Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોનિયા ગાંધીના પુસ્તકનાં પાનાં ફાડવામાં શાઇના એન.સી.એ ભૂલથી બાળ ઠાકરેનો ફોટો ફાડ્યો અને હોબાળો મચી ગયો

સોનિયા ગાંધીના પુસ્તકનાં પાનાં ફાડવામાં શાઇના એન.સી.એ ભૂલથી બાળ ઠાકરેનો ફોટો ફાડ્યો અને હોબાળો મચી ગયો

Published : 19 November, 2026 08:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન થયું હોવાનું કહીને મહારાષ્ટ્રમાં પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની શિવસેનાની માગણી

ગઈ કાલે ભૂલથી બાળ ઠાકરેનો ફોટો ફાડ્યા પછી છોભીલાં પડી ગયેલાં શાઇના એન.સી.

ગઈ કાલે ભૂલથી બાળ ઠાકરેનો ફોટો ફાડ્યા પછી છોભીલાં પડી ગયેલાં શાઇના એન.સી.


તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા સોનિયા ગાંધીનાં સંસ્મરણોના પુસ્તક ‘બિલૉન્ગિંગ - અ જર્ની ઑફ લવ’નો મુંબઈમાં શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તથા આ પુસ્તકના ૨૦૧ અને ૪૪૩ નંબરનાં પાનાં અને અમુક ફોટોવાળાં પાનાં ફાડીને એને પુસ્તકમાંથી દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. દરમ્યાન શિવસેનાનાં રાષ્ટ્રીય પ્રવક્તા શાઇના એન.સી.એ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના પૂતળાને બાળ ઠાકરે ચંપલ મારતા હોય એવા ફોટોને ફાડ્યો હતો જેને પગલે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ફોટોને બાળ ઠાકરેનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકીને ઠેર-ઠેર શાઇના એન.સી.નો વિરોધ કરવામાં આવ્યો હતો.

સો‌નિયા ગાંધીના પુસ્તકમાં સ્વાતંયસેનાની તથા પ્રખર રાષ્ટ્રવાદી સ્વાતંયવીર વિનાયક દામોદર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને શિવસેનાના નેતાઓએ કર્યો હતો. આ દરમ્યાન સંજય નિરુપમે જણાવ્યું હતું કે ‘અમે આ પુસ્તકને વખોડીએ છીએ અને આ પુસ્તક પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ મૂકવામાં આવે એવી અપેક્ષા અમે મહારાષ્ટ્ર સરકાર પાસે રાખીએ છીએ. આ પુસ્તક મહારાષ્ટ્રમાં ક્યાંય પણ વેચવા દેવામાં નહીં આવે એવી અમને અપેક્ષા છે. આ પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે. કૉન્ગ્રેસ હંમેશાંથી વીર સાવરકરનું અપમાન કરતી આવી છે અને આ પુસ્તકમાં પણ આ સિલસિલો શરૂ રાખવામાં આવ્યો છે.’



ખરેખર વિવાદ કેમ ઊભો થયો?


સોનિયા ગાંધીના પુસ્તકનો વિરોધ કરતી પ્રેસ-કૉન્ફરન્સમાં શાઇના એન.સી. સહિત અન્ય નેતાઓ પુસ્તકનાં પાનાં ઉપરાંત ફોટો ફાડી રહ્યાં હતાં ત્યારે શાઇના એન.સી.એ મણિશંકર ઐયરના પૂતળાને બાળ ઠાકરે ચંપલ મારતા હોય એવા ફોટોને વચ્ચેથી ફાડવાનું શરૂ કર્યું હતું. જોકે ભૂલનો અંદાજ આવી જતાં તેમણે એ ફોટોને બીજાં પાનાં નીચે દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રેસ-કૉન્ફરન્સના વિડિયોને જોતાં જ શિવસેના (UBT)એ વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો. ત્યાર બાદ શાઇના એન.સી. અને અન્ય નેતાઓએ સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું કે તેમણે મણિશંકર ઐયરના ફોટોને ફાડ્યો છે, બાળાસાહેબનો ફોટો બાજુથી ફાડવામાં આવ્યો નથી અને ફરીથી એ રીતે ફોટો ફાડીને બતાવીને તેમણે સ્પષ્ટતા આપી હતી જેને કારણે વિવાદ વકર્યો હતો. તેમણે બે વાર બાળાસાહેબનો ફોટો ફાડ્યો એવો આરોપ શિવસેના (UBT)ના કાર્યકર્તાઓએ મૂક્યો હતો. આ બાબતે શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ તાબડતોબ શાઇના એન.સી. સાથે બેઠક કરીને આ મામલે ખુલાસો માગ્યો હતો.

