૫૨૯ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી

ચેકિંગ દરમ્યાન દિલ્હીની સીમા પર ભારે ટ્રાફિક જૅમ : અગ્નિપથ યોજનાની વિરુદ્ધ ભારત બંધના એલાનના પગલે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પર ગઈ કાલે ભારે ટ્રાફિક જૅમ થયો હતો. સરહૌલ બૉર્ડર પાસે એક્સપ્રેસવે પર દિલ્હી પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી ત્યારે ધીમે-ધીમે આગળ વધતાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. દિલ્હી-નોએડા-દિલ્હી ફ્લાઇવે, મેરઠ એક્સપ્રેસવે, આનંદ વિહાર, સરાઈ કાલે ખાન અને પ્રગતિ મેદાન ખાતે પણ ખૂબ જ ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો. જોકે દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે વાહનવ્યવહારમાં સુગમતા માટે જુદાં-જુદાં સ્થળોએ તેમની ટીમને તહેનાત કરવામાં આવી છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં ગઈ કાલે ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. જોકે એની વ્યાપક અસરો જોવા મળી નહોતી. આ પહેલાંની હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી, યુપી, બિહારથી લઈને આંધ્ર પ્રદેશ અને બંગાળ સહિત અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી હતી. જોકે ભારત બંધના લીધે કેટલીક જગ્યાઓએ દેખાવો થયા હતા.
આ જગ્યાઓએ જ અસર
૧. હરિયાણામાં પ્રદર્શન કરનારાઓએ ફતેહાબાદમાં લાલ બત્તી ચોકને બ્લૉક કરી દીધો હતો. રોહતક જિલ્લામાં પણ માર્ગો પર વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યાં હતાં.
૨. બિહારમાં પ્રદર્શન કરનારાઓએ બીજેપીની કેટલીક ઑફિસને ટાર્ગેટ કરી છે ત્યારે બિહાર સરકારે પાર્ટી ઑફિસની સિક્યૉરિટી વધારી દીધી છે. અત્યારે રાજ્યના ૨૦ જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસ બંધ છે.
૩. ઝારખંડમાં વિરોધ-પ્રદર્શનને કારણે ગઈ કાલે તમામ સ્કૂલ્સ બંધ કરી દેવામાં આવી હતી.
૪. બિહારના અરરિયામાં પ્રદર્શનકર્તાઓ હાથમાં તિરંગો લઈને રેલવે ટ્રૅક પર પહોંચ્યા હતા. તેમણે આખા શહેરમાં માર્ચ કરીને જોગબની-કટિહારની વચ્ચેના રેલવે ટ્રૅકને જૅમ કર્યો હતો. લગભગ બે કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાયો હતો.
૫૨૯ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી
અગ્નિપથ ભરતી યોજનાના ઉગ્ર વિરોધને કારણે વધુ એક વખત ગઈ કાલે રેલવે-વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગઈ કાલે કુલ ૫૩૯ ટ્રેનોને અસર થઈ હતી, જેમાંથી ૫૨૯ ટ્રેનો કૅન્સલ કરાઈ હતી, જેમાં ૧૮૧ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો અને ૩૪૮ પૅસેન્જર ટ્રેનો સામેલ છે. રેલવેએ ચાર મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોનો રૂટ ટૂંકાવ્યો હતો. અન્ય ૬ ટ્રેનોને પણ અસર થઈ હતી.