રજિસ્ટ્રેશન કરાવવાના ગઈ કાલે પહેલા દિવસે માહિમમાં આવેલી બૅન્કની બહાર મોટી સંખ્યામાં ભક્તોની લાઇન લાગી હતી. અમરનાથની યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈને ૯ ઑગસ્ટ સુધી ચાલુ રહેશે
રજિસ્ટ્રેશન કરાવવાના ગઈ કાલે પહેલા દિવસે માહિમમાં આવેલી બૅન્કની બહાર મોટી સંખ્યામાં ભક્તોની લાઇન લાગી હતી તસવીરો : આશિષ રાજે
અમરનાથની ગુફામાં પ્રગટ થતા બર્ફાની બાબાનાં દર્શન કરવા માટેનું રજિસ્ટ્રેશન ગઈ કાલથી શરૂ થયું હતું. અમરનાથની યાત્રા કરવા માટે જમ્મુ ઍન્ડ કશ્મીર બૅન્કમાં ઑફલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માટેની ઑથોરિટી આપવામાં આવી છે. રજિસ્ટ્રેશન કરાવવાના ગઈ કાલે પહેલા દિવસે માહિમમાં આવેલી બૅન્કની બહાર મોટી સંખ્યામાં ભક્તોની લાઇન લાગી હતી. અમરનાથની યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈને ૯ ઑગસ્ટ સુધી ચાલુ રહેશે. ગયા વર્ષે પાંચ લાખથી વધુ શિવભક્તોએ અમરનાથની અત્યંત કઠિન ગણાતી યાત્રા કરી હતી.
બસ-ટ્રકની આ ભયંકર ટક્કરમાં ચાર જણના જીવ ગયા
ADVERTISEMENT
મહારાષ્ટ્રના બુલઢાણામાં આવેલા ખામગાવ-નાદુરા હાઇવે પર ગઈ કાલે સવારના એક પ્રાઇવેટ બસ અને ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. એમાં ચાર લોકોના જીવ ગયા હતા અને ૨૦ લોકોને ઈજા પહોંચી હતી. સામસામે વાહનો ટકરાવાની ઘટના એટલી ભયંકર હતી કે બન્ને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને હાઇવે નજીકની ઈંટની દીવાલ પણ તૂટી પડી હતી. જખમીઓને અકોલામાં આવેલી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
પત્ની પર પતિનું ગજબ બ્લૅક મૅજિક
પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં હળદર-કંકુ લગાવેલું લીંબુ નિચોવ્યું પતિએ
પુણે જિલ્લાના સાંગવી પરિસરમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. પત્નીએ કોર્ટમાં જઈને પતિ પાસેથી ભરણપોષણની માગણી કરવાનો કેસ દાખલ કર્યો હતો એના ગુસ્સામાં પતિએ પિયર ગયેલી પત્નીને ઘરે બોલાવીને તેના પ્રાઇવેટ પાર્ટમાં હળદર-કંકુ લગાવેલું લીંબુ નિચોવીને બ્લૅક મૅજિક કર્યું હતું. ૩૬ વર્ષની પત્નીએ આ બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના પતિને તાબામાં લીધો હતો.
