ફરી એક વાર કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન
કમલ હાસન
પીઢ અભિનેતા અને મક્કલ નિધિ મય્યમ (MNM) પાર્ટીના વડા કમલ હાસને ફરી એક વાર સનાતન ધર્મ વિશે કંઈક એવું કહ્યું છે જેનાથી વિવાદ શરૂ થયો છે. તામિલનાડુના ચેન્નઈમાં એક કાર્યક્રમ દરમ્યાન તેમણે સનાતન ધર્મ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘શિક્ષણ એકમાત્ર હથિયાર છે જે સરમુખત્યારશાહી અને સનાતન વિચારધારાની સાંકળો તોડી શકે છે. હાથમાં બીજું કંઈ ન લો, ફક્ત શિક્ષણ લો. એના વિના આપણે જીતી શકતા નથી એટલા માટે આપણે શિક્ષણને મજબૂતીથી પકડી રાખવું જોઈએ.’
કમલ હાસને નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘NEETએ ૨૦૧૭થી ઘણાં બાળકોને તબીબી અભ્યાસથી દૂર રાખ્યાં છે. ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ ઇચ્છે તો પણ આ અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી. શિક્ષણ એક શસ્ત્ર છે, શિક્ષણ એક સાધન છે. આનાથી જ દેશને નવો આકાર આપી શકાય છે. શું સાચું છે કે શું ખોટું એ નક્કી કરવું ત્યારે જ શક્ય છે જ્યારે જનતા શિક્ષિત થાય.’
ADVERTISEMENT
DMKના માસ્ટરોને ખુશ કરે છે : BJP
કમલ હાસનની ટીકા કરતાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નારાયણન તિરુપતિએ કહ્યું હતું કે કમલ હાસન DMK (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ)માં તેમના માસ્ટરોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


