Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયની કાર્યવાહી : UAPA હેઠળ પાકિસ્તાનમાં છુપાયેલા ૨૩ દુશ્મનો આતંકવાદી ઘોષિત

કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયની કાર્યવાહી : UAPA હેઠળ પાકિસ્તાનમાં છુપાયેલા ૨૩ દુશ્મનો આતંકવાદી ઘોષિત

Published : 05 July, 2026 08:47 AM | IST | Jammu and kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૃહમંત્રાલયની યાદીમાં જેમનાં નામ આતંકવાદી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે એમાં લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે

આતંકવાદી

આતંકવાદી


કેન્દ્રીય ગૃહમંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ પાકિસ્તાનસ્થિત ૨૩ જણને સત્તાવાર રીતે આતંકવાદી તરીકે જાહેર કર્યા છે. આ સાથે આ યાદીમાં કુલ આતંકવાદીઓની સંખ્યા ૮૦ પર પહોંચી ગઈ છે.

આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘આ બધા આતંકવાદીઓ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં, આતંકવાદી હુમલાઓમાં, આતંક ફેલાવવામાં, હથિયારોની દાણચોરીમાં, સરહદ પારથી ઘૂસણખોરી કરાવવામાં, આતંકવાદી સંગઠનોને ટેકો આપવામાં, ભંડોળ એકત્ર કરવામાં અને આતંકવાદીઓની ભરતીમાં સામેલ છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ચાલુ રાખતાં ગૃહમંત્રાલયે UAPA હેઠળ આ ૨૩ દુશ્મનોને આતંકવાદી તરીકે જાહેર કર્યા છે. આ ૨૩ આતંકવાદીઓમાંથી ૧૭ પાકિસ્તાની નાગરિકો છે અને ૬ ભારતીય નાગરિકો છે. જોકે હાલમાં બધા પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. ભારત અને એના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોદી સરકાર દરેક આતંકવાદી મૉડ્યુલને તોડી પાડવા માટે પ્રતિબદ્ધ છે.’



ગૃહમંત્રાલયની યાદીમાં જેમનાં નામ આતંકવાદી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે એમાં લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય મસૂદ ઇલ્યાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી મોહમ્મદ અસગર ખાન અને હાફિઝ અબ્દુલ શકુર જેવાં નામોનો સમાવેશ થાય છે. 


આ યાદીમાં સૌથી અગ્રણી નામ મોહમ્મદ શાહિદ ફૈઝલ ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ઝાકિરનું છે. તેનું કાયમી સરનામું બૅન્ગલોર (કર્ણાટક) છે, જ્યારે તે હાલમાં પાકિસ્તાનના રાવલપિંડીમાં રહે છે. સરકારનો આરોપ છે કે તે લશ્કર-એ-તય્યબા, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) સાથે જોડાયેલાં મૉડ્યુલો સાથે સંપર્કમાં રહ્યો છે. તેના પર સોશ્યલ મીડિયા દ્વારા યુવાનોની ભરતી કરવાનો, શસ્ત્રોની તાલીમ આપવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકઠું કરવાનો પણ આરોપ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 08:47 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK