મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવી પણ જાહેરાત કરી હતી કે આંધ્ર પ્રદેશમાં મહિલા કર્મચારીઓ ગમે એટલી વખત પ્રસૂતિની રજાનો લાભ લઈ શકે છે.
એન. ચંદ્રાબાબુ નાયડુ
આંધ્ર પ્રદેશમાં એન. ચંદ્રાબાબુ નાયડુની સરકારે વધુ બાળકો ધરાવતાં યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના બનાવી છે. આ ઉપરાંત પંચાયત અને સુધરાઈની ચૂંટણીના ઉમેદવારો માટે લાગુ કરાયેલી બે બાળકોની નીતિને પણ ઉલટાવી દેવામાં આવી છે. હવે બેથી વધારે બાળકો ધરાવતા ઉમેદવારો પણ ચૂંટણી લડી શકશે. આ પહેલાં બેથી વધારે બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડી શકતા નહોતા. રાજ્યમાં ઘટી રહેલા પ્રજનનદરને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર લોકોને મોટા પરિવારો રાખવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી રહી છે.
માનવમૂડીમાં રોકાણ
આ સંદર્ભમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે ‘રાજ્ય હવે ઇન્વેસ્ટમેન્ટ ઇન હ્યુમન કૅપિટલ (માનવમૂડીમાં રોકાણ) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હું એક પરિવારને એક એકમ તરીકે ગણીને નાણાકીય પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યો છું. મોટા પરિવારો વધુ પ્રોત્સાહનો મેળવી શકે છે. ઝીરો પૉવર્ટી પહેલ હેઠળ મેં પહેલેથી જ એક રસપ્રદ મૉડલ શરૂ કર્યું છે જેમાં શ્રીમંત લોકો ગરીબ પરિવારોને દત્તક લેશે. આ પગલું માત્ર આવકની અસમાનતાઓ દૂર નહીં કરે, સમગ્ર પરિવારનું કલ્યાણ પણ સુનિશ્ચિત કરશે.’
ADVERTISEMENT
પ્રસૂતિની રજામાં વધારો
મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવી પણ જાહેરાત કરી હતી કે આંધ્ર પ્રદેશમાં મહિલા કર્મચારીઓ ગમે એટલી વખત પ્રસૂતિની રજાનો લાભ લઈ શકે છે. પહેલાં એ ફક્ત બે પ્રસૂતિ સુધી મર્યાદિત હતી. હવે આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે.

