Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બગાસું ખાતાં પતાસું મળ્યું : ૨૬ જુલાઈના મહાભયંકર પૂરના બહાને ૨૦૦૦ લોકો સાથે થઈ કરોડો રૂપિયાની છેતર​​પિંડી

બગાસું ખાતાં પતાસું મળ્યું : ૨૬ જુલાઈના મહાભયંકર પૂરના બહાને ૨૦૦૦ લોકો સાથે થઈ કરોડો રૂપિયાની છેતર​​પિંડી

09 January, 2023 09:36 AM IST | Mumbai
Prakash Bambhrolia

મીરા રોડ પોલીસે એક પ્રૉપર્ટીની છેતરપિંડીના કેસમાં એસ્ટેટ એજન્ટની ધરપકડ કરતાં આખું કૌભાંડ આવ્યું બહાર

૨૬ જુલાઈ, ૨૦૦૫ના રોજ રેકૉર્ડ-બ્રેક વરસાદની ફાઇલ તસવીર. આ કુદરતી આપત્તિમાં ઘર ગુમાવનારાઓના નામે એહસાન રાજપૂતે કરોડો રૂપિયા બનાવ્યા હતા. (તસવીર : પ્રદીપ ધિવાર)

૨૬ જુલાઈ, ૨૦૦૫ના રોજ રેકૉર્ડ-બ્રેક વરસાદની ફાઇલ તસવીર. આ કુદરતી આપત્તિમાં ઘર ગુમાવનારાઓના નામે એહસાન રાજપૂતે કરોડો રૂપિયા બનાવ્યા હતા. (તસવીર : પ્રદીપ ધિવાર)


મીરા રોડ પોલીસે એક પ્રૉપર્ટીની છેતરપિંડીના કેસમાં એસ્ટેટ એજન્ટની ધરપકડ કરતાં આખું કૌભાંડ આવ્યું બહાર : ૨૦૦૫ના પૂર વખતે ચારકોપમાં જેનાં ઝૂંપડાંઓ ડૂબી ગયાં હતાં તેમને પુનર્વસન કરવા માટે એક સોસાયટી બનવાની છે અને એમાં લોકોને આઠ લાખમાં ફ્લૅટ અપાવવાના નામે કર્યું મસમોટું સ્કૅમ

બેવારસ કે લાંબા સમયથી બંધ પડેલી મિલકતની માહિતી મેળવી ખોટા વારસદાર ઊભા કરીને પ્રૉપર્ટી હડપ કરવાના આરોપસર મીરા રોડના એક રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રૉપર્ટીનું કામકાજ કરતો હતો એટલે તેનો રજિસ્ટ્રેશન ઑફિસમાં સારો સંપર્ક હતો એનો ફાયદો ઉઠાવીને તે બેવારસ મિલકતના ચેઇન ઑફ ઍગ્રીમેન્ટ્સ મેળવી લેતો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. વલસાડમાં રહેતી ગુજરાતી મહિલાનાં માતા-પિતાનો એક ફ્લૅટ અને બે શૉપ આરોપીએ મહિલાના મામાની મદદથી પચાવી પાડ્યાં હોવાથી બે મહિના પહેલાં આરોપીની ધરપકડ થઈ હતી. એ પછી ગયા અઠવાડિયે કાંદિવલીના ચારકોપમાં સસ્તામાં મ્હાડાના ફ્લૅટ અપાવવાના નામે છેતરપિંડી કરવાના આરોપસર બીજી વખત ધરપકડ થઈ હતી. ૨૦૦૫માં ૨૬ જુલાઈએ મુંબઈમાં થયેલા જળબંબાકારમાં ચારકોપનાં કેટલાંક ઝૂંપડાં પાણીમાં વહી ગયાં હતાં. આ લોકોને મ્હાડાનાં ઘર અપાવવાના નામે ૨૦૦૦ લોકો પાસેથી તેણે કરોડો રૂપિયા વસૂલ કર્યા હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.



