જયપુર-અજમેર હાઇવે પર સિલિન્ડર ભરેલી ટ્રકને પાછળથી કેમિકલ ભરેલા ટૅન્કરે ટક્કર મારી
મંગળવારે રાતે સિલિન્ડર ભરેલી ટ્રક અને કેમિકલના ટૅન્કર વચ્ચે ટક્કર થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
કેમિકલનું ટૅન્કર ચલાવતો ડ્રાઇવર જીવતો સળગી ગયો: આગના ગોળા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાતા રહ્યા અને સિલિન્ડરોના ટુકડા હવામાં ઊછળીને ૨૫થી ૩૦ ફુટ દૂર અને ઊંચે સુધી ફંગોળાયા: ફાયર-બ્રિગેડની ૧૨ ગાડીઓને આગ કાબૂમાં લેતાં ૩ કલાક લાગ્યા
કેમિકલ લીકેજને કારણે વિસ્તાર ખાલી કરાવ્યો
ADVERTISEMENT

મંગળવારે આખી રાત રાજસ્થાનના હાઇવે પર ૨૦૦ સિલિન્ડર બ્લાસ્ટ થયા પછી વહેલી સવારે ઘટનાસ્થળને ઠારવા માટેની કામગીરી ચાલુ થઈ ત્યારે કેમિકલ ટૅન્કરમાંથી કેમિકલ લીકેજને કારણે એનું ઝેર હવામાં પ્રસરી રહ્યું હોવાથી પોલીસે આસપાસના ઢાબા અને રેસ્ટોરાં ખાલી કરાવીને એની આસપાસ બૅરિકેડ્સ લગાવી દીધી હતી. કેમિકલ લીકેજ રોકવા માટે ટૅન્કરના નાળચે બાંધેલો લોટ લગાવવામાં આવ્યો હતો.

ભીષણ આગને કારણે હાઇવે બંધ કરી દેવામાં આવતાં ૭ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઇવે પર મંગળવારે રાતે ૧૦ વાગ્યે ભયાવહ શબ્દને નાનો કહેવડાવે એવી ભીષણ આગની ઘટના ઘટી. સાવરદા પુલિયા પાસે એક ઢાબા પાસે સિલિન્ડર ભરેલી ટ્રકનો ડ્રાઇવર ટ્રક ઊભી રાખીને જમવા ગયો હતો. એ વખતે અજમેરથી જયપુર તરફ જતું કેમિકલ ભરેલું ટૅન્કર પાછળથી આવીને જોરથી ટ્રકને અથડાયું. ટૅન્કર એટલું જોરથી અથડાયું કે એની કૅબિન ટ્રકની અંદર ચીપકી ગઈ હોવાથી ડ્રાઇવર ફસાઈ ગયો. જોરદાર અથડામણને કારણે ટૅન્કરની કૅબિનમાંથી નાની ચિનગારીઓ નીકળવા લાગી. આ ટક્કર લાગી એ પછી ૨૧ મિનિટ સુધી આગ નહોતી લાગી, પરંતુ ટૅન્કરની કૅબિનમાંથી નીકળેલી એક ચિનગારી ટ્રકમાંના એક સિલિન્ડરને લાગી અને સિલિન્ડર હવામાં ઊછળીને ફાટ્યું.

૨૦૦થી વધુ સિલિન્ડરો લગભગ બે કલાક સુધી બ્લાસ્ટ થઈને હવામાં ફંગોળાયાં હતાં.
ઢાબામાં બેઠેલા જે લોકો ટૅન્કરમાં ફસાયેલા ડ્રાઇવરને બચાવવા ગયા તેમણે પણ ત્યાંથી દૂર ભાગી જવું પડ્યું. એ પછી એક પછી એક સિલિન્ડરો ફાટતાં રહ્યાં. લગભગ બે કલાક સુધી સિલિન્ડરના બ્લાસ્ટ થતા રહ્યા અને હવામાં આગના ગોળા સાથે સિલિન્ડરો ઊછળતાં રહ્યાં. ટ્રકમાં ૨૦૦થી વધુ સિલિન્ડરો હતાં. આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે એ પાંચ કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. ફાયર-બ્રિગેડની ગાડીઓએ ખૂબ મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ ઓલવતાં ૧૨ ટૅન્કરોને ૩ કલાક લાગ્યા હતા.
આ ઘટનામાં ટૅન્કરનો ડ્રાઇવર રામરાજ મીણા જીવતો સળગી ગયો હતો અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ટ્રકની પાસે ઊભેલી બીજી પાંચ ગાડીઓ પણ સળગી ગઈ હતી. રાતે ૬ કલાક માટે હાઇવે બંધ રાખવામાં આવ્યો હતો. ફાયર-બ્રિગેડની ૧૨ ગાડીઓએ આગ કાબૂમાં લેતાં ૩ કલાક લાગ્યા હતા.


