સગીર વયે બળાત્કાર, બળજબરીપૂર્વક લગ્ન અને પ્રૉપર્ટીચોરીના કેસમાં ન્યાય માટે અપીલ
હસીન મસ્તાન
અન્ડરવર્લ્ડ ડૉન હાજી મસ્તાનની દીકરી હસીન મસ્તાને પોતાના પર થયેલા બળાત્કાર, બાળલગ્ન અને પ્રૉપર્ટી સંબંધિત ગુનાઓના કેસમાં તાત્કાલિક કાર્યવાહી થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરી છે. પોતાની સાથે થયેલા અત્યાચાર વિશે એક ઇન્ટરવ્યુમાં હસીને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓ સામે થતા આ પ્રકારના અત્યાચારની એટલી કડક સજા હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આવા ગુના કરતાં ગભરાય.
હસીને ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારાં લગ્ન ૧૯૯૬માં મામા અઝગર હુસેનના દીકરા નાસિર હુસેન સાથે બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યાં હતાં. એ વ્યક્તિ ત્યારે ચાર વાર પરણી ચૂક્યો હતો. મારાં લગ્ન બાદ પણ તેણે ત્રણ લગ્ન કર્યાં હતાં. લગ્ન થયાં ત્યારે હું ટીનેજર હતી. મારા પર વારંવાર બળાત્કાર થયો અને મને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. મારા નામનું ઍફિડેવિટ કરી નામ બદલીને મારી પ્રૉપર્ટી પણ તેમના નામે કરી દીધી હતી. આટલાં વર્ષમાં મેં દુખી થઈને ત્રણ વાર આત્મહત્યાની કોશિશ પણ કરી છે.’


