હેલિકૉપ્ટરનો પાછળનો પાંખિયો કાર સાથે ટકરાતાં કાર ડૅમેજ થઈ હતી
આ ઘટના લગભગ એક વાગ્યે બની હતી
ગઈ કાલે ઉત્તરાખંડમાં કેદારનાથના યાત્રીઓને લઈને જતા હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ગૌરીકુંડ હાઇવે પર જ ઇમર્જન્સીમાં લૅન્ડ કરાવવું પડ્યું હતું. એ વખતે રોડ પર એક કારને નુકસાન થયું હતું અને દુકાનનો એક ભાગ તૂટી ગયો હતો. હેલિકૉપ્ટરમાં સવાર પાંચ યાત્રીઓ સુરક્ષિત છે, પરંતુ પાઇલટને થોડીક ઈજા થઈ હતી.
આ ઘટના લગભગ એક વાગ્યે બની હતી. બડાસુ હેલિપૅડથી કેદારનાથ માટે હેલિકૉપ્ટર ઊડ્યું હતું, પરંતુ થોડી જ વારમાં એમાં ખામી જણાતાં પાઇલટ રવીન્દ્ર સિંહે ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યું હતું. એ વખતે હેલિકૉપ્ટરનો પાછળનો પાંખિયો કાર સાથે ટકરાતાં કાર ડૅમેજ થઈ હતી. નજીકમાં જ લક્ષ્મી નામની મહિલાની એક દુકાન હતી એ પણ હેલિકૉપ્ટરના પાંખિયાને કારણે ડૅમેજ થઈ હતી. જોકે લક્ષ્મીએ દુકાનની પરવા કર્યા વિના તરત જ હેલિકૉપ્ટરમાં ફસાયેલા મુસાફરો અને પાઇલટને બહાર કાઢ્યા હતા. એ વખતે હજી હેલિકૉપ્ટરનું એન્જિન ચાલુ હતું અને પાંખડીઓ ફરી રહી હતી.

