Chandrayaan-3: હવે LVM3 M4ના ક્રાયોજેનિક ઉપલા તબક્કાએ પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત પુનઃપ્રવેશ કર્યો છે. રોકેટનો આ ભાગ 15 નવેમ્બરે લગભગ 2.42 કલાકે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો.
ચંદ્રયાન-૩ની ફાઇલ તસવીર
ચંદ્રયાન-3 મિશન (Chandrayaan-3)ની સફળતાએ દેશવાસીઓને ગર્વથી છલકાવી દીધા હતા. આ મિશન માટે ISROએ તમામ આંતરરાષ્ટ્રીય દિશાનિર્દેશોનું પાલન કર્યું હતું. જ્યારે ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે લોન્ચર વ્હીકલ LVM3 M4ના ક્રાયોજેનિક ઉપલા તબક્કાએ `પેસિવેશન` કર્યું હતું. આ પ્રક્રિયામાં તમામ શેષ પ્રોપેલન્ટ અને ઊર્જા સ્ત્રોતો દૂર કરવામાં આવે છે જેથી વિસ્ફોટનું જોખમ ઓછું કરી શકાય. યુનાઇટેડ નેશન્સ (UN) અને ઇન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન કમિટી (IADC)ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું હતું.
હવે LVM3 M4ના ક્રાયોજેનિક ઉપલા તબક્કાએ પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત પુનઃપ્રવેશ કર્યો છે. રોકેટનો આ ભાગ 15 નવેમ્બરે લગભગ 2.42 કલાકે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો. ઈસરોના જણાવ્યા અનુસાર, તેનો ઈમ્પેક્ટ પોઈન્ટ ઉત્તર પેસિફિક મહાસાગર પર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ મળતી માહિતી અનુસાર અંતિમ ગ્રાઉન્ડ ટ્રેક ભારત ઉપરથી પસાર થયો ન હતો. આ સાથે જ મળતી માહિતી અનુસાર સપ્ટેમ્બરમાં સ્લીપ મોડમાં ગયેલા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હજુ સુધી એક્ટિવેટ થયા નથી.
ADVERTISEMENT
ISROના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 (Chandrayaan-3)ના LVM3 M4 લોન્ચ વ્હીકલના ક્રાયોજેનિક ઉપલા તબક્કાની સંભવિત અસર ઉત્તર પેસિફિક મહાસાગર પર થશે. રોકેટના આ ભાગનો અંતિમ `ગ્રાઉન્ડ ટ્રેક` ભારતની ઉપરથી પસાર થયો ન હતો. આ સાથે જ ઈસરોએ જણાવ્યું હતું કે રોકેટ બોડીની રી-એન્ટ્રી તેના પ્રક્ષેપણના 124 દિવસની અંદર જ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત માર્ગદર્શિકાને અનુસરીને રોકેટ બોડીનું નિષ્ક્રિયકરણ અને તેના મિશન પછીના નિકાલથી બાહ્ય અવકાશ પ્રવૃત્તિઓની લાંબા ગાળાની ટકાઉપણું જાળવવામાં ભારતની પ્રતિબદ્ધતા દેખાઈ આવે છે, એમ ISROએ જણાવ્યું હતું. LVM3 M4 ક્રાયોજેનિક ઉપલા તબક્કાનું મિશન પછીનું જીવનકાળ સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન કમિટી (IADC) દ્વારા 25 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.
જ્યારે ભારતે રચ્યો હતો ઈતિહાસ
14 જુલાઈ, 2023 ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-3 (Chandrayaan-3), 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ભારત ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો ચોથો અને દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો. ત્યારબાદ લગભગ 14 દિવસમાં જ ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ આ મિશન હેઠળ એકત્રિત કરવામાં આવી હતી.
2 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં ગયેલ વિક્રમ લેન્ડર હજુ પણ લાંબી ઊંઘમાં હોય એમ જણાઈ રહ્યું છે. જો કે ઇસરો (Indian Space Research Organisation) પણ સતત પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી લેન્ડર અને રોવર ફરી શરૂ થયા નથી. વાસ્તવમાં, લેન્ડર અને રોવરને માત્ર પૃથ્વીના 14 દિવસ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકોએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો બંને ફરી સક્રિય થશે તો તે બોનસ હશે.


