ઈસરોના વડા એસ સોમનાથે (S. Somnath) કહ્યું કે, નાસાના વૈજ્ઞાનિકોએ ભારત પાસેથી (NASA Asks For Chandrayaan-3 Technology) ટેક્નોલોજી માગી છે
એસ. સોમનાથ
ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું વિક્રમ લેન્ડર 23 ઑગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઊતર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ પણ ભારતની સફળતાનો સ્વીકાર કર્યો છે. ઈસરોના વડા એસ સોમનાથે (S. Somnath) કહ્યું કે, નાસાના વૈજ્ઞાનિકોએ ભારત પાસેથી (NASA Asks For Chandrayaan-3 Technology) ટેક્નોલોજી માગી છે.
એક કાર્યક્રમમાં સંબોધન કરતાં એસ. સોમનાથે કહ્યું કે, “જ્યારે અમે ચંદ્રયાન-3 વિકસાવ્યું ત્યારે અમે નાસા-જેપીએલ (જેટ પ્રોપલ્શન લેબોરેટરી)ના વૈજ્ઞાનિકોને બોલાવ્યા હતા. આ વૈજ્ઞાનિકોએ વિશ્વમાં ઘણા રોકેટ અને ઘણા મુશ્કેલ મિશનને અંજામ આપ્યો છે. નાસા-જેપીએલના 5-6 લોકો ઈસરોના હેડક્વાર્ટરમાં આવ્યા હતા. અમે તેમને સમજાવ્યું કે કેવી રીતે ચંદ્રયાન-3 23 ઑગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. અમે તેમને અમારી ડિઝાઇન સમજાવી. અમારા એન્જિનિયરોએ તેને કેવી રીતે બનાવ્યું તે પણ જણાવ્યું હતું. આ બધી વાતો સાંભળ્યા પછી તેમણે એટલું જ કહ્યું, નૉ કમેન્ટ્સ. બધું સારું થવાનું છે.”
ADVERTISEMENT
એસ. સોમનાથે 15 ઑક્ટોબર, રવિવારે રામેશ્વરમમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “ભારત એક શક્તિશાળી દેશ છે. આપણું જ્ઞાન અને બુદ્ધિ સ્તર વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંથી એક છે.”
અમે શ્રેષ્ઠ રોકેટ બનાવી રહ્યા છીએ: સોમનાથ
ઈસરો (ISRO)ના વડાએ એમ પણ કહ્યું કે, “તમારે (વિદ્યાર્થીઓ) એ સમજવું પડશે કે આજે સમય કેટલો બદલાઈ રહ્યો છે. આજે આપણે શ્રેષ્ઠ સાધનો, શ્રેષ્ઠ ઉપકરણો અને શ્રેષ્ઠ રોકેટ બનાવી રહ્યા છીએ. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ સેક્ટર ખોલ્યું છે.”
તેમણે કહ્યું કે, “હું વિદ્યાર્થીઓને કહી રહ્યો છું કે સ્પેસ સેક્ટરમાં આવો અને રોકેટ, સેટેલાઇટ બનાવો અને દેશને ટેક્નોલોજીના ક્ષેત્રમાં મજબૂત બનાવો. ઇસરો જ નહીં, દરેક વ્યક્તિ અવકાશના ક્ષેત્રમાં કંઈક કરી શકે છે. આજે ભારતમાં 5 કંપનીઓ રોકેટ અને સેટેલાઇટ બનાવી રહી છે.” ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતારનાર ભારત એકમાત્ર દેશ છે. આ સાથે ભારત ચંદ્ર પર ઉતરનાર અમેરિકા, સોવિયત સંઘ (રશિયા), ચીન પછી ચોથો દેશ છે.
ચંદ્રયાન-10માં એક મહિલા અવકાશયાત્રી હોઈ શકે છે
ઇસરોના વડા એસ સોમનાથે આમ પણ કહ્યું હતું કે, “ચંદ્રયાન-10 (Chandrayaan-10)માં તમારામાંથી કોઈપણ તેની અંદર બેસી શકશે અને ચંદ્ર પર જય શકશે. ચંદ્રયાન-10માં આપણે ભારતમાંથી મહિલા અવકાશયાત્રીને ચંદ્ર પર મોકલી શકીએ છીએ.”


