વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે સરકારે ઉચ્ચ શક્તિવાળું વસ્તીવિષયક સ્થિતિ મિશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે
લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ૭૯મા સ્વતંત્રતાદિવસે કરેલા ભાષણમાં ઘૂસણખોરો પર કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે દેશની ડેમોગ્રાફી એક ષડયંત્રના ભાગરૂપે બદલવામાં આવી રહી છે. તેમણે હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ મિશનને લીધે ઘૂસણખોરીના ખતરાનો અસરકારક રીતે સામનો કરી શકાશે.
આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રહેતા ઘૂસણખોરો પર જોરદાર પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ દેશની વસ્તીવિષયક સ્થિતિ બદલી નાખવામાં આવી રહી છે અને એક નવા સંકટનાં બીજ વાવવામાં આવી રહ્યાં છે. આ ઘૂસણખોરો મારા દેશના યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે, બહેનો અને દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે અને આદિવાસીઓની જમીન પર કબજો કરી રહ્યા છે. આ દેશ આને ક્યારેય સહન કરશે નહીં.’
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે સરહદી વિસ્તારોમાં વસ્તીવિષયક સ્થિતિમાં બદલાવ દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો છે અને સામાજિક તનાવ પણ વધારી શકે છે. વડા પ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે ‘કોઈ પણ દેશ પોતાના દેશને બીજાને સોંપી શકતો નથી. આપણા પૂર્વજોએ આ સ્વતંત્રતા બલિદાન દ્વારા મેળવી છે. આપણે એને સુરક્ષિત રાખવી પડશે.’
વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે સરકારે ઉચ્ચ શક્તિવાળું વસ્તીવિષયક સ્થિતિ મિશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી આ ખતરાનો અસરકારક રીતે સામનો કરી શકાય.


