પાંડિયને રાજકારણમાં જોડાવા માટે ગયા વર્ષે સનદી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું
વી. કે. પાંડિયન
ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકના નિકટવર્તી સાથીદાર અને ભૂતપૂર્વ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર (IAS) વી. કે. પાંડિયને સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો છે. હાલમાં જ ઓડિશામાં વિધાનસભાની થયેલી ચૂંટણીમાં પચીસ વર્ષથી સત્તામાં રહેલી બીજુ જનતા દળ (BJD) પાર્ટીનો કારમો પરાજય થયો હતો અને આ પરાજયની જવાબદારી સ્વીકારીને તેમણે આ નિર્ણય લીધો છે. નવીન પટનાયકે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમને નવીન પટનાયકના રાજકીય વારસા માનવામાં આવતા હતા.
પાંડિયને રાજકારણમાં જોડાવા માટે ગયા વર્ષે સનદી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ગયા નવેમ્બર મહિનામાં BJDમાં જોડાયા હતા. એક વિડિયો મેસેજ દ્વારા તેમણે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘રાજકારણમાં આવવાનો ઉદ્દેશ માત્ર પટનાયકની સહાયતા કરવાનો હતો, પણ હવે હું સક્રિય રાજનીતિ છોડી રહ્યો છું. મારી રાજકીય યાત્રા દરમ્યાન મેં કોઈને ઠેસ પહોંચાડી હોય તો એનો મને ખેદ છે. મારા વિરુદ્ધમાં ચાલેલા અભિયાનના કારણે BJDને પરાજયનો સામનો કરવો પડ્યો છે. હું પાર્ટીના કાર્યકરો સહિત BJD પરિવારની માફી માગું છું.’