મિલબેને મહિલાઓ માટેના પીએમ નરેન્દ્ર મોદીના સ્ટૅન્ડ બદલ તેમની પ્રશંસા કરી હતી. તેણે મોદીને ભારત માટે બેસ્ટ લીડર ગણાવ્યા હતા.
આફ્રિકન-અમેરિકન સિંગર મૅરી મિલબેન
વૉશિંગ્ટન ઃ જાણીતી આફ્રિકન-અમેરિકન સિંગર મૅરી મિલબેને વસ્તી નિયંત્રણમાં એજ્યુકેશન અને મહિલાઓની ભૂમિકા સમજાવતી વખતે રાજ્યની વિધાનસભામાં વિવાદાસ્પદ કમેન્ટ્સ કરવા બદલ ગઈ કાલે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની આકરી ટીકા કરી હતી. મિલબેને મહિલાઓ માટેના પીએમ નરેન્દ્ર મોદીના સ્ટૅન્ડ બદલ તેમની પ્રશંસા કરી હતી. તેણે મોદીને ભારત માટે બેસ્ટ લીડર ગણાવ્યા હતા.
નીતીશ કુમારના રાજીનામાની માગણી કરતાં મિલબેને લખ્યું હતું કે ‘આજે ભારત નિર્ણાયક ક્ષણનો સામનો કરી રહ્યું છે. જ્યાં મહિલાઓના વૅલ્યુને પડકારવામાં આવી રહ્યું છે. હું માનું છું કે આ પડકારનો માત્ર એક જવાબ છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમારજીની કમેન્ટ્સ બાદ હું માનું છું કે કોઈ સાહસી મહિલાએ બિહારના મુખ્ય પ્રધાન માટેની પોતાની દાવેદારી જાહેર કરવી જોઈએ. જો હું ભારતની નાગરિક હોત તો મેં બિહાર જઈને સીએમ પદ માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હોત.’
મિલબેને મોદીની અમેરિકાની રાજકીય વિઝિટ દરમ્યાન ભારતીયોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે વડા પ્રધાનના ચરણસ્પર્શ કર્યાં હતાં અને ભારતીય રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાયું હતું.


