Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > CA ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં છબરડો: ચાર પ્રશ્નોમાં ભારોભાર ભૂલ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

CA ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં છબરડો: ચાર પ્રશ્નોમાં ભારોભાર ભૂલ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

10 February, 2022 02:44 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

૧૭ ડિસેમ્બરે લેવામાં આવેલા ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા.

ICAIનો લોગો (સૌજન્ય : ICAIની અધિકૃત વેબસાઇટ), ભૂલભરેલા પ્રશ્નો

CA Foundation Result

ICAIનો લોગો (સૌજન્ય : ICAIની અધિકૃત વેબસાઇટ), ભૂલભરેલા પ્રશ્નો


ગત અઠવાડિયામાં યોજાયેલ CA ફાઉન્ડેશનની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ગંભીર ભૂલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ૧૭ ડિસેમ્બરે લેવામાં આવેલા ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોવાથી આખરે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન છોડવા પડ્યા હતા. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આ બાબત ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વિદ્યાર્થીઓની આ ફરિયાદને વાચા આપવા માટે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલાક CA ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ, શિક્ષક અને ICAIની પશ્ચિમ પાંખના ચેરમેન સાથે વાત કરી હતી અને તપાસમાં ખુલાસો થયો કે પેપરમાં ચાર પ્રશ્નો ભૂલભરેલા હતા.

શું છે સમગ્ર મામલો?



વિદ્યાર્થીઓના વર્તુળમાં વોટ્સએપ પર એક પત્ર વાયરલ થયો હતો, જે અધિક સચિવ (પરીક્ષા) (Additional Secretary-Exams)ને સંબોધીને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં ખોટા પ્રશ્નો, ખોટા વિકલ્પો અને પેપર લાંબુ હોવા સહિતના સાત મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી હતી, જ્યારે અમે આ પત્ર ક્યાંથી આવ્યો તે બાબત તપાસ કરી ત્યારે એક વિદ્યાર્થી તરફથી માહિતી મળી હતી કે CAની પરીક્ષા અને પરિણામ જેવી બાબતોએ માહિતી આપતી એક યુટ્યુબ ચેનલના ટેલિગ્રામ એકાઉન્ટ દ્વારા આ પત્ર આવ્યો હતો. આ યુટ્યુબ ચેનલ પર એક વિડિયો મૂકવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની ફરિયાદ વિશે વાત કહેવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ જો આ મામલે ફરિયાદ કરે તો તેમને ગ્રેસ માર્કસ મળી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી હતી. આ મેસેજ સાથે CA ફાઉન્ડેશનનું કથિત પેપર પણ વાયરલ થયું હતું.


વોટ્સએપ પર વાયરલ મેસેજમાં કરાયેલા દાવાની પુષ્ટિ કરવા હેતુ અમે મલાડ પૂર્વ સ્થિત શ્રી પ્રગલ્ભ કોમર્સ પ્રોફેશનલ ક્લાસીસના જિતેન્દ્ર ટાંક (જીતુ સર) વાત કરી, જે ૧૨ વર્ષથી વધુ સમયથી CAના વિદ્યાર્થીઓને ગણિત ભણાવવાનો અનુભવ ધરાવે છે અને WRICની સાતારાની WIKASA પાંખમાં પણ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને ગણિત ભણાવી ચૂક્યા છે. જીતુ સરે જણાવ્યું કે “CAનું ગણિતનું પેપર ICAI દ્વારા અધિકૃત રીતે કોઈ દિવસ બહાર પાડવામાં આવતું નથી. તેથી કહેવું મુશ્કેલ છે કે પેપરમાં ખરેખર ભૂલો હતી કે નહીં, પરંતુ જે પેપર ઈન્ટરનેટ પર વાયરલ થયું છે તે જ પેપર જો પરીક્ષામાં આવ્યું હોય તો ચોક્કસપણે કહી શકાય છે કે વાયરલ મેસેજના દાવા અનુસાર છ નહીં, પરંતુ આ પેપરના ચાર પ્રશ્નોમાં ભૂલો હતી.”


