પહલગામ અટૅકનો મુખ્ય શકમંદ આદિલ થોકર ૨૦૧૮માં પાકિસ્તાન ગયો હતો, ૨૦૨૪માં ઑક્ટોબરમાં પાછો આવ્યો હતો
આદિલ અહમદ થોકર
પહલગામની બૈસરન વૅલીમાં નિર્દોષ ટૂરિસ્ટો પર હુમલો કરનારા આતંકવાદીઓમાંનો એક આદિલ અહમદ થોકર ૨૦૧૮માં સ્ટુડન્ટ વીઝા પર પાકિસ્તાન ગયો હતો અને ૨૦૨૪ના ઑક્ટોબર મહિનામાં તેણે બીજા ત્રણથી ચાર આતંકવાદીઓની સાથે પૂંછ-રાજૌરી બૉર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હોવાની જાણકારી બહાર આવી છે. આદિલ થોકર બિજબેહારાના ગુરે ગામનો વતની છે. પહલગામ હુમલાનો તે મુખ્ય ષડ્યંત્રકાર હોવાની જાણકારી મળી છે.
આદિલ થોકર વિશે જાણકારી આપતાં ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવા વયે જ તે કટ્ટરવાદી વિચારસરણી ધરાવતો થઈ ગયો હતો અને પાકિસ્તાન જતાં પહેલાં જ સરહદપારનાં આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં હતો. ૨૦૧૮માં પાકિસ્તાન પહોંચ્યા બાદ તેણે પરિવાર સાથે સંપર્ક તોડી નાખ્યો હતો અને તે ક્યાં છે એની કોઈને જાણ થવા દીધી નહોતી. તેની ડિજિટલ ફુટપ્રિન્ટ પર નજર રાખતી ગુપ્તચર એજન્સીઓ પણ તે ક્યાં છે એ જાણી શકતી નહોતી. તેના બિજબેહારાના ઘર પર સમાંતર દેખરેખ રાખવામાં આવી હતી, પણ એમાં કોઈ સફળતા મળી નહોતી. એવું માનવામાં આવે છે કે તેણે પાકિસ્તાનમાં આ સમયગાળા દરમ્યાન અર્ધલશ્કરી તાલીમ લીધી હતી અને તેનું વૈચારિક રીતે બ્રેઇનવૉશ કરવામાં આવ્યું હતું. તે લશ્કર-એ-તય્યબાના હૅન્ડલર્સથી પ્રભાવિત થયો હતો.
ADVERTISEMENT
ભારતમાં ફરી પ્રવેશ
૨૦૨૪ના ઑક્ટોબરમાં આદિલ થોકર ભારતમાં જોવા મળ્યો, તેણે પૂંછ-રાજૌરી સેક્ટરમાં ગાઢ જંગલોના રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી. આ વિસ્તાર પૅટ્રોલિંગ માટે મુશ્કેલ છે, કારણ કે એમાં ઢાળવાળી ટેકરીઓ અને ગાઢ જંગલો છે. ગેરકાયદે ક્રૉસિંગ માટે આ વિસ્તાર પસંદ કરવામાં આવે છે. તેની સાથે ત્રણથી ચાર લોકોએ પણ ઘૂસણખોરી કરી હતી જેમાંનો એક હાશિમ મુસા ઉર્ફે સુલેમાન હતો જે પણ પહલગામ હુમલાનો શકમંદ છે, પોલીસે તેનો સ્કેચ પણ જાહેર કર્યો છે. મુસાને ભારતમાં ઘુસાડવામાં થોકરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કર્યા બાદ તે રોડ માર્ગે નહીં પણ જંગલ અને પહાડોના માર્ગે કિશ્તવાડ થઈને અનંતનાગ પહોંચ્યો હતો.
વિદેશી આતંકવાદીને આશ્રય
અનંતનાગ પહોંચીને આદિલ થોકર ભૂગર્ભમાં જતો રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે આદિલ થોકરે કમસે કમ એક વિદેશી આતંકવાદીને ભારતમાં આશ્રય આપ્યો હતો, જેણે તેની સાથે ઘૂસણખોરી કરી હતી. તે ઘણાં અઠવાડિયાંઓ સુધી જંગલોમાં છુપાયેલો રહ્યો હતો. તેણે નિષ્ક્રિય સ્લીપર સેલ્સ સાથે ફરી સંપર્ક સાધ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચાય એવો હુમલો કરવા માટે રાહ જોઈને બેઠો હતો. ઉનાળાની શરૂઆત સાથે કાશ્મીરમાં ટૂરિસ્ટો આવવાના શરૂ થયા હતા અને અગાઉ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલી બૈસરન વૅલીને પણ ખોલવામાં આવી હતી. આ લાગ જોઈને આતંકવાદીઓએ નિર્દોષ ટૂરિસ્ટોને નિશાન બનાવ્યા હતા. બાવીસ એપ્રિલે બપોરે ૧.૫૦ વાગ્યા બાદ આદિલ થોકર અને બીજા આતંકવાદીઓ દેવદારનાં વૃક્ષોની પાછળથી આવ્યા હતા અને જ્યાં ટૂરિસ્ટો એકઠા થયા હતા ત્યાં જઈને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી અટૅકના કેસમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે આદિલ થોકરને મુખ્ય શકમંદ જાહેર કર્યો છે.

