વિવિધ દેશોના ૬૦ જેટલા પ્રતિનિધિઓને વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં લઈ જવાયા : તેઓ જ્યાં રોકાયા છે એ વિસ્તારને ત્રણ દિવસ માટે ‘નો ગો ઝોન’ બનાવાયો

ઍક્ટર રામચરણ સાથે ‘નાટુ નાટુ’ સૉન્ગ પર ડાન્સ કરતા કોરિયાના ભારત ખાતેના રાજદૂત ચેન્ગ જે-લોક.
G20 દેશોના ત્રીજા ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગ માટે લગભગ ૬૦ જેટલા ડેલિગેટ્સ ગઈ કાલે શ્રીનગર પહોંચ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઑગસ્ટ ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરી અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજિત કર્યા બાદ અહીં યોજાનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મીટિંગ છે. અધિકારીઓએ કહ્યું હતું કે G20 ગ્રુપના અનેક દેશોના પ્રતિનિધિઓ ગઈ કાલે સવારે ભારે સુરક્ષા હેઠળ તેમની ચાર્ટર્ડ ફ્લાઇટમાં શ્રીનગર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચ્યા હતા અને તેમને મીટિંગના સ્થળ શેર-એ-કાશ્મીર ઇન્ટરનૅશનલ કન્વેન્શન સેન્ટર (એસકેઆઇસીસી) લઈ જવાયા હતા.
ઍરપોર્ટથી એસકેઆઇસીસીના માર્ગની દીવાલો પર G20નો લોગો ચિત્રિત કરાયો છે અને ડેલિગેટ્સના સ્વાગત માટે હોર્ડિંગ્સ મુકાયાં છે. આ ઇવેન્ટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કડક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડેલિગેટ્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવનારા માર્ગ પર અને ઍરપોર્ટ રોડથી દલ ગેટ સુધીના પટ્ટા પર ભારે સુરક્ષા તહેનાત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ માટે એસકેઆઇસીસી ફરતે આવેલા મુખ્ય માર્ગને ‘નો ગો ઝોન’ બનાવાયો છે.
ADVERTISEMENT
બીજી તરફ જમ્મુ શહેરમાં આવતાં-જતાં તમામ વાહનોનું તથા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બસડેપો પર લોકોનાં આઇડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવી રહ્યાં છે. પૂંચ, કથુઆ, રાજોરી અને સાંબા જિલ્લામાં પણ ઘૂસણખોરીની ઘટનાઓને જોતાં વિશેષ ધ્યાન રાખવામં આવી રહ્યું છે. અગાઉ સુરક્ષા દળોને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના કહેવાથી G20 દરમ્યાન મુંબઈના ૨૬/૧૧ જેવો આતંકવાદી હુમલા કરવાનું કાવતરું રચ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.
G20 મીટિંગમાં ભાગ લેવા શ્રીનગર આવેલા વિદેશી પ્રતિનિધિઓ.
અમે બહુ જલદી ભારત માટે નૅશનલ ટૂરિઝમ પૉલિસીની ઘોષણા કરીશું અને ગ્લોબલ ટૂરિઝમ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું પણ આયોજન કરી રહ્યા છીએ. - જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન
રામચરણનું આકર્ષણ
બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ માટેનો ઑસ્કર અવૉર્ડ જીતનારી ‘RRR’ ફિલ્મનું નાટુ-નાટુ સૉન્ગ જેમના પર ફિલ્માવાયું હતું એ ઍક્ટર રામચરણ પણ ગઈ કાલે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા, જેમાં ફિલ્મ ટૂરિઝમ ફૉર ઇકૉનૉમિક ગ્રોથ ઍન્ડ કલ્ચરલ પ્રિઝર્વેશન પર આયોજિત ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

