ગવર્નરને મળ્યા BJPના નેતા, કહ્યું કે ૪૪ વિધાનસભ્યોનો અમને ટેકો છે
ગઈ કાલે વિધાનસભ્યો સાથે ગવર્નર અજય કુમાર ભલ્લાને મળ્યા પછી મીડિયા સાથે વાત કરતા મણિપુરના BJPના નેતા થોકચોમ રાધેશ્યામ સિંહ.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ મણિપુરમાં સરકાર બનાવવાની હિલચાલ શરૂ કરી છે. BJPના નેતા થોકચોમ રાધેશ્યામ સિંહ ગઈ કાલે ૯ વિધાનસભ્યો સાથે રાજભવનમાં રાજ્યપાલ અભય કુમાર ભલ્લાને મળ્યા હતા અને દાવો કર્યો હતો કે લોકોની ઇચ્છા મુજબ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ૪૪ વિધાનસભ્યો તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ‘અમે રાજ્યપાલને આ વાત જણાવી છે અને આ મુદ્દે કયું સમાધાન થઈ શકે છે એ બાબતે પણ ચર્ચા કરી હતી. રાજ્યપાલે અમારી વાતચીતને ધ્યાનમાં લીધા બાદ રાજ્યના લોકોના હિતમાં કાર્યવાહી કરશે એવું જણાવ્યું છે.’
શું તમે સરકાર રચવાનો દાવો કરશો? એવા સવાલના જવાબમાં થોકચોમ રાધેશ્યામ સિંહે કહ્યું હતું કે આ નિર્ણય BJPનું કેન્દ્રીય નેતૃત્વ લેશે.
ADVERTISEMENT
સરકાર બનાવવા વિશે બોલતાં થોકચોમ રાધેશ્યામ સિંહે કહ્યું હતું કે ‘સ્પીકર સત્યવ્રતે ૪૪ વિધાનસભ્યો સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. કોઈ પણ એવું નથી જેણે સરકાર રચવા માટે વિરોધ કર્યો હોય. લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. ગયા કાર્યકાળમાં બે વર્ષ કોવિડ-19ને કારણે બરબાદ થયાં હતાં અને આ કાર્યકાળમાં સંઘર્ષના કારણે બે વર્ષ બરબાદ થયાં છે.’
૨૦૨૩ના મેમાં કુકી-મૈલેઈ વચ્ચે શરૂ થયેલા જાતીય સંઘર્ષના નિરાકરણમાં સફળ ન થવાને પગલે BJPના નેતા અને મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહની ટીકાઓ થતાં તેમણે ફેબ્રુઆરી ૨૦૨૫માં રાજીનામું આપ્યું હતું અને ત્યારથી મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન છે.
મણિપુરની નંબરગેમ
મણિપુર વિધાનસભામાં ૬૦ વિધાનસભ્યો છે જેમાંથી એક વિધાનસભ્યના મૃત્યુને કારણે એક બેઠક ખાલી છે. BJPના ગઠબંધનમાં ૩૨ મૈતેઈ વિધાનસભ્ય, ૩ મણિપુરી મુસ્લિમ વિધાનસભ્ય અને ૯ નાગા વિધાનસભ્યો છે. કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો છે અને તેઓ મૈતેઈ છે.