જીતુ સર - પ્રિન્સિપલ શ્રી પ્રગલ્ભ કોમર્સ પ્રોફેશનલ

તેમણે ઉમેર્યું હતું કે “કેટલાક ક્લાસીસ ચલાવતા લોકો અને પબ્લિશર્સ પોતાના વિદ્યાર્થીઓને આ પરીક્ષા માત્ર પેપરના સવાલો જાણવા માટે પણ અપાવતા હોય છે અને બાદમાં પ્રેક્ટિસ પેપરના નામે પુસ્તકો અથવા નોટ્સ બહાર પાડવામાં આવે છે. આ પ્રકારના પેપરને ‘મેમરાઇઝ્ડ પેપર’ કહેવામાં આવે છે. વાયરલ થયેલું પેપર આ પ્રકારનું હોય તેવી શક્યતાને નકારી શકાતી નથી.”

આ પ્રશ્નોમાં હતી ભૂલો

વાયરલ થયેલા પેપર અનુસાર પ્રશ્ન નંબર 27, 52, 69, 75 પ્રશ્ન ભૂલભરેલા છે.

પ્રશ્ન નંબર 27માં જેમાં વિદ્યાર્થીઓને ‘a’નું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રશ્નનો જવાબ ‘0.5’ છે, પરંતુ આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.

પ્રશ્ન નંબર 52માં વિદ્યાર્થીઓને આપેલી સંખ્યાઓનો મધ્યગા (Median) શોધવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એક આંકડો ‘19. 66’ આપવામાં આવ્યો હતો. તેથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા કે ડૉટ કોમાની જગ્યાએ ભૂલથી મૂકવામાં આવ્યું છે કે તે સંખ્યા ખરેખર 19.66 છે? જો આ સંખ્યા 19.66 હોય તો તેનો જવાબ વિકલ્પમાં આપવામાં આવ્યો ન હતો.

પ્રશ્ન નંબર 69 ‘ઓગિવ કર્વ (ઓજાઇવ કર્વ - Ogive Curve)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થતો નથી?’માં ત્રણ વિકલ્પો સાચા હતા અને એક વિકલ્પ ખોટો હતો, તેથી પ્રશ્નમાં ગોટાળો હોવાનું પુરવાર થાય છે. ઓજાઈવ કર્વ (Ogive Curve)નો ઉપયોગ મધ્યગા Median નક્કી કરવા માટે થાય છે. વિકલ્પમાં Mean, Median, Mode, Range આપવામાં આવ્યા હતા.

પ્રશ્ન નંબર 75માં વિદ્યાર્થીઓને Zebra, Giraffe, horse અને Tiger પૈકી અયોગ્ય વિકલ્પ શોધવાનું કહેવાનું આવ્યું હતું. હવે આ પ્રશ્નના જવાબમાં બે શક્યતા છે. જો માંસાહારી કે શાકાહારી પ્રાણીઓના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ Tiger છે, પરંતુ જો પાલતું પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓ સંદર્ભે આ સવાલ હોય તો તેનો જવાબ અચૂક Horse આવે. જોકે, પ્રશ્નમાં આ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી ન હતી.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે જ્યારે વિદ્યાર્થીઓ સાથે આ સંદર્ભે વાત કરી તો તેમણે પુષ્ટિ કરી હતી કે પરીક્ષામાં આવેલું પેપર અને વાયરલ થયેલું પેપર સમાન છે. એક વિદ્યાર્થિનીએ અમને નામ ન જણાવવાની શરતે કહ્યું કે “વાયરલ થયેલું પેપર છે તે જ પરીક્ષામાં આવ્યું હતું. પરીક્ષા આપતી વખતે મેં 52, 69, 75 નંબરના પ્રશ્નમાં રહેલી ભૂલોને કારણે તે પ્રશ્નોના જવાબ નેગેટિવ માર્કિંગના ડરે આપ્યા ન હતા.” અહીં નોંધવું ઘટે કે ફાઉન્ડેશનની પરીક્ષામાં માઇનસ માર્કિંગની સિસ્ટમ છે અને ખોટા જવાબ બદલ 0.25 માર્કસનું નેગેટિવ માર્કિંગ આપવામાં આવે છે. બીજા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે “27 નંબરના પ્રશ્નનો જવાબ જે વિકલ્પો ઉપલબ્ધ હતા તે પ્રમાણે આવતો ન હતો. મેં પ્રશ્ન નંબર 69 અને 75માં ખામી હોવાનું નોંધ્યું હતું અને તે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું.”

