એટલું જ નહીં, લેનોની વચ્ચે ડિવાઇડર પણ નથી: સોશ્યલ મીડિયા પર લોકો લઈ રહ્યા છે ફીરકી
વિક્રોલી બ્રિજ
અંધેરીનો ગોખલે બ્રિજ બનાવતી વખતે બે લેવલ વચ્ચે અંતર રહી જતાં હાંસીને પાત્ર બનેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર હવે વિક્રોલી બ્રિજ બનાવ્યા બાદ ફરી એક વાર માછલાં ધોવાઈ રહ્યાં છે. વિક્રોલી ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ બનાવીને ચાલુ તો કરી દેવાયો છે, પણ એના પર કુલ ત્રણ જ લેન બનાવવામાં આવી છે. એથી કઈ લેન કોના માટે છે એનો સવાલ મોટરિસ્ટોને પજવી રહ્યો છે. અધૂરામાં પૂરું વચ્ચે ડિવાઇડર પણ નથી જેના કારણે વધુ ગૂંચવાડો થાય છે. લોકો BMCના આ ભોપાળાની સોશ્યલ મીડિયા પર ફીરકી લઈ રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર લોકો એવું કહી રહ્યા છે કે એક લેન આવવા માટે, બીજી લેન જવા માટે અને ત્રીજી લેન પાર્કિંગ માટે રાખવામાં આવી છે. અન્ય એક કમેન્ટ એવી પણ કરવામાં આવી છે કે એ ત્રીજી લેન જે મોટરિસ્ટો ગૂંચવાઈ જાય છે તેમના માટે છે. તો કેટલાક લોકોએ એવું કહ્યું છે કે બન્ને તરફની અડધી લેન એ ખાસ ટૂ-વ્હીલર્સ માટે જ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આ સંદર્ભે ખરેખર કાચું ક્યાં કપાયું એની સ્પષ્ટતા કરતાં BMCના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મૂળમાં નીચે જે રોડ હતો એ ૧૮ મીટરની પહોળાઈ ધરાવતો હતો. બ્રિજ બનાવ્યા બાદ પણ બન્ને તરફ ફાયર-બ્રિગેડની ગાડી જવા માટે જગ્યા રહેવી જ જોઈએ એવી તકેદારી રાખવાની હતી. વળી પુલ તો બનાવવાનો જ હતો એથી આખરે એ સાંકડો બાર મીટર પહોળો જ બની શક્યો એટલે આ સમસ્યા સર્જાઈ છે. જોકે વાહનોનું નિયમન કરવા ત્યાં ટ્રાફિક-પોલીસ તહેનાત કરવામાં આવ્યો છે.’
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે ૭ નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ૩૩ નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૨૯૬

