Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્‍મવિભૂષણ; ઉદય કોટક અને અલકા યાજ્ઞિકને પદ્‍મભૂષણ

ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્‍મવિભૂષણ; ઉદય કોટક અને અલકા યાજ્ઞિકને પદ્‍મભૂષણ

Published : 26 January, 2026 07:12 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ પદ્‍મવિભૂષણ, ૧૩ પદ્‍મભૂષણ અને ૧૧૩ પદ્‍મશ્રીની જાહેરાત

મહાનુભાવો

મહાનુભાવો


વિજય અમૃતરાજ અને મમૂટીને પણ પદ્‍મભૂષણ: દિવંગત સતીશ શાહ, આર. માધવન, ક્રિકેટરો રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને પદ્‍મશ્રી

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ગઈ કાલે પદ્‌મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પાંચ વ્યક્તિઓને પદ્‌મવિભૂષણ, ૧૩ વ્યક્તિઓને પદ્‌મભૂષણ અને ૧૧૩ વ્યક્તિઓને પદ્‌મશ્રીથી નવાજવામાં આવી છે. વિજેતાઓમાં ૧૯ મહિલાઓનો સમાવેશ છે. વિજેતાઓની યાદીમાં ૬ વ્યક્તિઓ એવી છે જે ફૉરેનર / નૉન-રેસિડન્ટ ઇન્ડિયન / પર્સન ઑફ ઇન્ડિયન ઓરિજિન / ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા હોય. ૧૬ વ્યક્તિઓને મરણોપરાંત સન્માનિત કરવામાં આવી છે. 



દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે. વિખ્યાત ગાયિકા અલકા યાજ્ઞ‌િક, ઉત્તરાખંડના રાજનેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ઍડજગતના દિગ્ગજ દિવંગત પીયૂષ પાંડે, ઉદ્યોગજગતના માંધાતા ઉદય કોટક, ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિવંગત શિબુ સોરેન તથા ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર વિજય અમૃતરાજ અને મલયાલમ ઍક્ટર મમૂટીને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. 


પદ્મશ્રીનો ખિતાબ મેળવનારી જાણીતી વ્યક્તિઓમાં ઍક્ટરો અરવિંદ વૈદ્ય, દિવંગત સતીશ શાહ અને આર. માધવન તથા ક્રિકેટરો રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરનો સમાવેશ થાય છે.

કલા, સાહિત્ય અને સમાજસેવામાં હંમેશાં શિરમોર ગુજરાતના પાંચ કસબીઓને પદ્‌મશ્રી 


કલાક્ષેત્રે ધાર્મિકલાલ પંડ્યા, અરવિંદ વૈદ્ય અને હાજી રમકડું જ્યારે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે રતિલાલ બોરીસાગર તેમ જ સમાજસેવા માટે નીલેશ માંડલેવાલાને નવાજવામાં આવશે

કલા, સાહિત્ય અને સમાજસેવામાં હંમેશાં શિરમોર ગુજરાત માટે ફરી એક વાર ગૌરવવંતી ક્ષણો આવી છે. ગુજરાતના પાંચ મહાનુભાવોનું દેશના સર્વોચ્ચ પુરસ્કારોમાંના એક પદ્‌મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.

કલાક્ષેત્રમાં ધાર્મિકલાલ પંડ્યા, અરવિંદ વૈદ્ય અને મીર હાજીભાઈ કાસમભાઈ જ્યારે સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર અને સમાજસેવાના ક્ષેત્રમાં નીલેશ માંડલેવાલાનાં નામ પદ્મશ્રી પુરસ્કાર માટે ગઈ કાલે જાહેર થયાં હતાં. દેશના સર્વોચ્ચ સન્માન પૈકીના પદ્મશ્રી પુરસ્કારથી આ મહાનુભાવોને સન્માનવામાં આવશે એવી જાહેરાત થતાં આ તમામ મહાનુભાવો પર અભિનંદનની વર્ષા થઈ હતી. ગુજરાત માટે આ ગૌરવની વાત હોવાથી આનંદની લહેરખી ફેલાઈ ગઈ હતી.

ધાર્મિકલાલ પંડ્યા

ગુજરાતથી લઈને દેશવિદેશમાં વસતા ગુજરાતી વડીલોમાં કદાચ આ નામ અજાણ્યું નથી. વડોદરાના ૯૪ વર્ષના માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાએ ૭૩ વર્ષથી ગુજરાતની પ્રાચીન અને પરંપરાગત આખ્યાનની કળાને જીવંત રાખી છે. ધાર્મિકલાલ પંડ્યા સ્વર, સૂર અને તાલનો સંગમ કરીને તાંબાનો ઘડો એટલે કે માટલું વગાડતાં-વગાડતાં આખ્યાન કરતા. તાંબાના ઘડા પર તેમની આંગળીઓ જ્યારે ફરતી એ જોવા અને સાંભળવા માટે લોકો ઉત્સુક રહેતા. અત્યાર સુધીમાં તેમણે ૨૫૦૦થી વધુ આખ્યાનના કાર્યક્રમો દેશવિદેશમાં રજૂ કર્યા છે. આ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે યુવાનોને પ્રેરણા આપવા અને તાલીમ આપવા માટે ઍકૅડેમીની પણ સ્થાપના કરી હતી.

અરવિંદ વૈદ્ય

આ નામ થિયેટર અને ટીવીના અગણિત પ્રેક્ષકો માટે અજાણ્યું નથી. વર્ષોથી અભિનયક્ષેત્રમાં કાઠું કાઢનારા અરવિંદ વૈદ્ય ગુજરાતી અને હિન્દી સિરિયલો તેમ જ તખ્તા પર પોતાની કળાનાં ઓજસ પાથરતા રહ્યા છે. તેમણે નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે. ‘અનુપમા’ સિરિયલના આ બાપુજીને દર્શકોએ વધાવ્યા છે.

‘હાજી રમકડું’ ઉર્ફે મીર હાજીભાઈ કાસમભાઈ

ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કદાચ એક-એક ગામમાં કે નગરમાં જેના ઢોલકની થાપ ન વાગી હોય એવું લગભગ બન્યું જ નહીં હોય એવા ડાયરામાં રિધમના રાજા મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવશે. જૂનાગઢના આ કલાકારની છ દાયકાની કારકિર્દીમાં સ્ટેજ પર નામાંકિત કલાકારોની વચ્ચે ઢોલક પર એવી તો આંગળીઓ ફરતી કે લોકો ઝૂમી ઊઠતા. તેમની રિધમથી પ્રેક્ષકો એવા ડોલી જતા કે કલાકારો અને પ્રેક્ષકો પ્રેમથી તેમને ‘હાજી રમકડું’ના હુલામણા નામથી બોલાવે છે. તેમણે લગભગ ૧૦૦૦થી વધુ સ્ટેજ-પ્રોગ્રામ કર્યા છે. ગાયો અને ગૌશાળા માટે પણ કાર્યક્રમો કર્યા છે.

રતિલાલ બોરીસાગર

લિટરેચર અને એજ્યુકેશન ક્ષેત્રમાં જાણીતા હાસ્યલેખક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરનું પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવશે. ગુજરાતી સાહિત્યમાં તેમનું અદકેરું સ્થાન છે. સાવરકુંડલાના વતની એવા રતિલાલ બોરીસાગરે હાસ્યસંગ્રહો, નવલકથાઓ સહિત ૧૭થી વધુ પુસ્તકો લખ્યાં છે તેમ જ બાળકો માટે ૬ પુસ્તકો લખ્યાં છે.

નીલેશ માંડલેવાલા

સોશ્યલવર્ક માટે સમર્પિત રહેલા સુરતના સામાજિક કાર્યકર નીલેશ માંડલેવાલાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેઓ ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક છે. અંગદાનની પ્રવૃત્તિ માટે તેઓ સતત કાર્યરત છે. અંગદાનની જનજાગૃતિ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહ્યા છે. ગુજરાતમાં તેમણે અંદાજે ૧૩૦૦થી વધુ અંગદાનમાં મદદ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2026 07:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK