ક્વીન ઑફ હિલ્સ મસૂરીમાં પારો ૪૩ ડિગ્રીએ પહોંચ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર ભારત ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વખતે ત્યાંનાં હિલ-સ્ટેશનોમાં પણ ભયંકર હીટવેવ જોવા મળી રહી છે. સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા માટે હિલ-સ્ટેશનો પર જતા હોય છે, પણ આ વખતે તો લોકોને ત્યાં પણ રાહત નથી મળી રહી.
ક્વીન ઑફ હિલ્સના નામે જાણીતા મસૂરીમાં પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો તોબા પોકારી રહ્યા છે. નૈનીતાલમાં પણ જબરદસ્ત ગરમી જોવા મળી રહી છે. ત્યાંનાં જંગલોમાં ગરમીને કારણે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર પણ ગરમીથી બાકાત નથી રહ્યું. હિમાચલ પ્રદેશમાં અમુક જગ્યાએ ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતાં ૬.૭ ડિગ્રી વધારે છે. જમ્મુમાં પારો ૪૪.૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે એમાં માતા વૈષ્ણોદેવી જતા ભક્તો પણ સૂર્યદેવના પ્રકોપથી હેરાન થઈ ગયા છે, કારણ કે કટરામાં પણ ટેમ્પરેચર ૪૦.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
ADVERTISEMENT
ચાર રાજ્યોમાં રેડ અલર્ટ
છેલ્લા કેટલાક દિવસથી ૪૫ ડિગ્રીથી વધારે તાપમાનનો સામનો કરી રહેલા ઉત્તર ભારતનાં રાજ્યોને હમણાં તો હીટવેવમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. દિલ્હીમાં અત્યારે તાપમાન ભલે ૪૩ ડિગ્રીની આસપાસ હોય, પણ લોકોને ૫૦ ડિગ્રી જેવી અસર વર્તાઈ રહી છે. વેધશાળાએ પણ ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને દિલ્હી, ઉત્તર પ્રદેશન, હરિયાણા અને પંજાબમાં રેડ અલર્ટ જાહેર કરી દીધી છે.