મીરા રોડની નયાનગર પોલીસે આપેલી માહિતી મુજબ મીરા રોડમાં રિયલ એસ્ટેટનું કામકાજ કરતા એહસાન ગફાર રાજપૂત, તેના ભાઈ હારૂન રાજપૂત, ઍડ. કલામ ખાન અને અમુલ શામજી પટેલ સામે રસિક છોવાલાની વલસાડમાં રહેતી ૩૫ વર્ષની પરિણીત પુત્રી રોશનીએ મીરા રોડમાં આવેલો માતા-પિતાનો એક ફ્લૅટ અને બે શૉપ બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવીને હડપ કરવાની ફરિયાદ નોંધાવી હતી.


નયાનગર પોલીસે આ કેસની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો જણાઈ આવી છે. આરોપી એહસાન ગફાર રાજપૂત, તેના ભાઈ હારૂન અને રોશની છોવાલાના સગા મામા અમુલ શામજી પટેલે રોશનીના પિતા રસિક પટેલ અને માતા મંદાકિનીનું મૃત્યુ થયા બાદ તેમનો મીરા રોડમાં રસાઝ મૉલની પાછળના એવરશાઇન એન્ક્લેવ ખાતેનો એ/૧૦૧ નંબરનો ફ્લૅટ અને મીરા રોડમાં જ આવેલા સિદ્ધાર્થનગર ખાતેની બે શૉપ બોગસ વિલ બનાવીને હડપ કરવામાં આવ્યાં હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.

માતાના મૃત્યુને છુપાવ્યું
રોશનીની માતા મંદાકિની છોવાલાનાં લગ્ન ૧૯૮૫માં સુરેશ છોવાલા સાથે થયાં હતાં અને ૧૯૮૭માં પુત્રી રોશનીનો જન્મ થયો હતો. બાદમાં મંદાકિનીએ ૧૯૯૦માં મીરા રોડમાં રહેતા મોહમ્મદ કુરેશી સાથે બીજાં લગ્ન કરીને ધર્મ-પરિવર્તન કર્યું હતું અને સબીના કુરેશી નામ ધારણ કર્યું હતું. ૨૦૧૦માં મોહમ્મદ કુરેશીનું મૃત્યુ થયું હતું અને ૨૦૧૭માં સબીના હજ કરવા માટે ગયાં હતાં ત્યારે સાઉદીમાં તેમનું મૃત્યુ થયું હતું. આ વિશે રોશની છોવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા મીરા રોડમાં રહેતાં હતાં ત્યારે મારા સગા મામા અમુલ પટેલના સંબંધ ખૂબ સારા હતા. જોકે મમ્મીનું સાઉદીમાં હજયાત્રા દરમ્યાન મૃત્યુ થયા બાદ મામાની નીયત બદલાઈ ગઈ હતી. તેમણે મને મારી મમ્મીનું મૃત્યુ થયું હોવાની જાણ સુધ્ધાં નહોતી કરી. તેમણે એહસાન રાજપૂત સાથે મળીને માતા-પિતાનું બોગસ વિલ બનાવ્યું હતું અને ૧.૭૫ કરોડ રૂપિયાનો ફ્લૅટ હડપી લીધો છે. મેં ફરિયાદ નોંધાવ્યા બાદ નયાનગર પોલીસે કાર્યવાહી કરીને બધાની ધરપકડ કરી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ આરોપીઓ જામીન પર છૂટ્યા હતા. મને વિશ્વાસ છે કે પોલીસ મને ન્યાય અપાવશે. મને આખી વાતની જાણ જ નહોતી, પણ સ્થાનિક શુભેચ્છકો અને મારા વકીલ હર્ષ શર્મા વગેરેની મદદથી હું પોલીસ સુધી પહોંચી શકી હતી.’


ચોંકાવનારી મોડસ ઑપરેન્ડી
આરોપી એહસાન રાજપૂતની મોડસ ઑપરેન્ડી વિશે નયાનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી એહસાન રાજપૂત તેના સાથીઓની મદદથી કોઈક રીતે દસ કે એથી વધુ સમયથી બંધ કે બેવારસ પડેલી મિલકતની માહિતી મેળવતો હતો અને બાદમાં આવી મિલકતના બોગસ વારસદારના ડૉક્યુમેન્ટ્સ બનાવીને વિરાર કે નાલાસોપારામાં રહેતી સામાન્ય વ્યક્તિના નામે આ પ્રૉપર્ટી ખરીદતો હતો અને સાક્ષી તરીકે પોતે રહેતો. લાખોની કિંમતની મિલકત અમુક હજારમાં ખરીદીને જેના નામે ડૉક્યુમેન્ટ્સ બનાવ્યા હોય તેને મામૂલી રકમ પકડાવતો હતો. ચોંકાવનારી વાત એ છે કે એહસાન રાજપૂત આરોપી હોવા છતાં તે એવી રજૂઆત કરતો હતો કે હું તો આમાં સાક્ષી છું. જાણે આ કૌભાંડમાં પોતાનો હાથ જ ન હોવાનું તે કહેતો. આવી રીતે તેણે અનેક પ્રૉપર્ટી પચાવી પાડી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.’

મોટા કૌભાંડની શક્યતા
રોશની છોવાલાની ફરિયાદના આધારે ધરપકડ કરાયા બાદ આરોપી એહસાન રાજપૂત બે મહિને જામીન પર છૂટી ગયો હતો અને તે તેના ઉત્તર પ્રદેશમાં આવેલા વતનમાં જતો રહ્યો હતો. જોકે આ દરમ્યાન મીરા રોડમાં નયાનગરમાં રહેતા મુનાવર આબિદ ખાને તેની સામે ચીટિંગની ફરિયાદ નોંધાવતાં નયાનગર પોલીસે એહસાન રાજપૂતની પાંચ દિવસ પહેલાં ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી અને અત્યારે તે પોલીસ-કસ્ટડીમાં છે. ફરિયાદી મુનાવર ખાને આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈ જળબંબાકાર થયું હતું ત્યારે ચારકોપમાં કલેક્ટરની જમીન પરનાં કેટલાંક ઝૂંપડાં પાણીમાં વહી ગયાં હતાં. આ લોકોને મ્હાડાનું ઘર અપાવવાના નામે આરોપી એહસાન રાજપૂતે કેટલાક લોકો સાથે મળીને લોકોને લૂંટવાની એક સ્કીમ બનાવી હતી.

તેમણે અહીં પંચગંગા સોસાયટી બનાવાઈ હોવાના બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા અને ૩૦૦ ચોરસ ફીટના મ્હાડાના ફ્લૅટ છથી આઠ લાખ રૂપિયામાં આપવાનું વચન આપવાની શરૂઆત ૨૦૧૨થી કરી હતી. તેમની વાતમાં આવીને મારા સહિત લગભગ ૨૦૦૦ લોકોએ એકથી લઈને પાંચ લાખ રૂપિયા તેમને આપ્યા હતા. લોકોને તેમના પર વિશ્વાસ આવે એ માટે બોગસ રૅશનકાર્ડ, આધાર કાર્ડ અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહેતા લોકોના નામે બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યાં હતાં. હકીકતમાં આવી કોઈ સ્કીમ નથી એ જાણ્યા બાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી એહસાન રાજપૂતની ધરપકડ થઈ છે. આ કૌભાંડ બેથી ત્રણ હજાર કરોડ રૂપિયાનું હોવાની શક્યતા છે. આથી નયાનગર પોલીસની સાથે આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને આર્થિક ગુનાશાખાએ કરવી જોઈએ.’

 

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2023 09:36 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK