બ્રિક્સ દેશોના નેતાઓ માટે શનિવારે આયોજિત કરેલા ગાલા ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપસ્થિત રહ્યા નહોતા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના નેતાઓ માટે શનિવારે આયોજિત કરેલા ગાલા ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપસ્થિત રહ્યા નહોતા. આ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. શી જિનપિંગે શનિવારે બ્રિક્સ સમિટમાં હાજરી આપી હતી અને નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. એવા અહેવાલ છે કે શી જિનપિંગ બેઠકોનો દોર પતાવ્યા બાદ હોટેલ પર જતા રહ્યા હતા. ભારત મંડપમ ખાતે નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત આ ડિનરમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સહિત ઘણા અન્ય નેતાઓ ઉપરાંત લોકસભાના સ્પીકર ઓમ બિરલા, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો અને યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ, સુવેન્દુ અધિકારી, હિમંતા બિસ્વા સર્મા સહિત ઘણાં રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત હતા.
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પણ ગેરહાજર
બ્રિક્સ દેશોના નેતાઓ માટેના ડિનરમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ પણ ઉપસ્થિત રહ્યા નહોતા. શનિવારે દિવસ દરમ્યાન બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધા બાદ તેઓ વતન પાછા ફર્યા હતા.
