ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટેલ જંક્શનથી વિરાર સુધીના વિસ્તારમાં અસંખ્ય ઢાબા, હોટેલ, ગૅરેજ, દુકાનો ઊભાં કરવા માટે માટીની વીસથી ત્રીસ ફુટ ભરણી કરાતાં હાઇવે નીચેનાં નાળાં અદૃશ્ય થઈ ગયાં છે
તુંગારફાટા પાસે ગૅરેજ સહિતનાં અસંખ્ય ગેરકાયદે બાંધકામ ઊભાં કરી દેવામાં આવ્યાં છે એટલે અહીં ચોમાસામાં પાણી ભરાય છે.
પશ્ચિમ ભારતના સૌથી બિઝી એવા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર છેલ્લાં કેટલાંક વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. એમાં પણ ખાસ કરીને ફાઉન્ટન હોટેલથી વિરાર નજીકના ખાનિવલી ટોલનાકા સુધી હાઇવેમાં ચોમાસા દરમ્યાન બેથી ત્રણ ફુટ જેટલું પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને તો અસર થાય જ છે, સાથે-સાથે રસ્તો તૂટી જવાથી ઍક્સિડન્ટની શક્યતા પણ વધી જાય છે.
ભારતના સૌથી બિઝી ગણાતા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે નંબર ૪૮ પર શા માટે પાણી ભરાય છે અને ક્યાં કઈ સમસ્યાથી આવી સ્થિતિ ઊભી થાય છે એ જાણવા માટે અમે આ હાઇવેની મુલાકાત લીધી હતી. અમારા ધ્યાનમાં આવ્યું છે કે ફાઉન્ટન હોટેલથી વિરારફાટા પછી આવતા ખાનિવલી ટોલનાકા સુધીના રસ્તામાં અસંખ્ય ગૅરેજ, ઢાબા, દુકાનો અને હોટેલો બંધાઈ જવાની સાથે કુદરતી રીતે પાણીનો ફ્લો જે તરફ છે એ બાજુનાં નાળાં હાઇવે નીચેથી વહેતાં હતાં ત્યાં માટીની ભરણી કરી દેવાથી વરસાદનું પાણી આ નાળાંમાં જઈ નથી શકતું એટલે એ હાઇવે પર આવી જાય છે.
ADVERTISEMENT
એક તરફ જંગલ, બીજી તરફ સમુદ્ર
ઘોડબંદર રોડ પર આવેલા ફાઉન્ટન હોટેલ જંક્શનથી ગુજરાતની બૉર્ડર નજીકના તલાસરી સુધીના ૧૨૦ કિલોમીટર લંબાઈના મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર મુંબઈથી ગુજરાત તરફના રસ્તામાં જઈએ ત્યારે જમણી બાજુ જંગલ-પહાડ છે અને ડાબી બાજુએ ખાડી-સમુદ્ર આવેલાં છે. આથી સ્વાભાવિક છે કે ચોમાસામાં વરસાદનું પાણી પહાડ-જંગલમાંથી ખાડી-સમુદ્ર તરફ વહે છે. ખાનિવલી ટોલનાકાની આસપાસ બંને તરફ પહાડ-જંગલ આવેલાં છે એટલે વરસાદનું પાણી નીચાણવાળા ભાગમાં વહે છે. આ નૅશનલ હાઇવે અનેક જગ્યાએ આસપાસની જમીનથી નીચો છે એટલે ભારે વરસાદ વખતે પાણી હાઇવે પર ધસી આવે છે. જોકે સામાન્ય વરસાદમાં હાઇવેની નીચેની બાજુએ બાંધવામાં આવેલાં નાળાંમાં પાણી વહી જાય છે એટલે બહુ સમસ્યા નથી રહેતી.
તુંગારફાટા
હાઇવે પર ચોમાસામાં પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા વસઈમાં હાઇવે પર આવેલા તુંગારફાટા પાસે થાય છે. અહીં હાઇવેની જમણી બાજુએ તુંગારેશ્વર મંદિર જે પહાડ પર આવેલું છે ત્યાંનું પાણી હાઇવેને ક્રૉસ કરીને ખાડી-સમુદ્ર તરફ વહે છે. હાઇવેનું બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદના આ પાણીના વહેણ માટે હાઇવેની નીચે નાળાં બાંધવામાં આવ્યાં હતાં. મોટા ભાગનાં નાળાં આજે પણ જોવા મળે છે, પરંતુ એમાં માટી અને બીજો કચરો ભરાયેલો રહેતો હોવાથી એમાંથી પચીસ ટકા જેટલું જ પાણી વહેવાની ક્ષમતા છે. તુંગારફાટા નજીકનું નાળું ખાસ્સું પહોળું છે, પણ એ ૭૫ ટકા માટી-કચરાથી બ્લૉક થઈ ગયું છે. આથી ચોમાસામાં અવારનવાર વરસાદનું પાણી હાઇવે પર આવી જાય છે. બીજું, હાઇવેની બંને બાજુએ મોટા પ્રમાણમાં ગૅરેજ અને બીજાં બાંધકામ કરવા માટે માટીની ભરણી કરાઈ છે એટલે હાઇવે પર ભરાયેલું પાણી કલાકો સુધી ઓસરતું નથી.
લોઢાધામ નજીક
હાઇવે પર આવેલા જૈનોના તીર્થ લોઢાધામ પાસે પણ ચોમાસામાં પાણી ભરાય છે. લોઢાધામથી મુંબઈ તરફ ૨૦૦ મીટરના અંતરે ડાબી બાજુએ એક મોટું નાળું બાંધવામાં આવ્યું છે. આ નાળાની અંદર માટી ભરાઈ ગઈ છે અને એના પર ગેરકાયદે દુકાનો બાંધી દેવામાં આવી છે. એક દુકાનમાં જીવદાની નામનો ઢાબો છે. આ ઢાબો ચલાવતા ઓમ પ્રકાશ મૌર્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં દર ચોમાસાની જેમ આ વખતે પણ ગોઠણ સુધી પાણી ભરાયું હતું, જે બે દિવસ બાદ ઓસર્યું હતું. નીચે મોટું નાળું છે જેમાં માટી ભરાઈ ગઈ છે એટલે પાણી એમાંથી વહેતું નથી અને હાઇવેની સામેની બાજુએ જ્યાં નાળું છે ત્યાં તો માટીની ભરણી કરીને દુકાનો બાંધી દેવામાં આવી છે એટલે નજીકના ડુંગર પરથી આવતું પાણી હાઇવે પર આવી જાય છે.’
માટીની ભરણી
એક સમયે મુંબઈ-અમદાવાદ હાઇવે પર મુંબઈથી ગુજરાત તરફ જમીનનું લેવલ ઘણું નીચું હતું. આથી હાઇવેની નીચે બાંધવામાં આવેલાં નાળાં બંને બાજુએ ખુલ્લાં રહેતાં હતાં અને ગમે એટલો વરસાદ પડે તો પણ હાઇવે પર ક્યારેય પાણી નહોતું આવતું. જોકે અત્યારે ખાસ કરીને હાઇવેની ડાબી બાજુએ આવેલી જમીનમાં વીસથી ત્રીસ ફુટ માટીની ભરણી થઈ ગઈ છે એટલે નાળાં એની નીચે દબાઈ ગયાં હોવાથી જમણી બાજુનું નાળું ખુલ્લું હોવા છતાં એમાંથી પાણી વહી નથી શકતું. ફાઉન્ટન હોટેલથી ત્રણેક કિલોમીટરના અંતરે આવેલા રૉયલ ગાર્ડન રિસૉર્ટ નજીકના મેક્ડી નજીક પણ હાઇવેની નીચે એક નાળું આવેલું છે. આ નાળાની હાલત પણ લોઢાધામ પાસેના નાળા જેવી જ છે. માટી અને કચરો ભરાયેલો હોવાથી આ નાળામાંથી પાણી વહી જ ન શકે એવી હાલત છે. આ સિવાય અહીંથી ફાઉન્ટન હોટેલ સુધીના ભાગમાં અનેક નાળાં આવેલાં છે જે અત્યારે અદૃશ્ય થઈ ગયાં છે.
નાળાં બંધ કરવાની નોટિસ
હાઇવે પર ચોમાસામાં પાણી ભરાવા માટે ગેરકાયદે બાંધકામ, હોટેલ, ઢાબા, ગૅરેજ વગેરે જવાબદાર હોવાનું ધ્યાનમાં આવતાં હાઇવે ટ્રાફિક પોલીસ અને વસઈ-વિરારના સ્થાનિક પ્રશાસને એક સર્વે કર્યો હતો. વરસાદના પાણીના કુદરતી વહેણ માટે હાઇવેની નીચે બાંધવામાં આવેલાં નાળાં દબાઈ ગયાં હોવાનું આ સર્વેમાં જણાતાં અહીંના ગેરકાયદે બાંધકામો ધરાવતા લોકોને નોટિસ આપવામાં આવી હતી અને તેમને નાળાં ઓપન કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે બાદમાં આ વિશે આગળ કંઈ નથી થયું એટલે આવતા ચોમાસામાં પણ હાઇવે પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે.


