સની દેઓલે ટીમ સાથે સેલિબ્રેટ કરી ફિલ્મની સફળતા
વિડિયોમાં સની દેઓલ અને તેની ટીમના સભ્યો ભેગા મળીને ‘હેપી ‘બૉર્ડર 2’ ટુ યુ’ ગાતા જોવા મળે છે
સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજિત દોસાંઝને લીડ રોલમાં ચમકાવતી ‘બૉર્ડર 2’ બૉક્સ-ઑફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. આ ફિલ્મે શુક્રવાર સુધી ભારતીય બૉક્સ-ઑફિસ પર ૨૫૭.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મને મળેલી આ ભવ્ય સફળતાથી લીડ સ્ટાર સની દેઓલ ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે અને તેણે પોતાની ટીમ સાથે આ ખુશીને સેલિબ્રેટ કરી છે તેમ જ એનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મૂક્યો છે.
આ વિડિયોમાં સની દેઓલ અને તેની ટીમના સભ્યો ભેગા મળીને ‘હેપી ‘બૉર્ડર 2’ ટુ યુ’ ગાતા જોવા મળે છે. વિડિયોમાં સનીની સામે એક ટેબલ પર ચૉકલેટ કેક અને મીઠાઈનું બૉક્સ મુકાયું છે. કેક પર ‘બધાઈ હો બૉર્ડર 2’ લખેલું જોવા મળે છે. સાથે વાઇટ દિલનું નિશાન બનાવાયું છે. તમામ લોકો ગાતાં-ગાતાં સેલિબ્રેશન કરે છે અને સની દેઓલ પણ ઝૂમતાં-નાચતાં કહે છે, ‘હૅપી બૉર્ડર 2 ટુ મી.’ સનીનો આ અંદાજ ફૅન્સને ખૂબ ગમ્યો છે.


