મધપૂડામાંથી કાઢવામાં આવેલું મધ BSF વાઇવ્સ વેલફેર અસોસિએશનની દુકાનો દ્વારા વેચવામાં આવશે. મધના વેચાણમાંથી નફો સ્થાનિક લોકોને આપવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
વિદેશોમાં બૉર્ડરની સુરક્ષા કરનારાં સશસ્ત્રદળો લૅન્ડમાઇન શોધી કાઢવા માટે ઉંદરોનો ઉપયોગ કરે છે, જ્યારે ભારત ઘૂસણખોરોને રોકવા માટે બંગલાદેશ સરહદ પર મધપૂડા લગાવી રહ્યું છે.
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ની ૩૨મી બટાલિયને કાંટાળા તારની વાડ પર મધપૂડા લગાવવાનું શરૂ કર્યું છે. આ મધપૂડા ફક્ત મધ માટે નથી, મધમાખીઓનાં ટોળાં દાણચોરો અને ઘૂસણખોરોને રોકવા માટે છે. વાડ તોડવાનો પ્રયાસ કરનાર કોઈ પણ વ્યક્તિ પર આ મધમાખીઓ તાત્કાલિક અને પીડાદાયક હુમલો કરે છે. મધમાખીઓની હાજરીને કારણે ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં ઘટાડો થયો છે.
ADVERTISEMENT
ભારત અને બંગલાદેશ વચ્ચે કુલ ૪૦૯૬ કિલોમીટર લાંબી સરહદ છે, જેમાંથી ૨૨૧૭ કિલોમીટર લાંબી સરહદ પશ્ચિમ બંગાળ સાથે છે. BSFએ આ પ્રોજેક્ટ માટે આયુષ મંત્રાલયને પણ સામેલ કર્યું છે. મંત્રાલયે BSFને આ સંદર્ભમાં જરૂરી જાણકારી પૂરી પાડી છે. મધમાખીઓને મધ મળી રહે એ માટે નજીકમાં ફૂલોના છોડ ઉગાડવામાં આવ્યા છે. BSFના કર્મચારીઓને મધમાખી-ઉછેરની તાલીમ આપવામાં આવે છે. આયુષ મંત્રાલયે તુલસી, એકાંગી, સાતમુલી, અશ્વગંધા, કુંવારપાઠા જેવા ઔષધીય છોડ પૂરા પાડ્યા છે. BSFના કર્મચારીઓ સ્થાનિક લોકોના સહયોગથી સરહદી વિસ્તારોમાં આ છોડ રોપી રહ્યા છે. સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું છે કે આ મધપૂડામાંથી કાઢવામાં આવેલું મધ BSF વાઇવ્સ વેલફેર અસોસિએશનની દુકાનો દ્વારા વેચવામાં આવશે. મધના વેચાણમાંથી નફો સ્થાનિક લોકોને આપવામાં આવશે.

