ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના સર્વે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આ ન્યુઝ બ્રૉડકાસ્ટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ફૉરેન એક્સચેન્જના નિયમોનો ભંગ કરવા બદલ ન્યુઝ બ્રૉડકાસ્ટર બીબીસી ઇન્ડિયાની વિરુદ્ધ ફેમા (ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ) હેઠળ એક કેસ દાખલ કર્યો છે. ઈડીએ બીબીસીની પાસેથી કેટલાક ડૉક્યુમેન્ટ્સ પણ માગ્યા છે અને આ કંપનીના કેટલાક એક્ઝિક્યુટિવ્સનાં સ્ટેટમેન્ટ્સ રેકૉર્ડ પણ કર્યાં છે. આ તપાસના કેન્દ્રસ્થાને આ કંપની દ્વારા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનના નિયમોનો કરવામાં આવેલો ભંગ છે.
નોંધપાત્ર છે કે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે થોડા મહિના પહેલાં દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં ટૅક્સમાં અનિયમિતતાના આરોપસર સર્વે કર્યો હતો.
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના સર્વે દરમ્યાન અનેક દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા. એ સમયે આરોપ મૂકવામાં આવ્યો હતો કે બીબીસીએ ફૉરેનમાં રહેલાં એનાં યુનિટ્સ દ્વારા રૂપિયા મેળવ્યા હતા, પરંતુ એના પર ટૅક્સ નહોતો ચૂકવવામાં આવ્યો. એ સર્વે ત્રણ દિવસ ચાલ્યો હતો. એના પછી ઈડીએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ઈડી હવે બીબીસીના ઍડ્મિન, ખાસ કરીને અકાઉન્ટ વિભાગના અધિકારીઓ તેમ જ એડિટોરિયલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ સમન્સ જારી કરશે અને તેમની પૂછપરછ કરશે. બીબીસી માટે મુશ્કેલી વધવાનું શરૂ કર્યું છે, કેમ કે ઇન્કમ ટૅક્સ પછી ઈડીએ તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : કૉન્ગ્રેસની આગેવાનીવાળી સરકારે પણ બીબીસીને નોટિસ આપી હતી
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના સર્વે દરમ્યાન આરોપ મૂકવામાં આવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડૉક્યુમેન્ટરીના કારણે ટૅક્સ ડિપાર્ટમેન્ટ ઍક્શન લઈ રહી છે. જોકે, એ સમયે ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ આરોપને ફગાવીને જણાવ્યું હતું કે બીબીસીનાં ફૉરેન યુનિટ્સ દ્વારા જે રૂપિયા કમાવવામાં આવ્યા એના પર ટૅક્સ ભરવામાં આવ્યો નથી. હવે આ ફૉરેનથી રૂપિયા આવ્યા હોવાથી ઈડી ફેમા હેઠળ તપાસ કરી રહી છે.
બીબીસીનાં અનેક યુનિટ્સ ફૉરેનમાં છે અને અનેક સિસ્ટર ચૅનલ્સ ઇન્ડિયામાં છે. ઈડીનો આરોપ છે કે ફૉરેનથી જે રૂપિયા ભારતમાં આવ્યા છે એના પર ટૅક્સ ચૂકવવામાં આવ્યો નથી એટલે ફેમાના ભંગનો મામલો છે.