Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનને ભારે પડી હતી ભારતની આ નારીશક્તિ

પાકિસ્તાનને ભારે પડી હતી ભારતની આ નારીશક્તિ

Published : 01 June, 2025 12:07 PM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑપરેશન સિંદૂરમાં સરહદ પર મોરચો સંભાળીને દુશ્મન દેશની ત્રણ ચોકીઓ નષ્ટ કરીને BSFનાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ દર્શાવી બહાદુરી : સેનાપ્રમુખે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)નાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારી

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)નાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારી


ઑપરેશન સિંદૂર વખતે જમ્મુ સરહદે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)નાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ દર્શાવેલી અસાધારણ હિંમત અને ઑપરેશનલ કુશળતા બદલ ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે કમેન્ડેશન ડિસ્ક એનાયત કરીને તેમનું સન્માન કર્યું હતું. નેહા ભંડારીએ પડકારજનક પરિસ્થિતિમાં બહાદુરીથી BSF કંપનીનું નેતૃત્વ કર્યું હતું. નેહા ભંડારીને કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી રોકવા અને ઇન્ટરનૅશનલ બૉર્ડરને સુરક્ષિત રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ કામ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સરહદ પર ફૉર્વર્ડ પોઝિશનમાં એક પોસ્ટની જવાબદારી સંભાળનારી તે BSFની એકમાત્ર મહિલા અધિકારી હતી.

દુશ્મન સૈનિકો ભાગતા નજરે પડ્યા



નેહા ભંડારી સાથે ૧૮થી ૧૯ મહિલા સીમારક્ષક હતી, પણ છ મહિલા કૉન્સ્ટેબલોએ ત્રણ પાકિસ્તાની ચોકીઓ પર સીધો ગોળીબાર કર્યો હતો. કૉન્સ્ટેબલો શંકરી દાસ, સ્વપ્ના રથ, અનીતા, સુમી, મિલ્કીત કૌર અને મનજિત કૌરે ફૉર્વર્ડ બૉર્ડર પોસ્ટ પર ગન-પોઝિશન સંભાળી હતી. તેમના ગોળીબારમાં દુશ્મનના સૈનિકો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા. તેમને આઘાત આપવા માટે ત્રણેય ચોકીઓને નષ્ટ કરી દેવામાં આવી હતી. આ ઍક્શન ઝીરો લાઇન પર અખનૂર સેક્ટરના પરગવાલ ફૉર્વર્ડ પર દુશ્મનની ત્રણ ચોકીઓ પર થઈ હતી. સાંબા, આર. એસ. પુરા અને અખનૂર સેક્ટરમાં દુશ્મનની પોઝિશન પર ફાયરિંગ કરતી દરેક ગોળી સાથે મહિલા અધિકારીઓનો જોશ વધતો હતો.


દેશસેવામાં ત્રીજી પેઢી

ઑપરેશન સિંદૂરમાં જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરના પરગવાલ ફૉર્વર્ડ વિસ્તારમાં બૉર્ડર આઉટપોસ્ટનું કમાન્ડ કરવાનો નેહા ભંડારી ગર્વ અનુભવે છે. મૂળ ઉત્તરાખંડનાં નેહા પરિવારની ત્રીજી પેઢી તરીકે દેશસેવામાં કાર્યરત છે. તેમણે કહ્યું હતું કે ‘મારા દાદાએ આર્મીમાં સેવા આપી હતી. મારા પિતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં હતા. મારી માતા CRPFમાં છે. હું BSFમાં છું. મને મારા સૈનિકો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પોસ્ટનું સંચાલન કરવાનો ગર્વ છે. આ પોસ્ટ અખનૂર-પરગવાલ વિસ્તારમાં પાકિસ્તાની પોસ્ટથી લગભગ ૧૫૦ મીટર દૂર છે. આ ચોકસાઈભરી કાર્યવાહી માટે મને મારી સાથી-સૈનિકો પર ગર્વ છે. દેશ માટે દુશ્મનો પર આકરો પ્રહાર કરવા તેમનામાં જોશ ઘણો ઊંચો હતો. ઑપરેશન સિંદૂરમાં મહિલા અધિકારીઓએ પણ પુરુષોની સમકક્ષ ખભેખભા મિલાવીને દુશ્મનો પર વાર કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 12:07 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK