્મેલા પારસીઓ અને િક્રશ્ચિયનોને પણ નાગરિકતા માટે આ કાયદો મંજૂરી આપે છે, પરંતુ મુસ્લિમોને મંજૂરી આપતો નથી. એ વિસ્તાર આજે ભારતનો હિસ્સો નથી, કેમ કે ત્યાં મુસ્લિમ વસ્તી છે. એ વિસ્તાર તેમને આપવામાં આવ્યો હતો. મારું માનવું છે કે એવા લોકોને આશ્રય આપવાની આપણી નૈતિક અને બંધારણીય જવાબદારી છે જેઓ અખંડ ભારતનો હિસ્સો હતા અને ધર્મને કારણે તેમણે સહન કરવું પડ્યું હતું. અખંડ ભારત આજે અફઘાનિસ્તાન, બંગલાદેશ, ભુતાન, ભારત, મૉલદીવ્ઝ, નેપાલ, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા અને તિબેટ સુધી વિસ્તરેલું છે.’
ADVERTISEMENT
અમિત શાહની સ્પષ્ટ વાત, સીએએ ક્યારેય પાછો નહીં ખેંચાશે
વિરોધ પક્ષની સિટિઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ (સીએએ) પાછો ખેંચવાની ધમકીઓ વચ્ચે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે ‘સીએએને ક્યારેય પાછો નહીં ખેંચાશે અને બીજેપીના નેતૃત્વ હેઠળની સરકાર આ બાબતે ક્યારેય બાંધછોડ નહીં કરશે.’ વિરોધ પક્ષ પાસે બીજું કોઈ કામ નથી એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘તેમનો ઇતિહાસ એ છે કે તેઓ કહે છે કંઈ અને કરે છે કંઈ. જોકે વડા પ્રધાન મોદી જે કંઈ કહે એ પથ્થરની લકીર છે. મોદીએ આપેલી દરેક ગૅરન્ટીને પૂર્ણ કરવામાં આવી છે.’