પોલીસે કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલા અને આરોપી પતિના ૨૦૦૪માં લગ્ન થયાં હતા. તેમને બે પુત્રો છે. લગ્નનાં થોડાં વર્ષ બાદ પતિ ચારિત્ર પર સતત શંકા કરતો હતો એટલે પત્ની પુત્રોને લઈને પિયર જતી રહી હતી. પુત્રોના સ્કૂલનાં પુસ્તકો પતિના ઘરે જ હોવાથી ૧૧ એપ્રિલે મહિલા પુસ્તકો લેવા ઘરે ગઈ હતી ત્યારે તેનો પતિ દારૂના નશામાં હતો. તેણે પત્નીના ગળે કોયતો રાખીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, હળદર-કંકુ લગાવેલું લીંબું પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં નિચોવ્યું હતું. પતિએ કહ્યું હતું કે મેં તારા પર બ્લૅક મૅજિક કર્યું છે એટલે થોડા સમયમાં તું ગાંડી થઈ જઈશ. પત્ની જેમતેમ કરીને પતિની પકડમાંથી છટકીને પિયર પહોંચી ગઈ હતી અને પછી પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’
સમય રૈના અને રણવીર અલાહાબાદિયાને ત્રીજી વાર મહારાષ્ટ્ર સાઇબરનું સમન્સ
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અભદ્ર કમેન્ટ કરવા બદલ સમય રૈના અને રણવીર અલાહાબાદિયા સહિત પાંચ પૅનલિસ્ટે ત્રીજી વાર મહારાષ્ટ્ર સાઇબર સમક્ષ હાજર રહેવું પડ્યું હતું. સાઇબર સેલના અધિકારીએ જણાવ્યું હતું કે ‘મંગળવારે પૂછપરછના બીજા રાઉન્ડ માટે કૉમેડિયન સમય રૈના, યુટ્યુબર રણવીર અલાહાબાદિયા સહિત ઇન્ફ્લુઅન્સર્સ અપૂર્વા માખિજા, જસપ્રીત સિંહ અને આશિષ ચંચલાનીએ તેમનાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યાં હતાં.’
ટૉપના પૉડકાસ્ટર, યુટ્યુબર અને બહોળા પ્રમાણમાં ફૉલોઅર્સ ધરાવતા રણવીરે ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અપમાનજનક શબ્દો અને અશ્લીલતાને પોષતી કમેન્ટ્સ કરતાં લોકોમાં આક્રોશ વધ્યો હતો જેના પગલે આ શોના તમામ પૅનલિસ્ટ વિરુદ્ધ મહારાષ્ટ્ર સાઇબરે પગલાં લેવાની ફરજ પડી હતી.
ઘરમાં ઘૂસેલા બે લૂંટારાઓ સામે પડી બહાદુર મહિલા, જખમી થવા છતાં એક ચોરને પકડી રાખ્યો
પાલઘરમાં રહેતી મહિલાએ ઘરમાં ઘૂસી ગયેલા બે ચોરનો બહાદુરીપૂર્વક સામનો કરીને તેમનો લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ મામલો ચર્ચાનો મુદ્દો એટલે બન્યો હતો કારણ કે બે ચોરે આ મહિલાને ઘાયલ કરી હોવા છતાં તેણે હિંમતપૂર્વક તેમનો સામનો કર્યો હતો જેમાંનો એક આરોપી નાસી ગયો હતો અને એકને પકડવામાં મહિલા અને તેના પાડોશીઓ સફળ રહ્યા હતા.
સોમવારે સાંજે આ મહિલા પતિ સાથે ઘરની નજીક આવેલા બીચ પર ફરવા ગઈ હતી અને ઘરે પાછી ફર્યા બાદ તેણે જોયું કે ઘરમાં બે ચોર ઘૂસી ગયા છે અને સોનાના દાગીના સહિતની માલમતા તફડાવી રહ્યા છે.
મકાનમાલિક દંપતીને આવતું જોઈને બન્ને ધાડપાડુઓએ ભાગવાની કોશિશ કરી ત્યારે જ મહિલાએ એક ચોરને પકડી લીધો હતો. જોકે ચોરે પોતાને છોડાવવા માટે મહિલાના હાથ પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ઘવાયેલી હોવા છતાં મહિલાએ ચોરને છોડ્યો નહોતો અને બૂમાબૂમ કરીને પાડોશીઓને મદદ માટે બોલાવ્યા હતા. પાડોશીઓએ પણ જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી ચોરને પકડી રાખવામાં મદદ કરી હતી. મહિલાનો પતિ બીજા ચોરને પકડવા માટે તેની પાછળ ભાગ્યો હતો, પણ તે નાસી ગયો હતો.

