જમ્મુ-કાશ્મીરની પ્રાદેશિક પાર્ટીએ સત્તા પર આવશે તો આર્ટિકલ ૩૭૦ પાછો લાવશે એવી જાહેરાત કરી હોવાથી ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુમાં કરી સ્પષ્ટ વાત
ગઈ કાલે જમ્મુમાં પાર્ટીનો સંકલ્પ પત્ર રજૂ કરતા અમિત શાહ અને અન્ય નેતાઓ.
જમ્મુમાં ગઈ કાલે પાર્ટીનો મેનિફેસ્ટો રજૂ કરતી વખતે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે હું આખા દેશને એક વાતની સ્પષ્ટતા કરી દેવા માગું છું કે આર્ટિકલ ૩૭૦ હવે ઇતિહાસ બની ગયો છે અને એ હવે પાછો ક્યારેય નહીં આવે.
આ સિવાય ચૂંટણીઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ટૂરિસ્ટ હબ બનાવવાની જાહેરાત કરી છે અને એનું કહેવું છે કે આને લીધે પાંચ લાખ લોકોને રોજગાર મળશે. આ સિવાય કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે તેમણે કહ્યું હતું કે ‘અમે ટીકા લાલ ટપલુ વિસ્થાપિત પુનર્વસન યોજના શરૂ કરીને કાશ્મીરી પંડિતોનું સુરક્ષિત પુનર્વસન કરાવીશું. આ સિવાય કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ ખાતમો બોલાવીને અહીં ટૂરિઝમના પ્રમોશન પર વધુ ને વધુ ભાર આપીશું. ૧૯૪૭થી જમ્મુ-કાશ્મીર અમારા દિલની નજીક રહ્યું છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું, છે અને રહેશે.’
ADVERTISEMENT
નૅશનલ કૉન્ફરન્સ (NC)એ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જો અમારી પાર્ટી સત્તા પર આવશે તો આર્ટિકલ ૩૭૦ પાછો લાવશે. આ જ કારણસર અમિત શાહે કૉન્ગ્રેસને પણ સવાલ પૂછ્યો છે કે ‘રાષ્ટ્રીય પાર્ટી આવા મુદ્દા પર બિનશરત સમર્થન કઈ રીતે કરી શકે? રાહુલ ગાંધીએ તેમની પાર્ટીનું આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવું જોઈએ.’
આગામી વિધાનસભાની ચૂંટણીમાં NC અને કૉન્ગ્રેસે યુતિ કરી હોવાથી ગઈ કાલે આર્ટિકલ ૩૭૦ના મામલે અમિત શાહે સ્પષ્ટતા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર વચ્ચે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
કોણ છે ટીકા લાલ ટપલુ?
ઍડ્વોકેટ ટીકા લાલ ટપલુ કાશ્મીર વૅલીમાં રાષ્ટ્રવાદને મજબૂત કરવા સમર્પિત હતા અને એ દિશામાં તેમણે ઘણાં કામ કર્યાં હતાં. જોકે ૧૯૮૯ની ૧૩ સપ્ટેમ્બરે આતંકવાદીઓએ કાશ્મીરમાંથી પંડિતોને ખદેડી મૂકવા માટે તેમની ગોળી મારીને હત્યા કરી હતી.