બુક લૉન્ચ થયાની ૧૦ મિનિટમાં ૧૫,૦૦૦ કૉપી ડિલિવર થયાનો રેકૉર્ડ બન્યો
સોનિયા ગાંધી
કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લખેલું પુસ્તક ‘બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ’ ૧૦ નવેમ્બરે રિલીઝ થયું હતું. પુસ્તકના પ્રકાશક હાર્પર કૉલિન્સના CEO અનંત પદ્મનાભને કહ્યું હતું કે ‘એક વીકથી ઓછા સમયમાં આ પુસ્તકની બે લાખથી વધુ પ્રત વેચાઈ ચૂકી છે. ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યે વેચાણ શરૂ થયું એની સાથે ૧૦ મિનિટમાં જ ૧૫,૦૦૦ કૉપી ડિલિવર કરી દેવામાં આવી હતી. એ દૃષ્ટિએ આ સૌથી ઝડપથી રીડર્સ સુધી પહોંચનારું પુસ્તક છે. આ માટે ઇન્સ્ટન્ટ ડિલિવરી પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’
સોનિયા ગાંધી લિખિત પુસ્તકની કિંમત છે ૧૨૯૯ રૂપિયા. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં એટલે કે ૧૦૦૦ રૂપિયામાં પણ બુક અવેલેબલ છે. બે લાખ કૉપીના હિસાબે જોઈએ તો અત્યાર સુધીમાં ૨૫.૯૮ કરોડ રૂપિયાનું વેચાણ થઈ ગયું છે. આ વેચાણમાંથી સોનિયા ગાંધીને કેટલા રૂપિયા મળશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે એની સ્પષ્ટતા થઈ નથી. સામાન્ય રીતે લેખકની રૉયલ્ટી બારથી ૧૫ ટકા જેટલી હોય છે એટલે આ પુસ્તકમાંથી સોનિયા ગાંધીને ત્રણ-ચાર કરોડ રૂપિયાની રૉયલ્ટી મળી શકે છે.
ADVERTISEMENT
નવા લેખકના પહેલા પુસ્તકનો રેકૉર્ડ
કોઈ નવા લેખકનું પહેલું જ પુસ્તકનું પહેલા જ વીકમાં સૌથી વધુ વેચાયું હોય એનો રેકૉર્ડ પણ સોનિયા ગાંધીના પુસ્તકે બનાવ્યો છે. છેલ્લે નવા લેખક તરીકે રેકૉર્ડબ્રેક વેચાણ સચિન તેન્ડુલકરના ‘પ્લેઇંગ ઇટ માય વે’ નામના પુસ્તકનું થયું હતું. ૨૦૧૪માં ૬ નવેમ્બરે એનું પ્રી-બુકિંગ થયું હતું. એની દોઢ લાખ કૉપી પ્રી-ઑર્ડર થઈ હતી. આ પુસ્તક પ્રકાશિત થયું એ જ દિવસે બે લાખ કૉપી વેચાઈ ચૂકી હતી.
