તેઓ માને છે કે આવું પગલું અપમાનજનક કામ હશે.

વરુણ ગાંધી
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત યોગ્ય માર્ગ પર છે કે નહીં એ મુદ્દા પર ડિબેટમાં બોલવા માટે ઑક્સફર્ડ યુનિયને બીજેપીના સંસદસભ્ય વરુણ ગાંધીને આમંત્રણ આપ્યું હતું. જોકે બીજેપીના સંસદસભ્યે એ આમંત્રણને ફગાવતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય મંચ પર દેશના પડકારો માટે અવાજ ઉઠાવવો એ તેમને યોગ્ય કે પ્રામાણિક લાગતું નથી. તેઓ માને છે કે આવું પગલું અપમાનજનક કામ હશે. વરુણ ગાંધી પણ અનેક વખત કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા રહ્યા છે.
નોંધપાત્ર છે કે રિસન્ટલી કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લંડનમાં જણાવ્યું હતું કે ભારતની લોકશાહી ખતરામાં છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી વિશે ઘણું ઘસાતું બોલ્યા હતા, જેને લઈને ભારે હંગામો પણ મચ્યો હતો. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વાસ્તવમાં અત્યાર સુધી આ મામલે હંગામાના કારણે જ કોઈ કાર્યવાહી થઈ શકી નથી.
એક સોર્સે જણાવ્યું હતું કે ઇંગ્લૅન્ડમાં ઑક્સફર્ડસ્થિત પ્રખ્યાત ડિબેટિંગ સોસાયટી ઇચ્છતી હતી કે તેઓ એ પ્રસ્તાવની વિરુદ્ધ બોલે કે ‘આ ગૃહ માને છે કે મોદીનું ભારત યોગ્ય માર્ગ પર છે.’
એપ્રિલ અને જૂનમાં આ ડિબેટ થવાની હતી, જેના માટે આ યુનિયનના પ્રેસિડન્ટ મેથ્યુ ડિક તરફથી બીજેપીના આ સંસદસભ્યને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.