૪૫૨ પ્રથમ પસંદગીના મત મેળવીને જીત્યા, જ્યારે હરીફ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા: NDAની તરફેણમાં ૧૫ જણે ક્રૉસ વોટિંગ કર્યું હોવાની આશંકા : ૩ પક્ષોએ મતદાનમાં ભાગ ન લીધો
સી. પી. રાધાક્રિષ્ન, નરેન્દ્ર મોદી
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના ઉમેદવાર સી. પી. રાધાક્રિષ્નને ગઈ કાલે વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને ૧૫૨ મતથી પરાજિત કર્યા હતા અને ભારતના પંદરમા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નને ૪૫૨ પ્રથમ પસંદગીના મત મેળવ્યા હતા, જ્યારે તેમના હરીફ જસ્ટિસ બી, સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા હતા એમ રિટર્નિંગ ઑફિસર પી. સી. મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
૩ પક્ષોએ મતદાનમાં ભાગ ન લીધો
ADVERTISEMENT
કૉન્ગ્રેસે ગઠબંધનના ૩૧૫ સંસદસભ્યોના મતોનો દાવો કર્યો હતો. જોકે તેમના ગઠબંધનના ઉમેદવારને ૧૫ મત ઓછા મળ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને બિજુ જનતા દલ (BJD)એ ચૂંટણીમાં ભાગ લીધો નહોતો. BRS પાસે ૪ અને BJD પાસે રાજ્યસભામાં ૭ સંસદસભ્ય છે. શિરોમણિ અકાલી દળનો લોકસભામાં ફક્ત એક જ સંસદસભ્ય છે. તેણે પણ પંજાબમાં પૂરને કારણે મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો.
ક્રૉસવોટિંગની શક્યતા
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો વિપક્ષી ગઠબંધનમાં ક્રૉસવોટિંગની શક્યતા દર્શાવે છે, કારણ કે જયરામ રમેશે દાવો કરેલા ૩૧૫ મત કરતાં ૧૫ ઓછા મત મળ્યા છે. બીજી શક્યતા એ છે કે બધા ૧૫ અમાન્ય મતો વિપક્ષી ગઠબંધનના હતા. મતદાન ગુપ્ત મતદાન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
૯૮.૨ ટકા મતદાન
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૭૮૮ લાયક સંસદસભ્યોમાંથી ૭૬૭એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ૯૮.૨ ટકા મતદાન દર્શાવે છે. ૭૫૨ માન્ય અને ૧૫ અમાન્ય મત પડ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિનો પગાર શૂન્ય હોવા છતાં દર મહિને ૪ લાખ રૂપિયા કેમ કમાય છે?
ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે ચોક્કસ પગારની કોઈ જોગવાઈ નથી, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે દર મહિને ૪ લાખ રૂપિયા મહેનતાણું મેળવવા માટે હકદાર છે. દેશના ઉપરાષ્ટ્રપતિ ઉપલા ગૃહના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. ઉપરાષ્ટ્રપતિનો પગાર અને ભથ્થાં સંસદના અધિકારીઓના પગાર અને ભથ્થાં અધિનિયમ, 1953 હેઠળ નક્કી કરવામાં આવે છે.
ભથ્થાંમાં બીજું શું મળે?
ઉપરાષ્ટ્રપતિનાં ભથ્થાંમાં મફત રહેઠાણ, તબીબી સંભાળ, ટ્રેન અને હવાઈ મુસાફરી, લૅન્ડલાઇન કનેક્શન, મોબાઇલ ફોનસેવા, વ્યક્તિગત સુરક્ષા અને સ્ટાફનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, નિવૃત્તિ પછી પણ ઉપરાષ્ટ્રપતિ દર મહિને લગભગ બે લાખ રૂપિયાનું પેન્શન, ટાઇપ-8 બંગલો, એક પર્સનલ સેક્રેટરી, એક ઍડિશનલ પર્સનલ સેક્રેટરી, એક પર્સનલ અસિસ્ટન્ટ, એક ફિઝિશ્યન, એક નર્સિંગ ઑફિસર અને ચાર પર્સનલ અટેન્ડન્ટ મેળવવા માટે હકદાર છે.
નરેન્દ્ર મોદીએ NDAના ઉમેદવાર સી. પી. રાધાક્રિષ્નનને ભારતના પંદરમા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યાં હતાં. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘સી. પી. રાધાક્રિષ્નનજીને ૨૦૨૫ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન. તેમનું જીવન હંમેશાં સમાજની સેવા કરવા અને ગરીબો તેમ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સશક્તીકરણ માટે સમર્પિત રહ્યું છે. મને વિશ્વાસ છે કે તેઓ એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે, જે આપણાં બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવશે.’