ભૂલો અને તેની પરિણામ પર અસર વિશે વાત કરતાં વિદ્યાર્થિનીએ કહ્યું કે “આવી પરીક્ષામાં એક-એક માર્ક મહત્ત્વનો છે. એક માર્કની અછતને કારણે પણ વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોય છે, ત્યારે આવી ભૂલો માટે સંસ્થા તરફથી માર્કસ આપવામાં આવે તે અપેક્ષિત છે. ઉપરાંત નેગેટિવ માર્કિંગના ડરે વિદ્યાર્થીઓએ પ્રશ્ન જવાબ ન આપ્યો હોય તો પણ તેમને ખોટા પ્રશ્ન બદલ માર્કસ મળવા જોઈએ.”

તેણીએ ઉમેર્યું કે “આ ચાર પ્રશ્નોમાંના બે પ્રશ્નો થીયરીના છે, જેનો જવાબ આપવા માટે વિદ્યાર્થીઓએ ગણતરી કરવા પાછળ સમય ફાળવવો પડતો નથી. જો આવા પ્રશ્નોમાં જ ભૂલો હોય તો તેની ખરાબ અસર નક્કી વિદ્યાર્થીના પરિણામ પર પડશે.”

આ મામલે પ્રતિક્રિયા મેળવવા માટે અમે ICAIની પશ્ચિમ પાંખના ચેરમેન મનીષ ગડિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે “અમને આ બાબતે કોઈ તરફથી સત્તાવાર ફરિયાદ મળી નથી. અમારા કાર્યાલયે પેપરની તપાસ કરી છે અને તેમાં કોઇપણ સવાલ અભ્યાસક્રમની બહારનો (Out of syllabus) ન હતો. પેપરમાં કોઈપણ સવાલમાં ‘પ્રિન્ટિંગ મિસ્ટેક’ કે ‘શંકાસ્પદ સવાલો’ પણ ન હતા. જોકે, લાખો પેપર છપાયા તેમાં કોઈ એકાદ પેપરમાં કંઈક થયું હોય તો વાત જુદી છે.”

CA. Manish Gadia, Chairman - WIRC of ICAI

સીએ મનીષ ગડિયા -  ICAIની પશ્ચિમ પાંખના ચેરમેન (તસવીર સૌજન્ય : wirc-icaiની વેબસાઇટ)

જ્યારે અમે તેમને સવાલ પૂછ્યો કે શું પેપર તમામ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે સમાન આવે છે? ત્યારે તેમણે કહ્યું કે “હા, આ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે અને સમાન પેપર જ કાઢવામાં આવે છે. તેમાં પ્રશ્નોનો ક્રમ પણ બદલવામાં આવતો નથી.” જોકે, જ્યારે અમે તેમને 75 નંબરના સવાલનો જવાબ પૂછ્યો તો તેમણે કહ્યું કે “આટલી ચીવટતાથી જોઈ શકાય નહીં. આ સવાલ પણ છે તો એક જ માર્કનો અને આ બધુ જ ‘syllabus’માં આપવામાં આવ્યું છે.”

મહત્ત્વનું છે કે તેમણે સ્વીકાર્યું હતું કે આ સવાલો પેપરમાં હતા. તેમણે ઉમેર્યું કે “આ સવાલો પેપરમાં હતા, પરંતુ કોઈ ભૂલ ન હતી.” જ્યારે અમે પેપર માગ્યું તો તેમણે કહ્યું હતું કે “નિયમો અનુસાર પેપર બહાર પાડવું કે કોઈને આપવાનું શક્ય નથી.” પાછળથી જ્યારે અમે વોટ્સએપના માધ્યમથી સવાલ પૂછ્યો કે “જો કોઈ વિદ્યાર્થી આ બાબતે ફરિયાદ કરે તો શું પગલાં લેવામાં આવશે?” તો તેમણે આ સવાલ અવગણ્યો હતો અને જવાબ આપ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે હજી સુધી ICAI દ્વારા સત્તાવાર રીતે ભૂલ હોવાની કબૂલાત કરવામાં આવી નથી, પરંતુ સંસ્થાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા બાબતે તેમનું નિરીક્ષણ 25 ડિસેમ્બર સુધીમાં મગાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2022 02:44 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK