Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પતિ માટે કિડની-ડોનર ગોતવા નીકળેલી પત્ની ૩૧+ લાખ રૂપિયા ગુમાવી બેઠી

પતિ માટે કિડની-ડોનર ગોતવા નીકળેલી પત્ની ૩૧+ લાખ રૂપિયા ગુમાવી બેઠી

Published : 08 May, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણ નજીક ચિંચપાડાની ઘટના : સ્થાનિક ડૉક્ટર સહિત ૭ જણ સામે નોંધાયો ગુનો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણ નજીક ચિંચપાડા ગામ વિસ્તારમાં રહેતી પંચાવન વર્ષની એક મહિલાને તેના પતિની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી આપવાની લાલચ આપીને ૩૧,૬૭,૮૬૦ રૂપિયા એક સ્થાનિક ડૉક્ટર સહિત ૭ લોકોએ પડાવી લીધા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે વિઠ્ઠલવાડી પોલીસે મંગળવારે સ્થાનિક ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના ૪ આરોપીઓ સહિત કુલ ૭ લોકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં કિડનીના ગંભીર રોગથી પીડાતા પતિને બચાવવા માટે મદદની શોધમાં રહેલા દંપતીની મજબૂરીનો આરોપીઓએ ગેરફાયદો ઉઠાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

કઈ રીતે પડાવ્યા પૈસા?



વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક કોલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલાના પતિને કિડનીની ગંભીર બીમારી હોવાથી તેને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. આ તકનો લાભ ઉઠાવીને આરોપીઓએ મહિલાને ખાતરી આપી હતી કે તેઓ સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી આપશે. આરોપીઓએ કિડનીદાતા (ડોનર) શોધી આપવાનું અને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાનું ખોટું આશ્વાસન આપ્યું હતું. ભોગ બનનાર મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે આરોપીઓની વાતોમાં આવી ગઈ હતી અને તેમની માગણી મુજબ પૈસા ચૂકવવા તૈયાર થઈ હતી. ફરિયાદી મહિલા પાસેથી ૨૦૨૫ની બીજી જુલાઈથી લઈને અત્યાર સુધીમાં આરોપીઓએ અલગ-અલગ બહાના હેઠળ રોકડ અને ઑનલાઇન માધ્યમથી કુલ ૩૧,૬૭,૮૬૦ રૂપિયા પડાવ્યા છે. કિડની-ડોનરને આપવાની રકમ અને હૉસ્પિટલના ખર્ચના નામે મહિલા પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ લીધા પછી પણ આરોપીઓએ કોઈ ઑપરેશન કરાવ્યું નહોતું અને સતત વાયદાઓ કરતા રહ્યા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને આ કોઈ મોટું રૅકેટ છે કે કેમ એ દિશામાં પણ સઘન તપાસ ચાલુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK