અદાલત નૈતિકતાથી નહીં, કાયદાથી ચાલે છે એવી ટિપ્પણી કરીને અલાહાબાદ હાઈ કોર્ટે કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
જો કોઈ પરિણીત પુરુષ પુખ્ત મહિલા સાથે સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે તો તેના પર કેસ ચલાવી શકાય નહીં એવું મહત્ત્વપૂર્ણ અવલોકન અલાહાબાદ હાઈ કોર્ટે એક એવા કેસમાં કર્યું છે જેમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક દંપતીએ તેમની સામે દાખલ કરાયેલા પોલીસકેસને રદ કરવાની માગણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સામાજિક નૈતિકતા વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરવાની કોર્ટની ફરજને ઓવરરાઇડ કરી શકે નહીં.
આ પોલીસકેસ મહિલાની માતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો અને દંપતીએ એને રદ કરવાની માગણી કરતી રિટ અરજી દાખલ કરી હતી.
ADVERTISEMENT
આ કેસ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાનો છે, જ્યાં એક પરિણીત પુરુષ બીજી પુખ્ત મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. મહિલાના પરિવારે આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. મહિલાની માતાએ પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની પુત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો પુરુષ પહેલેથી જ પરિણીત હતો, જેનાથી આ ક્રિમિનલ કેસ છે અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
કેસની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટના જસ્ટિસ જે. જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની બેન્ચે જણાવ્યું હતું કે ‘પુખ્ત યુગલને સુરક્ષા પૂરી પાડવાની પોલીસની ફરજ છે. સામાજિક નૈતિકતા અને કાયદા વચ્ચે તફાવત છે જે સમજવો મહત્ત્વપૂર્ણ છે. સમાજની નજરમાં સંબંધ ખોટો ગણાઈ શકે છે, પરંતુ કાયદાની દૃષ્ટિએ એને જોવાનું અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું કામ કોર્ટનું છે. કાયદા અનુસાર જો કોઈ સંબંધ ગુનાની શ્રેણીમાં ન આવે તો ફક્ત સામાજિક નૈતિકતાના આધારે કેસ દાખલ કરી શકાતો નથી. નૈતિકતા અને કાયદાને અલગ રાખવાં પડશે.’
