હું પણ તમારી જેમ આર્મીમાં જોડાઈને દેશની રક્ષા કરીશ
રાયને મલયાલમમાં લખેલો પત્ર.
કેરલાના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં ભૂખ અને પ્યાસની પરવા કર્યા વિના કાર્યરત આર્મીના જવાનોની બચાવકાર્યની કામગીરી જોઈને ત્રીજા ધોરણના એક સ્ટુડન્ટે મલયાલમ ભાષામાં ઇન્ડિયન આર્મીને સંબોધીને લખેલો પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. રાયન નામના સ્ટુડન્ટે લખ્યું છે કે એક દિવસ તે પણ આર્મીમાં જોડાશે. આર્મીએ પણ આ સ્ટુડન્ટને ભાવપૂર્ણ જવાબ આપ્યો છે.
રાયને પત્રમાં લખ્યું છે કે ‘ડિયર ઇન્ડિયન આર્મી, મારા વાયનાડમાં વ્યાપક ભૂસ્ખલન થયું છે અને ચોતરફ વિનાશ અને તબાહી મચી છે. કાદવમાં ફસાયેલા લોકોને બચાવતા તમને જોઈને મને ગર્વ અને ખુશી થઈ રહી છે. મેં હમણાં જ એ વિડિયો જોયો જેમાં તમે પોતાની ભૂખ મિટાવવા માટે બિસ્કિટ ખાઈ રહ્યાં છો અને બ્રિજ બનાવી રહ્યા છો. આ દૃશ્યે મને બહુ જ પ્રભાવિત કર્યો છે. એક દિવસ હું પણ ઇન્ડિયન આર્મીમાં સામેલ થઈને દેશની રક્ષા કરવાની ઇચ્છા રાખું છું.’
આ પત્રના પગલે ઇન્ડિયન આર્મીએ પણ રાયનને યુવા યોદ્ધા તરીકે સંબોધીને ધન્યવાદ વ્યક્ત કરીને જવાબ આપ્યો છે જે પણ દિલને સ્પર્શે છે. આર્મીએ એના જવાબમાં લખ્યું છે કે ‘દિલને સ્પર્શ કરતા તારા શબ્દોએ અમને અભિભૂત કર્યા છે. મુશ્કેલ સમયમાં અમારું લક્ષ્ય આશાનું કિરણ બનવાનું છે અને તારો પત્ર આ મિશનની પુષ્ટિ કરે છે. તારા જેવા હીરો અમને હંમેશાં સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરે છે. અમે એ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તું સેનાનો યુનિફૉર્મ પહેરીશ અને અમારી સાથે ઊભો હોઈશ. આપણે બધા સાથે મળીને આપણા દેશનો ગૌરવાન્વિત કરીશું. યુવા યોદ્ધા, તારા સાહસ અને પ્રેરણા માટે ધન્યવાદ.’