મુંબઈમાં પ્રેસ ક્લબ બહાર જોડે મારા


મુંબઈમાં મુંબઈ પ્રેસ ક્લબ બહાર શિવસેના (UBT)ના નેતાઓએ શાઇના એન.સી.નો વિરોધ કરતાં પ્રદર્શન યોજ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સામેલ થયા હતા. તેમણે અહીં ‘જોડે મારા’ એટલે કે ચંપલ મારો આંદોલન કર્યું હતું જેમાં શાઇના એન.સી.ના ફોટોને ચંપલ મારવામાં આવ્યાં હતાં.

મેયરની કેબિનમાં શિવસેના (UBT) અને BJP સામસામે

શિવસેના (UBT)ના નેતાઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ઑફિસમાં મેયર રિતુ તાવડેની કેબિનમાં ઘૂસીને જોરદાર નારેબાજી કરી હતી અને તેમનો ઘેરાવ કર્યો હતો. બાળ ઠાકરેનું અપમાન થયું છે ત્યારે સભાગૃહનું કામકાજ કેમ શરૂ રાખવામાં આવ્યું છે એવો સવાલ કરીને શિવસેના (UBT)ના નેતાઓએ ધમાલ મચાવી હતી. આ દરમ્યાન શિવસેના (UBT) અને BJPના નગરસેવકો આમનેસામને આવી જતાં મામલો ગરમાયો હતો. તસવીર : આશિષ રાજે

વિરોધ પક્ષોનો વળતો પ્રહાર, બાળ ઠાકરેના ફોટો ફાડવાનો મુદ્દો ઊંચક્યો

કૉન્ગ્રેસના નેતા નાના પટોલે તથા વિજય વડેટ્ટીવારે દેશમાં અભિવ્યક્તિ સ્વાતંય હોવાનું કહીને સોનિયા ગાંધીના પુસ્તકનાં પાનાં ફાડનારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. બાળ ઠાકરેનો ફોટો ફાડવાનો આરોપ મૂકીને શાઇના એન.સી. વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.

આરોપ સાબિત કરો, પુરાવા આપો, નહીંતર તૈયાર થાઓ કેસનો સામનો કરવા : શાઇના એન.સી.

શિવસેનાનાં પ્રવક્તા શાઇના એન.સી.એ હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબનો ફોટો ફાડીને તેમનું અપમાન કર્યું હોવાનો આરોપ કરી મુંબઈ અને અન્ય શહેરોમાં પણ વિવાદ ઊભો થયો હતો ત્યારે શાઇના એન.સી.એ પોતાના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને ખોટા હોવાનું કહી પોતાનો બચાવ કર્યો છે. શાઇના એન.સી.એ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે ‘મેં હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબના ફોટોને ફાડ્યો હોય કે તેમનું અપમાન કર્યું હોય એ સાબિત કરતા પુરાવા દેખાડો. જાણીજોઈને વાતને મારીમચકોડીને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે એ સહન નહીં કરવામાં આવે. જે લોકો મારી વિરુદ્ધ અપમાનજનક દાવા કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવામાં આવશે. હા, હું હજાર વખત મણિશંકર ઐયરનો ફોટો ફાડીશ, કારણ કે બાળાસાહેબે અમને એ જ શીખવ્યું છે.’ જોકે અમુક નેટિઝન્સે આ ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલો હોવાની ટિપ્પણી પણ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK