ભારતીય વીમા-કંપનીઓ વિદેશી રીઇન્શ્યૉરર્સ પાસે પુનઃ વીમો લેતી હોવાથી એમણે તો ૧૦ ટકા જોખમની જ ચુકવણી કરવાની રહેશે એવી ધારણા
ક્રેશ પછી ધુમાડાના ગોટેગોટા ઉપ્યાં હતા
ઍર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનરની દુર્ઘટનાના પગલે ભારતીય વીમા-કંપનીઓ અને એના વૈશ્વિક રીઇન્શ્યૉરર્સે આશરે ૧૨૦થી ૧૫૦ મિલ્યન ડૉલર (આશરે ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ) સુધીના દાવાની ચુકવણી કરવી પડી શકે છે એમ ઉડ્ડયન વીમા નિષ્ણાતોએ જણાવ્યું હતું.
આ મુદ્દે અલાયન્સ ઇન્શ્યૉરન્સ બ્રોકર્સના બિઝનેસ હેડ (એવિયેશન ઇન્શ્યૉરન્સ) સૌરવ બિસ્વાસે જણાવ્યું હતું કે બોઇંગ 787 ડ્રીમલાઇનરનું વીમાકૃત મૂલ્ય ૭૫થી ૮૫ મિલ્યન ડૉલરની વચ્ચે છે. ઉડ્ડયન વીમામાં જો વિમાનને પૂર્ણપણે નુકસાન થાય તો વિમાનની આખી કિંમત ચૂકવવી પડે છે. એથી ટેક્નિકલ રીતે વીમા કંપનીઓ અને રીઇન્શ્યૉરર્સે ફક્ત હલ વીમામાં આટલી રકમ ચૂકવવાની રહેશે. હલ વીમો એ વિમાનના ભૌતિક નુકસાન અથવા નુકસાન માટેના કવરેજનો સંદર્ભ આપે છે. વીમાકૃત રકમ નોંધપાત્ર હોવાથી ભારતીય વીમા-કંપનીઓ સંપૂર્ણ રકમ આવરતી નથી અને વધારાનું જોખમ વિદેશની રીઇન્શ્યૉરર્સ કંપનીઓ અને મોટા ભાગે યુનાઇટેડ કિંગડમની કંપનીઓને પુનઃ વીમો આપીને જોખમ આવરી લેવામાં આવે છે. આમ ભારતીય વીમા-કંપનીઓનું નુકસાન વિમાનની કિંમતના માત્ર ૧૦ ટકા જેટલું રહેશે, બાકીની રકમની ચુકવણી વિદેશી રીઇન્શ્યૉરર્સ કરશે.
ADVERTISEMENT
ઍર ઇન્ડિયાની જવાબદારીનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ
આ તબક્કે ઍર ઇન્ડિયા પ્રત્યેની એકંદર જવાબદારીનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે એમ જણાવીને પ્રુડન્ટ ઇન્શ્યૉરન્સ બ્રોકર્સના એવિયેશન અને સ્પેશ્યલિટી લાઇન્સના વાઇસ પ્રેસિડન્ટ હિતેશ ગિરોત્રાએ કહ્યું હતું કે ‘ઑપરેટરની જવાબદારી અનેક પરિબળો પર આધારિત રહેશે જેમાં મુસાફરોની રાષ્ટ્રીયતાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં થયેલી વિમાન-દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં ૧૬૯ ભારતીય નાગરિકો, બાવન બ્રિટિશ નાગરિકો, એક કૅનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગીઝ નાગરિકો છે. હલ ક્લેમનો અંદાજ લગાવવો સરળ છે ત્યારે મુસાફરોની કાનૂની જવાબદારી અને થર્ડ-પાર્ટી જવાબદારીનું તાત્કાલિક આકલન કરવું મુશ્કેલ છે, પરંતુ ભારતીય વીમા-કંપનીઓ પર એની અસર નોંધપાત્ર હોઈ શકે છે. આ રકમ અદાલત દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં ૨-૩ વર્ષ લાગી શકે છે.’
થર્ડ-પાર્ટી જવાબદારી
વિમાન નાગરિક વિસ્તારમાં ક્રૅશ થયું હોવાથી ઑપરેટર પર થર્ડ-પાર્ટી મિલકતને નુકસાનની જવાબદારી હોવાની શક્યતા છે. વિમાન જ્યાં તૂટી પડ્યું એ રહેણાક મકાનમાં પણ જાનહાનિ થઈ છે એથી મુસાફરોની કાનૂની જવાબદારી અને થર્ડ-પાર્ટી જવાબદારી બન્નેનો સમાવેશ થશે.
પ્રીમિયમ કેટલું મળે છે?
નાણાકીય વર્ષ ૨૦૨૫માં જનરલ ઇન્શ્યૉરન્સ ઉદ્યોગે ઉડ્ડયન સેગમેન્ટમાં ૧૦૯૭.૮૨ કરોડ રૂપિયાની કુલ સીધી પ્રીમિયમ આવક નોંધાવી હતી. આમાંથી ધી ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપનીનો હિસ્સો ૩૭૭.૫૦ કરોડ રૂપિયા હતો. ત્યાર બાદ ધ ઓરિયેન્ટલ ઇન્શ્યૉરન્સનો ૨૦૧.૮૧ કરોડ રૂપિયા અને તાતા AIG જનરલ ઇન્શ્યૉરન્સનો હિસ્સો ૧૭૦.૦૨ કરોડ રૂપિયા હતો.
કેરલામાં ક્રૅશ, ૬૬૦ કરોડ ચૂકવ્યા
ઑગસ્ટ ૨૦૨૦માં ભારતીય વીમા-કંપનીઓ અને વૈશ્વિક રીઇન્શ્યૉરન્સ કંપનીઓએ કેરલાના કોઝિકોડ ઍરપોર્ટ પર ઍર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૅશ માટે વળતર તરીકે ૬૬૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ક્રૅશમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ સમયે ઍર ઇન્ડિયાની પ્રાથમિક વીમા-કંપનીઓમાંની એક ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સે ઍરલાઇનને હલ ક્લેમ તરીકે ૩૭૮.૮૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

