તેણે પોલીસને જણાવ્યું હતું કે તે મિત્રના ઉપકારનો બદલો ચૂકવવા માટે આ કામ કરી રહ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોર પોલીસે અશોક ઉર્ફે એપલ અને તેના સાથીદાર સતીશની બાઇક ચોરીના કેસમાં ધરપકડ કર્યા બાદ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અશોક તેના મિત્રની બ્રેસ્ટ-કૅન્સરગ્રસ્ત પત્નીની સારવાર માટે નાણાં એકઠાં કરવા બાઇક ચોરી કરતો હતો. તેણે ૧૫થી વધારે બાઇકની ચોરી કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે મિત્રના ઉપકારનો બદલો ચૂકવવા માટે આ કામ કરી રહ્યો હતો.
રસ્તા પર ફ્રૂટ વેચવાનો ધંધો કરનારા અશોકની પત્ની થોડા મહિના પહેલાં તેના ગુના કરવાની આદતને કારણે કંટાળીને અશોકને છોડીને જતી રહી હતી. એ સમયે તેના મિત્ર અને તેની પત્નીએ તેને આશરો આપ્યો હતો અને તેની દેખભાળ કરતાં હતાં. જ્યારે અશોકને ખબર પડી કે મિત્રની પત્નીને કૅન્સર છે તો તેની સારવાર માટે નાણાં એકઠાં કરવા માટે તેણે સતીશ સાથે બાઇક ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. ગિરિનગર વિસ્તારમાં તેમણે એક સૉફ્ટવેર એન્જિનિયરની બાઇકની ચોરી કરી એમાં તેઓ પકડાયા હતા. સતીશ સામે મર્ડર અને ૪૦ બાઇક ચોરી કરવાનો આરોપ છે. અશોક બાઇક ચોરીના એક કેસમાં એક મહિના પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો. આ બેઉની જોડી શહેરમાંથી બાઇક ચોરી કરીને એને વેચી દેતી હતી.

