સાધારણ ઘરમાં રહેતા અને કૉલેજમાં ભણતા ત્યારે ટ્રાન્સપૉર્ટેશન અને હૉસ્ટેલનો ખર્ચ પૂરો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો ઇસરોના ચીફ એસ. સોમનાથને
ફાઇલ તસવીર
ભલે તેઓએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ દ્વારા દેશને ચંદ્ર પર લઈ જવામાં મદદ કરી હશે અને હવે તેઓ સૂર્ય માટે પણ આવા જ કંઈ પ્રયાસો કરી રહ્યા છે, ઉપરાંત ભારતીયોને સ્પેસમાં મોકલવાની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ ઇસરોના ચીફ એસ. સોમનાથની શરૂઆત તો જૂની સાઇકલ પર થઈ હતી. સાધારણ ઘરમાં રહેતા અને કૉલેજમાં ભણતા ત્યારે ટ્રાન્સપૉર્ટેશન અને હૉસ્ટેલનો ખર્ચ પૂરો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આવી ઘણી બાબતો તેમના દ્વારા મલયાલમમાં લખેલી તેમની આત્મકથામાં ઉલ્લેખિત છે, જે તેમણે પ્રતિભાશાળી પરંતુ આત્મવિશ્વાસનો અભાવ ધરાવતા યુવાનોને પ્રેરણા આપવાના પ્રયાસ તરીકે લખી છે.
મલયાલમમાં લખાયેલી આત્મકથા ‘નિલાવુ કુદિચા સિમ્હાંગલ’ એક પ્રેરણાની વાર્તા છે. કેરળસ્થિત લિપી પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક નવેમ્બરમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. પુસ્તકમાં ગરીબ ગામના એક યુવાનની ઘટનાપૂર્ણ ગાથા, ઇસરો દ્વારા તેમનો ઉદય, તેમની વર્તમાન પ્રતિષ્ઠિત સ્થિતિ સુધી પહોંચવા અને ચંદ્રયાન-3 લૉન્ચ સુધીની તેની સફર વર્ણવવામાં આવી છે. સોમનાથ મુજબ આ વાસ્તવમાં એક સામાન્ય ગ્રામીણ યુવકની વાર્તા છે, જેને એ પણ ખબર નહોતી કે તેણે એન્જિનિયરિંગ કરવું જોઈએ કે બૅચરલ ઑફ સાયન્સ. આ આત્મકથા તેમની દુવિધાઓ, જીવનમાં લીધેલા યોગ્ય નિર્ણયો અને ભારત જેવા દેશમાં તેને મળેલી તકો વિશે છે.
ADVERTISEMENT
ઇસરોના અધ્યક્ષનું કહેવું છે કે ‘આ પુસ્તકનો હેતુ મારી જીવનકથા શિખવવાનો નથી. તેનો એક માત્ર ઉદ્દેશ્ય જીવનમાં પ્રતિકૂળતાઓ સામે લડતી વખતે લોકોને તેમનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરિત કરવાનો છે. સોમનાથે કહ્યું કે ઘણા યુવાનો પ્રતિભાશાળી છે, પરંતુ તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. તેમના મતે પુસ્તકનો હેતુ એ બતાવવાનો છે કે જીવનમાં આવનારી તકોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, પછી ભલે તે ગમે તેવા સંજોગો હોય.


