રામલલાને બનારસી સિલ્ક અને સોનાના ધાગાથી બનાવવામાં આવેલાં વસ્ત્રો અને કાંજીવરમની પીતાંબરી પહેરાવવામાં આવશે
રામલલ્લા
અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાનો વસંતપંચમી નિમિત્તે ભવ્ય અને દિવ્ય શૃંગાર કરવામાં આવશે. રામલલાને વિશેષ રૂપથી બનારસી સિલ્ક, આસામથી લાવવામાં આવેલા સોનાના ધાગામાંથી બનેલાં વસ્ત્રો અને કાંજીવરમની પીતાંબરી પહેરાવવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિર સિવાય સિદ્ધ પીઠ હનુમાનગઢી મંદિર સહિત અયોધ્યાનાં આશરે ૫૦૦૦ મંદિરોમાં આજથી વસંતપંચમીના રંગોત્સવની શરૂઆત થશે જે હોળી સુધી ચાલશે. ગયા વર્ષે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ આ વર્ષે બીજી વાર બાળક રામ પોતાના ભવ્ય-દિવ્ય મંદિરમાં હોળી રમશે. વસંત ઋતુ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે મંદિરના ગર્ભગૃહને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વસંતપંચમીએ અયોધ્યાના મંદિરોમાં ભગવાન અને ભક્તો વચ્ચે અબીલ-ગુલાલથી હોળી રમવામાં આવે છે. ૪૦ દિવસ સુધી મઠ-મંદિરોમાં આરતીપૂજન બાદ ભગવાનને અબીલ અને ગુલાલ લગાવવામાં આવે છે. હોળી સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે.
રંગોત્સવની પરંપરા હનુમાનગઢી મંદિરમાં પણ જોવા મળે છે. રામ મંદિરમાં સવારની શૃંગાર આરતી બાદ અબીલ-ગુલાલ અર્પણ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં હોળીનો તહેવાર વસંતપંચમીથી શરૂ થાય છે અને વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે એટલે શુભ કામની શરૂઆત વસંતપંચમીથી થાય છે. ભગવાન રામલલાને છ પ્રકારના પ્રસાદનો ભોગ લગાવવામાં આવશે. ત્યાર બાદ એ ભક્તોમાં વિતરિત કરવામાં આવશે.


