મુંબઈ FDAએ સાઉથ મુંબઈની ૯ ફેમસ હોટેલો અને ફૂડ-એસ્ટૅબ્લિશમેન્ટ પર અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
નૅચરલ આઇસક્રીમમાં કાટ ખાઈ ગયેલું ફ્રિજ અને બેરૂટ રેસ્ટોરાંમાં જોવા મળેલી ગંદકી.
ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જણાતાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈ અને થાણેની કુલ ૧૨ નામાંકિત હોટેલો અને ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે, જ્યારે અત્યંત જોખમી પરિસ્થિતિ ધરાવતા ૬ વિક્રેતાઓનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યો છે. મુંબઈ FDAએ સાઉથ મુંબઈની ૯ ફેમસ હોટેલો અને ફૂડ-એસ્ટૅબ્લિશમેન્ટ પર અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કોલાબામાં આવેલી કૅફે આઇડિયલ, કાલાઘોડાની આઇકૉનિક ચેતના રેસ્ટોરાં, ફોર્ટમાં આવેલી મિયાં કબાબ્સ, કફ પરેડની બેરૂટ, ચર્ચગેટમાં આવેલું નૅચરલ આઇસક્રીમ આઉટલેટ, ફોર્ટની શ્રીયોગ રેસ્ટોરાં, નરીમાન પૉઇન્ટનું ગુપ્તા ફ્રૂટ જૂસ સેન્ટર, ફોર્ટનું પ્રકાશ ઢોસા અને કોલાબાની સૌરભ હોટેલ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ હેઠળ લેવાયેલાં આ પગલાંમાં તપાસ-અધિકારીઓને રસોડામાં ભારે ગંદકી, ખુલ્લામાં રાખેલો કચરો, ઉંદરો અને વાંદાનો ત્રાસ, કાટ લાગેલાં ફ્રિજ અને વાસણો, કાચા અને રાંધેલા માંસાહારી ખોરાકનો એકસાથે સંગ્રહ તેમ જ બગડેલા કે સડેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યાં હતાં.
ફૉર્ચ્યુન, પતંજલિ અને સફોલાના નામે વેચાતું ૨૦,૦૮૫ લીટર બનાવટી તેલ પકડાયું : પુણેમાં ડી-માર્ટના ગોડાઉનમાંથી ૫૦.૨૭ લાખ રૂપિયાનું શંકાસ્પદ ખાદ્ય તેલ જપ્ત
ADVERTISEMENT
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા પુણે જિલ્લામાં રીટેલ ચેઇન ડી-માર્ટનું સંચાલન કરતી કંપની ઍવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડની એક ફૅસિલિટી પર દરોડો પાડીને ૫૦.૨૭ લાખ રૂપિયાની કિંમતનું ૨૦,૦૮૫ લીટર શંકાસ્પદ ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું છે. આ જથ્થો હલકી ગુણવત્તાનો અને મિસબ્રૅન્ડેડ હોવાની શંકાના આધારે કાર્યવાહી કરીને અધિકારીઓએ વિવિધ જાણીતી બ્રૅન્ડના નમૂના તપાસ માટે લીધા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ‘મંગળવારે અંબી ગામમાં આવેલી કંપનીની ફૅસિલિટીમાંથી સત્તાવાળાઓએ ૨૦,૦૮૫ લીટર તેલનો સંપૂર્ણ સ્ટૉક જપ્ત કરી લીધો હતો. FDAએ લીધેલા નમૂનાઓમાં આધાર બ્રૅન્ડનું રિફાઇન્ડ સનફ્લાવર ઑઇલ, ફૉર્ચ્યુન બ્રૅન્ડનું ફિઝિકલી રિફાઇન્ડ રાઇસબ્રાન ઑઇલ, પતંજલિ બ્રૅન્ડનું કાચી ઘાણી સરસવનું તેલ અને સફોલા બ્રૅન્ડના કોલ્ડ-પ્રેસ્ડ સરસવ અને સીંગતેલનો સમાવેશ થાય છે.
