ભારતીય જનતા પાર્ટીએ એક સૅટેલાઇટ તસવીર શૅર કરીને દાવો કર્યો, AAPનો જવાબ : જો આ સાચું હોય તો અલૉટમેન્ટ લેટર તો બતાવો. નકલી યમુનાની વાત જાહેર થઈ ગઈ એટલે હવે બચવા માટે ખોટા દાવા ફેંકી રહી છે BJP
દિલ્હી પછી હવે પંજાબમાં અરવિંદ કેજરીવાલનો શીશમહલ
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભારતીય જનતા પાર્ટીએ એક વધુ શીશમહલ બનાવી લેવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીની BJP શાખાએ ગૂગલ અર્થવાળી સૅટેલાઇટ તસવીર શૅર કરીને આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલે હવે પંજાબમાં શીશમહલ તૈયાર કરાવ્યો છે. રાજ્યસભાનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલે પણ આ વાત શૅર કરી હતી. BJPએ શૅર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘બિગ બ્રેકિંગ, આમ આદમીનો ઢોંગ કરનારા કેજરીવાલે વધુ એક ભવ્ય શીશમહલ તૈયાર કરાવ્યો. દિલ્હીનો શીશમહલ ખાલી થયા પછી પંજાબના સુપર CM અરવિંદ કેજરીવાલને ચંડીગઢના સેક્ટર ટૂમાં CM ક્વોટાની બે એકર જમીનમાં આલીશાન સેવનસ્ટાર સરકારી કોઠી મળી ગઈ છે.’
BJPના દાવાઓને આમ આદમી પાર્ટીએ ખોટા બતાવ્યા હતા. દિલ્હીના AAPના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એણે જવાબ આપ્યો છે, ‘જ્યારથી વડા પ્રધાનની નકલી યમુનાની વાર્તા પકડાઈ છે, BJP બેબાકળી થઈ ગઈ છે. એ રઘવાટમાં BJP આજકાલ બધું જ નકલી કરી રહી છે. નકલી યમુના, નકલી પ્રદૂષણના આંકડા, નકલી વરસાદના દાવા અને હવે નકલી સેવન સ્ટાર દાવા. જો કેજરીવાલજીને કોઈ ઘર અલૉટ થઈ ગયું હોય તો ક્યાં છે અલૉટમેન્ટ લેટર? CMની કૅમ્પ ઑફિસની તસવીરો શૅર કરીને BJP કંઈ પણ નકલી દાવાઓ કરી રહી છે.’


